New Delhi,તા.19
મોટાભાગના ભારતીય મુસાફરો દુબઈથી પરત ફરતી વખતે સોનાની ખરીદી કરવાનું પસંદ કરે છે. હવે, સવાલ એ થાય છે કે લોકો શા માટે દુબઈથી સોનું ભારતમાં લાવે છે અને ભારતની તુલનામાં ત્યાં સોનું કેટલું સસ્તું મળે છે? સાથે જ, દુબઈથી કેટલું સોનું લાવવાની છૂટ છે તે વિશે પણ લોકો જાણકારી મેળવવા ઉત્સુક છે.
દુબઈમાં સોનું ભારતના ભાવ કરતાં ઘણું સસ્તું મળે છે, જે હકીકત છે. આંતરરાષ્ટ્રીય ગોલ્ડ માર્કેટ સાથે સીધું જોડાણ હોવાને કારણે, દુબઈમાં સોનાના ભાવ ‘સ્પોટ પ્રાઈસ’ની ખૂબ નજીક રહે છે. એટલે કે 24 કેરેટ સોનાનો ભાવ ભારતમાં પ્રતિ ગ્રામ 12,569 રૂપિયા છે, જેની સરખામણીમાં દુબઈમાં પ્રતિ ગ્રામ AED 488.22 (એકંદરે 11,800 રૂપિયા)નો ભાવ ચાલી રહ્યો છે.
વર્તમાનમાં, ભારતની તુલનામાં દુબઈમાં સોનું આશરે 10 ટકા સસ્તું મળે છે. વળી, ભારતના મુકાબલે દુબઈમાં સોના પર મેકિંગ ચાર્જ પણ ઓછો લાગે છે. આ બે ફાયદાઓને કારણે, કુલ મળીને સોનું લગભગ 20 ટકા જેટલું સસ્તું થઈ જાય છે. સસ્તા સોનાના આકર્ષણને લીધે જ લોકો દુબઈથી સોનું ખરીદીને લાવવાનું પસંદ કરે છે, જોકે આ સસ્તા ભાવને કારણે સોનાની તસ્કરીના અહેવાલો પણ સતત આવતા રહે છે.
ઉલ્લેખનીય છે કે, ભારતમાં જ્વેલરી પરનો મેકિંગ ચાર્જ 8% થી 25% સુધીનો હોય છે, જ્યારે દુબઈમાં આ ચાર્જ માત્ર 2% થી 8%ની વચ્ચે લાગે છે. આ તફાવતને કારણે, દુબઈમાં જ્વેલરી ભારતની તુલનામાં ઘણી સસ્તી બને છે. વધુમાં, દુબઈનું ગોલ્ડ માર્કેટ, ખાસ કરીને ‘ગોલ્ડ સૂક’, તેની 99.9% શુદ્ધતા માટે વૈશ્વિક સ્તરે જાણીતું છે. પરિણામે, ત્યાંથી ખરીદવામાં આવેલું સોનું હંમેશા બિલ, સર્ટિફિકેટ અને હોલમાર્ક સાથે મળે છે.
કસ્ટમ વિભાગે વર્ષ 2025 માટે દુબઈથી ભારત આવતા મુસાફરો માટે સોનું લાવવાના નિયમો સ્પષ્ટ કર્યા છે. સેન્ટ્રલ બોર્ડ ઓફ ઇનડાયરેક્ટ ટેક્સીસ એન્ડ કસ્ટમ્સ(CBIC) મુજબ, પુરુષ પ્રવાસીઓને કોઈ પણ ડ્યુટી વગર 20 ગ્રામ સોનું લાવવાની પરવાનગી છે. જ્યારે મહિલાઓ અને 15 વર્ષથી નાની ઉંમરના બાળકો માટે આ મર્યાદા 40 ગ્રામ સુધીની છે.
જો કોઈ મુસાફર આ મર્યાદિત માત્રા કરતાં વધારે સોનું લાવે, તો તેને કસ્ટમ ડ્યુટી ભરવી પડે છે. પુરુષો માટે, 20થી 50 ગ્રામ પર 3%, 50થી 100 ગ્રામ પર 6% અને 100 ગ્રામથી વધુ સોના પર 10% ડ્યુટી નક્કી કરવામાં આવી છે. મહિલાઓ અને બાળકો માટે પણ આ જ પ્રકારના સ્લેબ ડ્યુટીના દરો લાગુ પડે છે.
જોકે, એક વિશેષ નિયમ હેઠળ, મુસાફર 1 કિલોગ્રામ સુધી સોનું દુબઈથી ભારત લાવી શકે છે. આ માટે મુસાફરે ઓછામાં ઓછા 6 મહિના કે તેથી વધુ સમય સુધી દુબઈમાં વસવાટ કરેલો હોવો જોઈએ. એટલે કે, જો કોઈ વ્યક્તિ 6 મહિનાથી દુબઈમાં રહેતી હોય, તો તે 1 કિલો સુધી સોનું પોતાના સામાનમાં લાવી શકે છે, પરંતુ તેના માટે તેણે ડ્યુટી ચૂકવવી ફરજિયાત છે. ડ્યુટીની ચૂકવણી કરતી વખતે સોનાની ખરીદીનું બિલ, પ્યોરિટી સર્ટિફિકેટ અને ઉત્પાદકનો સીરીયલ નંબર રજૂ કરવો જરૂરી છે.
ભારત-યુએઈના આર્થિક ભાગીદારી કરાર(CEPA) હેઠળ વર્ષ 2025માં સોનાની આયાત સંબંધિત નિયમો કડક બનાવવામાં આવ્યા છે. આ નવા નિયમ મુજબ, હવે અનવોટ(Unwrought) અથવા પાઉડર સ્વરૂપનું સોનું ફક્ત તે જ એજન્સીઓ આયાત કરી શકશે જે CEPA હેઠળ અધિકૃત(નામાંકિત) હોય. કિંમતી ધાતુઓની ગેરકાયદેસર આયાત અને સોનાની તસ્કરીને નિયંત્રણમાં લેવા માટે આ એક મહત્ત્વપૂર્ણ પગલું છે.

