Ahmedabad
રાજ્યના સાયબર સેન્ટર ફોર એક્સેલન્સએ મ્યાનમારના કેકે પાર્ક અને કમ્બોડિયા ખાતે ચાઇનીઝ સાયબર માફિયા દ્વારા સંચાલિત સાયબર સ્લેવરી સ્કેમ સેન્ટરો માટે ભારતીય યુવાનોને સપ્લાય કરતા મુખ્ય સૂત્રધાર-એજન્ટ નીલેશ પુરોહિત ઉર્ફે નીલને ઝડપી પાડ્યો હતો.
સાયબર સેન્ટર ઓફ એક્સલન્સની ટીમે ટેકનિકલ એનાલિસિસ દ્વારા ઘોસ્ટ તરીકે કામ કરતા અને મલેશિયા ભાગી જવાની ફિરાકમાં રહેલા નીલ પુરોહિતને ગાંધીનગર ખાતેથી ઝડપી પાડ્યો હતો.
તેના બે મુખ્ય સાથીદાર સબ-એજન્ટ હિતેશ સોમૈયા અને સોનલ ફળદુની પણ ધરપકડ કરવામાં આવી હતી. નીલ પુરોહિતના 14 દિવસના રિમાન્ડ મંજૂર થયા હતા અને આ રેકેટના વધુ બે આરોપીઓ ભાવદીપ જાડેજા અને હરદીપ જાડેજાની પણ ધરપકડ કરવામાં આવી હોવાનું જણાવ્યું હતું.
તપાસમાં બહાર આવ્યું છે કે નિલેશ પુરોહિત એક વેલ ઓર્ગેનાઈઝ્ડ આંતરરાષ્ટ્રીય સાયબર-સ્લેવરી નેટવર્ક ચલાવતો હતો. તે 126થી વધુ સબ-એજન્ટોનું સંચાલન કરતો હતો. એટલું જ નહીં, આરોપી 30થી વધુ પાકિસ્તાની એજન્ટોના સંપર્કમાં હતો અને 100થી વધુ ચાઈનીઝ તથા વિદેશી કંપનીઓના એચઆર નેટવર્ક સાથે સીધો કનેક્શન ધરાવતો હતો, જે સાયબર-ફ્રોડ સ્કેમ કેમ્પમાં માણસો સપ્લાય કરતા હતા.
આરોપી અન્ય 1000થી વધારે નાગરિકોને સાયબર સ્લેવરી માટે ઉપરોક્ત દેશોમાં મોકલવા માટે ડીલ કરી ચૂક્યો જેમાંથી ઓપરેશન પાર પાડયાના આગળના દિવસે જ આરોપીએ એક પંજાબના નાગરીકને કમ્બોડિયા મોકલ્યો હોવાનું તપાસમાં ખુલ્યું હતું.
આ આરોપી દુબઈ, લાઓસ, થાયલેન્ડ, મ્યાનમાર તથા ઇરાનનો પ્રવાસ કર્યો હોવાનું તથા આ સમગ્ર આંતરરાષ્ટ્રીય નેટવર્ક માટે ભરતી, ટ્રાફિકિંગ રૂટ્સ, નાણાકીય વ્યવસ્થા અને ક્રોસ-બોર્ડર કનેક્શન અંગે સંચાલન અને નિયંત્રણ કરતો હોવાનું તપાસમાં બહાર આવ્યું હતું.
નાણાકીય વ્યવહાર છુપાવવા માટે આરોપીએ મ્યુલ એકાઉન્ટ્સ અને પાંચથી વધુ ક્રિપ્ટો વોલેટ્સ મારફતે કરોડો રૂપિયાના ટ્રાન્ઝેક્શન કર્યા હતા. આરોપીએ દક્ષિણ પુર્વ એશિયાઇ દેશોની ટીકીટ બુક કરાવી ભારત, શ્રીલંકા, ફિલિપાઇન્સ, પાકિસ્તાન, બાંગ્લાદેશ, નેપાળ, નાઈજીરિયા, ઇજિપ્ત, કેમેરૂન, બેનિન અને ટ્યુનિશિયા જેવા દેશોના 500થી વધુ નાગરિકોને સીધા અથવા દુબઈ મારફતે મ્યાનમાર, કમ્બોડિયા, વિયેતનામ અને થાઈલેન્ડ ખાતે સાયબર સ્લેવરી માટે મોકલ્યા હતા.
આરોપી નિલેશ પુરોહિત આ સમગ્ર આંતરરાષ્ટ્રીય નેટવર્ક માટે ભરતી, ટ્રાફિકિંગ રૂટ્સ, નાણાકીય વ્યવસ્થા અને ક્રોસ-બોર્ડર કનેક્શન અંગે સંચાલન અને નિયંત્રણ કરતો હોવાનું તપાસમાં બહાર આવ્યું છે.
કેવી હતી મોડેસ ઓપરેન્ડી
આ ભેજાબાજની મોડસ ઓપરેન્ડી પણ ગજબની હતી. આરોપી ટેલિગ્રામ, ઇન્સ્ટાગ્રામ, ફેસબુક જેવા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર વિદેશમાં ઊંચા પગારની ડેટા એન્ટ્રી જોબ્સની લાલચ આપી નાગરિકોને ફસાવતો હતો. ભોગ બનનારના પાસપોર્ટ જપ્ત કરી તેમને બંધક બનાવવામાં આવતા.
ત્યારબાદ, તેમને ગેરકાયદેસર રીતે મોઇ નદી મારફતે સરહદ પાર કરાવી મ્યાનમારના પાર્ક, મ્યાવાડી ટાઉનશિપ જેવા ચાઇનીઝ હબમાં લઈ જઈ ફિશિંગ, ક્રિપ્ટો સ્કેમ, પોન્ઝી સ્કીમ, અને ડેટિંગ એપ દ્વારા છેતરપિંડી જેવા સાયબર ગુનાઓ કરવા માટે બળજબરી કરવામાં આવતી હતી. સહકાર ન આપનારને શારીરિક અને માનસિક રીતે હેરાન કરવામાં આવતી હતી.
ક્રિપ્ટો વોલેટ્સ દ્વારા કરોડોના ટ્રાન્ઝેક્શન્સ
પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે આરોપી નીલ પુરોહિત વ્યક્તિ દીઠ આશરે 2000 થી 4500 (રૂ. 1.6 લાખથી રૂ. 3.7 લાખ) કમિશન મેળવતો હતો, જેમાંથી સબ-એજન્ટોને 30 થી 40 ટકા આપતો હતો. આ સમગ્ર રેકેટમાં નાણાકીય વ્યવહારોને છુપાવવા માટે મ્યુલ એકાઉન્ટ્સ અને પાંચથી વધુ ક્રિપ્ટો વોલેટ્સ મારફતે કરોડો રૂપિયાના ટ્રાન્ઝેક્શન થતા હતા.
ભારત સરકાર દ્વારા થાઈલેન્ડ અને મ્યાનમાર સરકારના સહયોગથી સેનાની મદદથી ઓપરેશનો હાથ ધરવામાં આવ્યા હતા, જેમાં છેલ્લા ત્રણ વર્ષમાં આશરે 4000 ભારતીય નાગરિકોને મુક્ત કરાવી સ્પેશિયલ ફ્લાઈટ દ્વારા ભારત પરત લાવવામાં આવ્યા છે. આ પૈકી મોટા ભાગના ભોગ બનનારાઓએ તેમના નિવેદનોમાં એજન્ટ તરીકે નીલ પુરોહિતનું નામ આપ્યું હતું, જે આ ધરપકડમાં મુખ્ય કડી સાબિત થયું છે.

