KADI,તા.૧૭
કડી ખાતે સરદાર પટેલ ગ્રૂપના સ્નેહમિલન કાર્યક્રમમાં પૂર્વ નાયબ મુખ્યમંત્રી અને ભાજપના વરિષ્ઠ નેતા નીતિનભાઈ પટેલે વિરોધી પક્ષો પર આકરા પ્રહાર કર્યા હતા. પાટીદાર સમાજને સીધો સંબોધતાં તેમણે કહ્યું કે “આપ આવે, ઝાપ આવે કે કોઈ પણ પક્ષ આવે, પાટીદાર સમાજ કોઈના ઝાંસા કે લાલચમાં આવનારો નથી. મને પૂરી ખબર છે કે તમે ભાજપ સિવાય કોઈને મત આપવાના નથી.”
નીતિનભાઈએ કડી વિધાનસભા મતવિસ્તારમાં ભૂતકાળમાં ભાજપની સરકાર દ્વારા થયેલા વિકાસકાર્યોનો ઉલ્લેખ કરતાં કહ્યું કે, “અહીંના લોકો જાણે છે કે કોના શાસનમાં કેટલું કામ થયું છે. અમારા કાર્યકાળમાં જે વિકાસ થયો છે તેની સામે કોઈ પક્ષના નેતા આંખ મીંચાઈને જુઠ્ઠું બોલીને લોકોને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કરે છે, પણ કડી-મહેસાણાના પાટીદારો અને મતદારો જાગૃત છે.” વધુમાં તેમણે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ પર આડકતરી રીતે નિશાન સાધતાં કહ્યું કે, “જેમની પાસે ન તો નીતિ છે, ન નેતા છે, ન સંગઠન છે, તેમને ગુજરાતની જનતા સારી રીતે ઓળખી ગઈ છે. હવે કોઈની મીઠી-મીઠી વાતોમાં આવવાનો સમય નથી.”
આ ઉપરાંત તેમણે કહ્યું, અત્યારે તો એટલી બધી ગ્રાન્ટો આવે છે કે સભ્યોને ક્યાં વાપરવી. સાચું કામ કરો તો ઠીક, બાકી ક્યાં જતું રહે તો ભગવાન જાણે. હોદ્દાથી કશું નથી થતું. પણ તેમણે કહ્યું કે, કડીમાં હું બેઠો છું ત્યાં સુધી ખોટું નહીં થવા દઉં. આ સ્નેહમિલન કાર્યક્રમમાં મોટી સંખ્યામાં પાટીદાર સમાજના આગેવાનો અને કાર્યકર્તાઓએ હાજરી આપી હતી અને નીતિનભાઈના નિવેદનને વારંવાર તાળીઓઓથી વધાવી લીધું હતું.

