Morbi તા.19
મોરબીના માળીયા હાઈવે ઉપર આવેલ કાવેરી સિરામીકની પાછળ પરમેશ્વરી કાંટા પાસે રહેતા યુવાનને ગત સાંજે માર મારવામાં આવતા વધુ સારવાર માટે રાજકોટ ખસેડાયો છે.
મોરબી બી ડીવીઝન પોલીસના જણાવ્યા પ્રમાણે મુળ ધોરાજીના અને છેલ્લા ઘણા વર્ષોથી મોરબીમાં માળીયા હાઈવે ઉપર કાવેરી સિરામીકની પાછળ પરમેશ્વરી કાંટાની પાસે રહેતા અને અત્રે ગેરેજનું કામકાજ કરતા સામજીભાઈ હિરાભાઈ પરમાર (35)ને અજાણ્યા ઈસમે ગઈકાલ તા.18ના સાંજના સાતેક વાગ્યે માર મારતા ઈજાગ્રસ્ત થયલા સામજીભાઈ પરમારને અહીંની સિવિલે લઈ જવાયા હતા.
જયાં પ્રાથમીક સારવાર આપીને વધુ સારવાર માટે હાલ રાજકોટ લઈ જવાયા છે. જે અંગે નોંધ આવતા બીટ જમાદાર એ.એમ. ઝાપડીયા બનાવના કારણ અંગે આગળની તપાસ ચલાવી રહ્યા છે. જયારે મોરબી-2 વોરાબાગ વિસ્તારમાં રહેતા જીતેન્દ્રભાઈ ધરમશીભાઈ માંડવીયા (53) ને રાત્રીના દસેક વાગ્યે વાહન અકસ્માત બનાવમાં ઈજાઓ થતા સારવાર માટે લઈ જવાયા હોય પોલીસે આગળની તપાસ હાથ દરેલ છે.
મારામારીમાં ઈજા
મોરબીના પીપળી ગામે પાવર હાઉસ પાસેની શ્રી રેસીડેન્સી નજીક અજાણ્યા ઈસમે માર મારતા મુકેશભાઈ દેવજીભાઈ દેસાઈ (45) રહે. મહેન્દ્રનગર તા.મોરબીને સારવારમાં લઈ જવાયો હતો. જયારે મોરબીના બીલીયા ગામ રહેતા નરભેરામભાઈ ભલાભાઈ (52) બાઈક લઈને જતા હતા ત્યારે ગામ નજીક વાહન સ્લીપ થતા સારવાર માટે મોરબી ખસેડાયા હતા. જયારે પીપળી રોડ લોર્ડસ હોટલ સામે વાહન અકસ્માતના બનાવમાં ઈજાગ્રસ્ત થયેલા સુનિલ પ્રવીણભાઈ મારૂ (33) રહે. મહેન્દ્રનગરને 108 વડે સારવાર માટે સિવિલે લઈ જવાયા હતા.
ટ્રક હડફેટે ઈજા
વાંકાનેર હાઈવે ઉપર મકનસર ગામના વણાંક પાસે ટ્રાફીકના લીધે રોડની સાઈડમાં ઉભેલા મોજેરામ કેસવદાસ સાધુ (35) રહે. રાતાવિરડા તા. વાંકાનેરને ટ્રક ચાલકે હડફેટે લેતા સારવાર માટે મોરબી ખસેડાયા હતા.
જયારે અકળ કારણોસર કોઈ દવા પી જતા ગુરપ્રિતસિંગ લખવિંદરસિંગ (30) રહે. ગ્રોમો કંપની સરતાનપર રોડ તા. વાંકાનેરને સારવારમાં ખસેડાયા હતા. તેમજ કચ્છના આઘોઈ પાસેના ગમડાઉ ખાતે રહેતા જીવતીબેન કાથડભાઈ કોળી નામની 69 વર્ષના વૃધ્ધા બાઈક પાછળ બેસીને જતા હતા ત્યારે વાહનમાંથી પડી જતા સારવાર માટે મોરબી લાવવામાં આવ્યા હતા.
બાળકી સારવારમાં
વાંકાનેરની સરધારકા પાસેના જાલી ગામે સિમ વિસ્તારમાં કોઈ ઝેરી પદાર્થ ખાઈ જતા માનવીતા વિજયભાઈ ખમાણી નામની અઢી વર્ષની બાળકીને સારવાર માટે અત્રેની આયુષ હોસ્પીટલે લાવવામાં આવી હતી.
જયારે વાંકાનેર ખાતે ઘરે ભાઈ સાથે ઝઘડો થયા બાદ ઢીકાપાટુની મારામારીમાં ઈજા થતા સબનમબેન યાસીનભાઈ મકવાણા (25)ને સારવાર માટે મોરબી લાવવામાં આવ્યા હતા. તો મોરબીના નવલકી રોડ કુબેરનગર પાસે કાર હડફેટે ઈજા થતા સંગીતાબેન મહેન્દ્રભાઈ કુંઢીયા (30) રહે. લાયન્સનગરને સારવારમાં લઈ જવાયા હતા.
આધેડ મહીલા સારવારમાં
મોરબી આલાપનગર રોડ રામદેવપીર મંદિર નજીક બાઈક પાછળથી પડી જતા મદુબેન પ્રભુલાલ હિંસુ (54) રહે. ખાટવા વિસ્તાર જામનગરને સારવારમાં લઈ જવાયા હતા તેમજ પંચાસર રોડે ટુ વ્હીલરમાંથી પડી જતા રોહિત શંકરભાઈ કૈલા (39) રહે. રાજનગર પંચાસર રોડને સારવાર માટે લઈ જવાયો હતો.
જયારે મોરબી-2 ઉમા ટાઉનશીપ બાલાજી હોમ ખાતે પાર્કિંગમાંથી બહાર નિકળતા સમયે બાઈક સાથે અથડામણ થતા ઉમંગ મગભાઈ અધેરા નામના 10 વર્ષના બાળકને સારવાર માટે ખસેડાયો હતો. જયારે નવી પીપળી શાંતિનગરમાં રહેતા કાજલબેન ઓધવજીભાઈ ફેફર (31)ને અજાણ્યા માણસો ઝઘડો કરી લોખંડનો પાઈપ ડાબી પડખામાં મારતા તેણીને સારવારમાં ખસેડાયા હોય બી ડીવીઝન પોલીસે નોંધ કરી તપાસ કરી હતી.

