New Delhi તા.19
સરકાર અને સુપ્રીમકોર્ટ વચ્ચે વિવાદનું કારણ બની ગયેલા ટ્રીબ્યુનલ રીફોર્મ્સ એકટ 2021ને સર્વોચ્ચ અદાલતે નવી બોટલમાં જુનો શરાબ તેવી ટીકા સાથે તેની અનેક જોગવાઈઓને રદ કરી હતી.
અગાઉ સર્વોચ્ચ અદાલતે આ જોગવાઈઓને ગેરબંધારણીય ગણાવી હતી અને સરકાર જે રીતે આ કેસમાં મુદત લઈ રહી હતી તેમાં એક સમયે ચીફ જસ્ટીસ બી.આર.ગવઈએ એવું પણ વિધાન કર્યુ હતું કે સરકાર મારી નિવૃતિની રાહ જુએ છે પણ હું આ અંગે ચૂકાદો આપતો જઈશ અને ગઈકાલે આ ચૂકાદામાં સર્વોચ્ચ અદાલતને જે કાંઈ જોગવાઈઓ સામે વાંધો હતો તે તમામ ફગાવી છે.
સર્વોચ્ચ અદાલતે જણાવ્યું કે, અગાઉ અમે જે જોગવાઈઓને ગેરબંધારણીય ગણાવી હતી તે નવા શબ્દો સાથે સરકાર ફરી લાવી છે. આ ન્યાયતંત્રના આદેશની પણ અવગણના છે. સર્વોચ્ચ અદાલતે તેના ચૂકાદાનું પાલન ન કરવા અને ટ્રીબ્યુનલની સ્વતંત્ર કાર્યપ્રણાલીને નબળી પાડવાનો આરોપ સરકાર પર લગાવ્યો હતો અને એ પણ કહ્યું કે સંસદ દ્વારા મંજુર કરાયેલ ટ્રીબ્યુનલ સુધારા ખરડો 2021ની આ જોગવાઈઓ ન્યાયીક સ્વતંત્રતાને અસર કરે છે.
તેથી તે રદ કરવામાં આવે છે. સર્વોચ્ચ અદાલતે એ પણ નારાજગી વ્યક્ત કરી કે સરકાર તેના આદેશોને પણ અને સ્વતંત્રતા તથા ન્યાયતંત્રની કાર્યપ્રણાલીના સિદ્ધાંતોનું પણ પાલન કરતી નથી.

