New Delhi, તા.20
સર્વોચ્ચ અદાલતની પાંચ જજોની બંધારણીય ખંડપીઠે આજે એક મહત્વના ચુકાદામાં જણાવ્યું હતું કે રાષ્ટ્રપતિ અને રાજયપાલોને વિધાનસભા દ્વારા મંજુર થયેલ ખરડાઓને મંજુરી આપવા માટે કોઈ ડેડલાઈન નકકી કરી શકાય નહી.
સર્વોચ્ચ અદાલતે સાથોસાથ એ પણ જણાવ્યું કે રાજયપાલો પાસે વિધાનસભા દ્વારા મંજુર કરાયેલ ખરડાઓને રોકવાની પુરી સતા પણ નથી. અગાઉ સુપ્રીમકોર્ટના બે જજોની ખંડપીઠે પોતાના ચુકાદામાં રાજયપાલ અને રાષ્ટ્રપતિને વિધાનસભા દ્વારા મંજુર કરાયેલ ખરડા પર ત્રણ માસમાં નિર્ણય લેવા માટે ચુકાદો આપ્યો હતો.
જેની સામે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ખાસ પ્રેસીડેન્ટ રેફરન્સ મારફત સર્વોચ્ચ અદાલત સમક્ષ 14 સવાલો રજુ કરીને સુપ્રીમકોર્ટના એ ચુકાદા સામે સ્પષ્ટતા માંગી હતી અને તેમાં શું સર્વોચ્ચ અદાલત તેને મળેલી બંધારણની કલમ 142 હેઠળ રાષ્ટ્રપતિ કે રાજયપાલ એ લીધેલા નિર્ણયને પણ બદલી શકે છે કે કેમ તે પણ પ્રશ્ન ઉઠાવ્યો હતો.
જેમાં આજે સુપ્રીમકોર્ટના મુખ્ય ન્યાયમંત્રી બી.આર.ગવઈના અધ્યક્ષતા હેઠળની ખંડપીઠે સ્પષ્ટ કર્યુ હતું કે રાજયપાલો માટે ખરડાને મંજુરીની કોઈ સમયસીમા નથી પરંતુ તે વિધાનસભા દ્વારા મંજુર થયેલ ખરડાને અનિશ્ચિત મુદત સુધી રોકી પણ શકે નહી પણ રાજયપાલ વિધાનસભાને પરત મોકલી શકે છે. સર્વોચ્ચ અદાલતે એ પણ જણાવ્યું કે રાજયપાલ જો અનિશ્ચિત મુદત સુધી ખરડાને રોકશે તો અદાલત તેમાં ડખલગીરી કરી શકે છે.
અગાઉ તામિલનાડુમાં વિધાનસભા દ્વારા મંજુર થયેલ 10 જેટલા ખરડાઓને રાજયપાલે કોઈ નિર્ણય વગર જ રોકી રાખતા રાજય સરકાર તેની સામે સુપ્રીમમાં ગઈ હતી અને સર્વોચ્ચ અદાલતની બે જજોની ખંડપીઠે 8 એપ્રિલે એવો ચુકાદો આપ્યો હતો કે રાજયપાલ પાસે કોઈ વીટો પાવર નથી અને તે ખરડાને રોકી શકે નહી.
સાથોસાથ એ પણ જણાવ્યું હતું કે રાષ્ટ્રપતિ એ પણ ત્રણ મહિનાની અંદર ખરડાને મંજુર નામંજુર કરી દેવો પડશે. જો કે આ સામે સુપ્રીમકોર્ટ રાષ્ટ્રપતિને પણ આદેશ આપી શકે કે કેમ તે મુદો ઉઠયો હતો અને રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ આ અંગે ખાસ પ્રેસીડેન્ટ રેફરન્સ મારફત સુપ્રીમકોર્ટ સમક્ષ 14 પ્રશ્નો રજુ કર્યા હતા.
રાજયપાલ પાસે ત્રણ વિકલ્પ છે પણ વિધાનસભાએ મંજુર કરેલ ખરડો લટકાવી શકે નહી
સુપ્રિમકોર્ટે આજે એક ચુકાદામાં જણાવ્યું કે વિધાનસભાએ જે ખરડો મંજુર કર્યો હોય તે સંદર્ભમાં રાજયપાલ પાસે ત્રણ વિકલ્પ છે તે ખરડાને મંજુરી આપે અથવા તો ફરી એક વખત વિચારણા માટે વિધાનસભાને પરત મોકલે અથવા તો તે રાષ્ટ્રપતિ પાસે મોકલી શકે છે પરંતુ રાજયપાલ ખરડાને અનિશ્ચિત મુદત માટે લટકાવી શકે નહી.
આ પ્રકારની સ્થિતિ એ ફેડરલ શાસનના સિદ્ધાંત વિરુદ્ધ હશે. સુપ્રિમે એ પણ જણાવ્યું કે રાજયની વિધાનસભાના ખરડા રોકવા માટે રાજયપાલ પાસે કોઈ પુરી સતા નથી પણ વિકલ્પ ચોકકસ છે.

