Bihar તા.20
બિહારમાં વિધાનસભા ચૂંટણીના પગલે એનડીએ સરકાર ફરી એક વખત ભવ્ય વિજય સાથે સતામાં આવતા આજે નિતીશકુમારે 10મી વખત રાજયના મુખ્યમંત્રીપદે શપથ લીધા હતા.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડા સહિતના ટોચના એનડીએ નેતાઓની હાજરી વચ્ચે પટણાના ગાંધી મેદાનમાં દબદબાભર્યા સમારોહમાં નાયબ મુખ્યમંત્રી તરીકે સમ્રાટ ચૌધરી અને વિજયકુમાર સિન્હાએ શપથ લીધા હતા.
આમ રાજયમાં અગાઉની ત્રીપુટી યથાવત રહી છે જયારે વધુ 26 મંત્રીઓએ હોદા અને ગુપ્તતાના શપથ લીધા હતા જેમાં ભાજપના કવોટાના 14, જનતાદળ યુ ના 8 અને લોકજનતાંત્રીક પાર્ટીના 2 અને કુશવાહા તથા હમ પાર્ટીના એક-એક મંત્રીઓએ શપથ લીધા હતા.
મંત્રીમંડળમાં એક માત્ર મુસ્લીમ ચહેરા તરીકે જનતાદળ યુના જમાખાનને ફરી મંત્રી બનાવાયા છે. રાજયમાં 13 નવા ચહેરાઓને મંત્રીપદ મળ્યું છે. તેજપ્રતાપ યાદવને પરાજીત કરનાર મહુવાના ચુંટાયેલા ભાજપના ધારાસભ્ય સંજયસિંહ ફરી મંત્રી બન્યા છે અને સમગ્ર મંત્રીમંડળમાં બે મહિલા મંત્રીઓ રમા નિશાદ અને શ્રેયસી સિંહ મંત્રી બન્યા છે. રાજયપાલ આરીફ મહમદ ખાને શપથ લેવડાવ્યા હતા.

