Mumbai,તા.20
નાણાંકીય ફ્રોડ તથા લોકોને પરેશાન કરતા માર્કેટીંગ કોલ્સ રોકવા માટે સરકાર એક પછી એક પ્રયાસો કરી જ રહી છે. ટેલીકોમ રેગ્યૂલેટર ટ્રાઈએ જાહેર કર્યું ચે કે 1લી જાન્યુઆરીથી બેંકો, બીન સરકારી નાણાં સંસ્થાઓ, મ્યુચ્યુઅલ ફંડ જેવી સંસ્થાઓ તરફથી ગ્રાહકોને થતા ફોન 1600 નંબરથી જ શરૂ થશે.
ટ્રાઈએ સ્પષ્ટ કર્યુ હતું કે, સરકારી-ખાનગી તથા વિદેશી બેંકોએ 1લી જાન્યુઆરીથી આ નિયમનું પાલન કરવુ પડશે.ટેલીકોમ વિભાગ દ્વારા બેંક-નાણા સંસ્થાઓ માટે 1600 થી શરૂ થતા નંબરની ખાસ ફાળવણી કરી દેવામાં આવી છે.
1600 થી શરૂ થતાં નંબર પરથી ફોન આવે તો તે સાચા હોવાનો ગ્રાહકોને ભરોસો થશે. મ્યુચ્યૂઅલ ફંડો તથા એસેટ મેનેજમેન્ટ કંપનીઓને 1600 નંબર પરથી ફોનકોલની ગોઠવણ કરવા 15 ફેબ્રુઆરીની મુદત આપવામાં આવી છે.
શેરબ્રોકર કંપનીઓને 15 માર્ચની મુદત અપાઈ છે. નાની બેંકો માટે 1 ફેબ્રુઆરી તથા સહકારી બેંકો નાની સંસ્થાઓને 1 માર્ચની મહેતલ આપવામાં આવી છે.

