Rajkot, તા.19
ખંઢેરી સ્થિત નિરંજન શાહ સ્ટેડીયમ ખાતે શ્રેણીના ત્રીજા અને અંતિમ વન-ડે જંગમાં આજે ભારત-એ સામે દક્ષિણ આફ્રિકા-એની ટીમે 3રપ રનનો જુમલો ખડકયો હતો. તેના જવાબમાં ભારતે 14 ઓવરમાં 3 વિકેટ ગુમાવીને 68 રન બનાવ્યા હતા. ત્રણ મેચની શ્રેણીમાં પ્રથમ બંને મેચ ભારતે જીતી લીધા હતા.
ભારતીય ટીમના કપ્તાન તિલક વર્માએ આજે ટોસ જીતીને પ્રવાસી દક્ષિણ આફ્રિકા-એને પ્રથમ દાવ લેવા ઉતારી હતી. પ્રવાસી ટીમની ઓપનીંગ જોડીએ જ જબરદસ્ત રમત રમી હતી અને તમામ ભારતીય બોલરોના પગે પાણી ઉતરાવ્યા હતા. ઓપનર પ્રિટોરીયસ તથા મુનસામીની ઓપનીંગ જોડીએ એક પણ વિકેટ ગુમાવ્યા વિના ર41 રન ખડકયા હતા. બંનેએ સદી ફટકારી હતી.
પ્રિટોરીયસે 123 અને મુનસામીએ 107 રન ઝુડયા હતા. છેક 38મી ઓવરમાં પ્રસિધ્ધ ક્રિષ્નાને સફળતા હાંસલ થઇ હતી. મુનસામી લેગબિફોર આઉટ કર્યો હતો. એ જ ઓવરમાં તેણે પ્રિટોરીયસને પણ તિલક વર્માના હાથમાં ઝીલાવી દીધો હતો. 38મી ઓવરમાં બંને ઓપનરો પેવેલીયન ભેગા થયા હતા ત્યારબાદ કેસીલે માત્ર 1 રન બનાવીને હર્ષીત રાણાના દડામાં આઉટ થયો હતો. હર્મનને 11 રને હર્ષીત રાણાએ શિકાર બનાવ્યો હતો.
એકરમેન 16 અને ફોરેસ્ટર 30 રને આઉટ થયા હતા.દક્ષિણ આફ્રિકા-એના નિર્ધારીત 50 ઓવરમાં 6 વિકેટે 3રપ રન થયા હતા. ભારત તરફથી ખલીલ અહેમદ, પ્રસિધ્ધ ક્રિષ્ના અને હર્ષિત રાણાએ 2-2 વિકેટ ઝડપી હતી.
326 રનના વિજય લક્ષ્યાંક સાથે મેદાને પડેલ ભારતીય ટીમની શરૂઆત નબળી રહી હતી. અભિષેક શર્મા વધુ એક વખત મોટી ઇનિંગ રમવામાં નિષ્ફળ ગયો હોય તેમ 11 રને આઉટ થયો હતો. તિલક વર્મા પણ 11 રને મોર્કી ના દડામાં કલીન બોલ્ડ થયો હતો.
ઓપનર ઋતુરાજ ગાયકવાડ રપ રન બનાવીને બોલ્ડ થયો હતો. છેલ્લા સમાચાર મળ્યા ત્યારે ભારતના 3 વિકેટે 68 રન હતા. રીયાન પરાગ 14 અને ઇશાન કિશન 4 રને દાવમાં હતા. આજના મેચમાં પણ મોટી સંખ્યામાં ક્રિકેટ પ્રશંસકો ઉમટી પડયા હતા.

