Rajkot, તા.20
સૌરાષ્ટ્ર-ગુજરાતમાં ઠેર-ઠેર ઠંડીનું પ્રમાણ સ્થિર રહ્યું છે અને આજરોજ પણ 9 સ્થળોએ 15 ડિગ્રીથી નીચે તાપમાન નોંધાયુ હતું. ખાસ કરીને આજે પણ ગિરનાર પર્વત ઉપર સતત ત્રીજા દિવસે 7 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયુ હતું. તેમજ રાજયનું સૌથી ઠંડુ શહેર 10.8 ડિગ્રી સાથે આજે પણ નલિયા જ રહેવા પામ્યું હતું.
જુનાગઢ જીલ્લામાં ધીમે ધીમે શિયાળો તેનો રંગ પકડતો જાય છે ગિરનાર પર્વત ઉપર 7 ડિગ્રી તાપમાન ત્રણ દિવસથી નોંધાતા પ્રવાસીઓ-સહેલાણીઓને ઠંડીનો અહેસાસ થઇ રહ્યો છે. પારો નીચે ઉતરીને 7 ડિગ્રીએ જતા વન્ય પ્રાણીઓને પણ તેની અસર થવા પામી રહી છે.
તેની સામે જુનાગઢમાં ગઇકાલે 12 ડિગ્રી મીનીમમ પારો નીચે હતો તે આજે 12 ડિગ્રીએ નોંધાતા એક ડિગ્રી તાપમાન ઉંચુ આવ્યું છે. વહેલી સવારે અને સમી સાંજથી ખુશ્નુમા વાતાવરણનો અનુભવ થઇ રહ્યો છે.
લઘુતમ તાપમાન 12 ડિગ્રી મહતમ તાપમાન 31.02 ડિગ્રી, ભેજ સવારે 72 ટકા તેમજ પવનની ગતિ પ્રતિ કલાક 2.3 કિ.મી.ની ઝડપે ફુંકાય રહ્યો છે. આગામી દિવસોમાં ઠંડીનું પ્રમાણ વધે તેવી શકયતા જોવા મળી રહી છે.
જામનગર શહેરમાં પણ છેલ્લા 24 કલાકમાં લઘુતમ તાપમાનમાં દોઢ ડિગ્રી ઉચકાઈને 13.5 ડિગ્રી પારો નોંધાયો હતો.જો કે પવનની રફતારમાં બે કિમીના વધારા સાથે 5 કિમિ પહોંચી જતા સુસવાટા મારતા પવનના લીધે ઠડી સામે શહેરીજનો ગરમ વસ્ત્રોમાં લપેટાયા હતા.
જામનગર જિલ્લા કલેકટર કંટ્રોલરૂમાંથી મળતી માહિતી આજે ફરી એકવાર લઘુતમ તાપમાનનો પારો 13.5 ડિગ્રી નોંધાયો હતો.તો મહતમ તાપમાનમાં આંશિક વધારા સાથે પારો 29 ડિગ્રી પહોંચ્યો હતો.તો શહેરના વાતાવરણમાં ભેજનું પ્રમાણ 58 ટકા અને પવનની ગતિમાં બે કિમીનો વધારા સાથે પ્રતિકલાક 5 કિમિ નોંધાઇ હતી.
શહેરમાં આજે પરોઢિયે પવન સાથે ઠડી વધતા ગરમ વસ્ત્રોની બજારમાં લોકોએ દોટ મૂકી હતી. મહત્વનું એ છે કે લોકોમાં નવા ગરમ વસ્ત્રોની દુકાનોને બદલે લારીઓ ઉપર ગ્રાહકોની ભીડ વધુ જોવા મળતી હતી.
તેમજ ગોહિલવાડ પંથકમાં ઠંડીનું જોર યથાવત રહ્યું છે. આજે ગુરુવારે ભાવનગર શહેરમાં લઘુતમ તાપમાન 15.8 ડીગ્રી નોંધાયું હતું. સવારે વાતાવરણમાં ભેજનું પ્રમાણ 86% રહ્યું હતું .જ્યારે પવનની ઝડપ 4 કિ.મી .પ્રતિ કલાકની રહી હતી.’
આજરોજ રાજકોટ-અમરેલી-જુનાગઢમાં 12 ડિગ્રી, જામનગર, પોરબંદર, ડિસામાં 13, વડોદરા-ભુજમાં 14, તથા અમદાવાદ-ભાવનગર અને દિવમાં 15 ડિગ્રી આસપાસ લઘુતમ તાપમાન રહેવા પામ્યુ હતું. જ્યારે દ્વારકામાં 19, કંડલમાં 16, ઓખામાં 24.4, સુરતમાં 16.4 અને વેરાવળમાં 18.5 ડિગ્રી લઘુતમ તામાન નોંધાવા પામ્યુ હતું.

