Junagadh, તા.૧૭
વડવાઓની પરંપરા જીવંત રાખી વતનના રતન દિનેશ કુંભાણીએ ૪ ગામના ૧૨૦૦ ખેડૂતોને હેક્ટર દીઠ રૂ.૧૧,૦૦૦ ની સહાય ચૂકવી. ત્યારે ખેડૂતોએ કહ્યું કે, સરકાર માત્ર જાહેરાત કરે છે. મૂળ બાદલપુર ગામના વતની અને હાલ અમદાવાદ સ્થિત સૌરાષ્ટ્રના ઉદ્યોગપતિ દિનેશ કુંભાણીએ વતન પ્રત્યેની લાગણી અને વડવાઓની પરંપરાને જીવંત રાખીને ખેડૂતો માટે ઉદારતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. ગત ૦૬/૧૧/૨૦૨૫ ના રોજ ગુજરાતમાં, ખાસ કરીને સૌરાષ્ટ્રમાં, વ્યાપક કમોસમી વરસાદ અને માવઠાના કારણે ખેડૂતોના ઊભા પાકને પારાવાર નુકસાન થયું હતું.
આ નુકસાન જોઈને દિનેશ કુંભાણીએ તાત્કાલિક જાહેરાત કરી હતી કે ખેડૂતોને પ્રતિ હેક્ટર દીઠ રૂ. ૧૧,૦૦૦ ની સહાય આપવામાં આવશે.
રવિવારે બાદલપુર ગામે આ જાહેરાતને અમલમાં મૂકતો ભવ્ય ચેક વિતરણ કાર્યક્રમ યોજાયો હતો. દિનેશ કુંભાણીએ માત્ર પોતાના ગામ બાદલપુરના જ નહીં, પરંતુ તેના સીમાડામાં આવેલા અન્ય ત્રણ ગામો — સાંખડાવદર, સેમરાળા અને પ્રભાતપુર — સહિતના કુલ ચાર ગામના ૧૨૦૦ થી વધુ ખેડૂતોને સહાય આપવાનો ઉદાર નિર્ણય લીધો હતો. આ સહાયમાં હેક્ટરની કોઈ પણ મર્યાદા રાખવામાં આવી ન હતી.
આ ચેક વિતરણ કાર્યક્રમમાં દિનેશ કુંભાણી, તેમનો પરિવાર, ખોડલધામ ટ્રસ્ટના પ્રમુખ નરેશ પટેલ અને પરબધામના મહંત કરસનદાસ બાપુ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. દિનેશ કુંભાણીએ જણાવ્યું હતું કે, “મારી જન્મભૂમિ બાદલપુર છે. અમારા વડવાઓની એક પરંપરા રહી છે કે જરૂરિયાતમંદોને હંમેશા મદદરૂપ થવું. આ ભાવના સાથે જ મેં મારા પરિવાર સાથે ચર્ચા કરીને આ નિર્ણય લીધો. અમારા પરિવારની એકસંપ અને ભગવતી આઈ ખોડિયારની કૃપાથી અમે આ કાર્ય કરી શક્યા છીએ.”
તેમણે ઉમેર્યું કે તેઓ અમદાવાદ ખાતે ખાતરની કંપની ચલાવે છે અને સમગ્ર ભારતના ખેડૂતો માટે જ કામ કરે છે. તેથી વતન અને ખેડૂતોની પડખે ઊભા રહેવું એ તેમની નૈતિક ફરજ છે.
ખોડલધામ ટ્રસ્ટના પ્રમુખ નરેશ પટેલે આ કાર્યને બિરદાવતા કહ્યું કે, “તાજેતરમાં આવેલી કુદરતી આફત સામે ખોડલધામ ટ્રસ્ટે વતનમાંથી દૂર કમાવા ગયેલા લોકોને વતનનું ઋણ ચૂકવવા અપીલ કરી હતી. અમારા મુખ્ય ટ્રસ્ટી દિનેશ કુંભાણીએ આ અપીલને ઝીલી લીધી અને વતનના ’’’’રતન’’’’ બન્યા. કુંભાણી પરિવારે તેમના ગામ સિવાયના અન્ય ત્રણ ગામોનો સમાવેશ કરીને જે ઉદારતા બતાવી છે. તે અભિનંદનને પાત્ર છે.
ઉદ્યોગપતિ તરફથી મળેલી ત્વરિત સહાયથી ખેડૂતોમાં ખુશી જોવા મળી હતી.બાદલપુરના ખેડૂત વિનુભાઈ વણપરીયાએ દિનેશ કુંભાણીનો આભાર માનતા કહ્યું કે, “કમોસમી વરસાદના કારણે પાયમાલ થયેલા ખેડૂતોને તેમણે સહાય કરી છે. દિનેશ કુંભાણીએ ચાર ગામના ૧૨૦૦ જેટલા ખેડૂતોને રૂ. ૧૧,૦૦૦ ની સહાયના ચેક વિતરણ કર્યા છે. જ્યારે સરકાર માત્ર સપના બતાવે છે અને કરોડો રૂપિયાની જાહેરાત કરે છે પરંતુ સમયસર સહાય મળતી નથી. સાંખડાવદરના ખેડૂત હર્ષદ ભાલાળા અને બાદલપુરના માજી સરપંચ રમેશ ભીમાણીએ પણ દિનેશ કુંભાણીનો આભાર વ્યક્ત કર્યો હતો કે, તેમણે હેક્ટરની મર્યાદા વગર સહાય ચૂકવીને વતન પ્રત્યેની લાગણી સાબિત કરી છે. આ ઉદાર સહાયથી કમોસમી વરસાદના કારણે થયેલા નુકસાન સામે ખેડૂતોને તાત્કાલિક રાહત મળી છે અને સમાજમાં એક સકારાત્મક ઉદાહરણ પૂરું પડાયું છે.

