Rajkot, તા. 20
રાજકોટ મહાનગરપાલિકાના વિવિધ વિભાગોના રૂ.545.07 કરોડના વિવિધ વિકાસ કામોના લોકાર્પણ-ખાતમુહૂર્ત તથા આવાસ યોજનાના લાભાર્થીઓને આવાસ ફાળવણીનો કોમ્પ્યુટરાઇઝ્ડ ડ્રો રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે તા.22ના રોજ સવારે 11 કલાકે પુ. પ્રમુખ સ્વામી ઓડીટોરીયમ, રૈયા રોડ ખાતે કરવામાં આવશે.
આ સાથે પ્રથમ વખત રેસકોર્સની ડો. શ્યામાપ્રસાદ આર્ટ ગેલેરી ખાતે રાજકોટની શહેરી વિકાસ યાત્રા-20 વર્ષની યશોગાથા – પ્રદર્શનનો પ્રારંભ સવારે 10ઃ30 કલાકે મુખ્યમંત્રી કરવાના છે. જ્યાં રાજકોટની કલ આજ ઔર કલની યશોગાથા લોકો માણી શકશે.
રૂ.545.07 કરોડની રકમના વિવિધ વિકાસ પ્રકલ્પોના ઈ-લોકાર્પણ-ખાતમુહૂર્ત મુવી નિદર્શન અને તકતી અનાવરણમાં રૂ.522.50 કરોડના 49 કામના ખાતમુહૂર્ત અને રૂ.22.57 કરોડના 6 કામના લોકાર્પણ સામેલ છે. જ્યારે પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત નિર્માણ પામેલ કુલ 709 આવાસો લાભાર્થીઓને ફાળવવા અંગે કોમ્પ્યુટરાઇઝ્ડ ડ્રો મુખ્યમંત્રી કરશે.
સાથે જ યુડીવાય ડોકયુમેન્ટરીનું નિદર્શન, શહેરી વિકાસ વર્ષ-2025 કોફી ટેબલ બુકનું વિમોચન અને કયુઆર બેઝડ સીટીઝન ફીડબેક સિસ્ટમનું લોન્ચીંગ પણ કરવામાં આવશે.
આ કાર્યક્રમમાં નાણામંત્રી કનુભાઈ દેસાઈ, કૃષિ મંત્રી અને પ્રભારી મંત્રી જીતુભાઈ વાઘાણી, શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગના રાજ્યકક્ષાના મંત્રી શ્રીમતી દર્શનાબેન વાઘેલા, મેયર શ્રીમતી નયનાબેન પેઢડીયા, સાંસદ પરસોતમભાઈ રૂપાલા, સાંસદ રામભાઈ મોકરીયા, ભાજપ પ્રમુખ ડો. માધવ દવે, ધારાસભ્ય ઉદયભાઈ કાનગડ, ડો.દર્શિતા શાહ, રમેશભાઈ ટીલાળા, શ્રીમતી ભાનુબેન બાબરીયા, ડો.ભરતભાઈ બોઘરા, ડે.મેયર નરેન્દ્રસિંહ જાડેજા, સ્ટે.ચેરમેન જયમીન ઠાકર, કમિશનર તુષાર સુમેરા,શાસકપક્ષ નેતા લીલુબેન જાદવ, દંડક મનીષભાઈ રાડીયા, સમાજ કલ્યાણ સમિતિ ચેરમેન સુરેન્દ્રસિંહ વાળા, હાઉસીંગ સમિતિ ચેરમેન નીતિનભાઈ રામાણી, વોટર વર્કસ સમિતિ ચેરમેન અશ્વિનભાઈ પાંભર, કોર્પોરેટરો, કર્મચારીઓ ઉપસ્થિત રહેશે.
પ્રમુખ સ્વામી ઓડીટોરીયમમાં આ કાર્યક્રમ સાથે મનપાના પદાધિકારીઓ સાથે મુખ્યમંત્રી ખાસ ચર્ચા પણ કરનાર હોવાનું જાણવા મળ્યું છે.

