Bhavnagar,તા.21
ભાવનગર ખાતે કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહની ભવ્ય જાહેર સભા યોજાઈ હતી. જિલ્લાના ભાજપ કાર્યાલયના ઉદઘાટન પ્રસંગે યોજાયેલ જાહેર સભામાં અમિતભાઈ શાહ એ જણાવ્યું હતું કે ભાજપ કાર્યકર્તાઓ માટે ભાજપ કાર્યાલય કમલમ એ તેઓનું બીજું ઘર છે.
આ કાર્યાલયમાં ચૂંટણીની રણનીતિ ઘડાતી હોય છે. ભાવનગરમાં અતિ આધુનિક કાર્યાલય બનાવવા બદલ ભાવનગરની ટીમને અભિનંદન પાઠવ્યા હતા. તેઓએ ભાજપ વિચારધારાની પાર્ટી છે તેમ કહી કોંગ્રેસને આડે હાથ લીધા હતા. બિહારની ચૂંટણીની જીત બાદ હવે આગામી ચૂંટણીમાં પણ ભાજપ તેની વિજય કૂચ આગળ ધપાવશે તેમ જણાયું હતું.
ભાવનગરમાં નારી ચોકડી નજીક ગઇકાલે જિલ્લા ભાજપ કાર્યાલય કમલમ નું ઉદઘાટન અને જાહેર સભાનો કાર્યક્રમ યોજાયો હતો. બપોરે 2વાગ્યાનો કાર્યક્રમ સાંજે 4 વાગ્યા પછી ચાલુ થયો હતો. અને કેન્દ્રીય મંત્રી અમિતભાઈ શાહ 5:30 વાગે આવ્યા હતા. અમિતભાઈ શાહ આવે તે પહેલા પ્રદેશ ભાજપ પ્રમુખ જગદીશભાઈ વિશ્વકર્મા, કેન્દ્રીય મંત્રી ડો. મનસુખ માંડવીયા, કેન્દ્રીય મંત્રી નિમુબેન બાંભણિયા, રાજ્યના કેબિનેટ મંત્રી જીતુભાઈ વાઘાણી એ બિહારની ચૂંટણી ની જીત અંગે તેમજ ભાજપ પાર્ટીના સંગઠન અંગે જણાવ્યું હતું.
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનું સભાસ્થળે આગમન થતાં કેન્દ્રીય મંત્રી નીમુબેન બાંભણિયા, કેન્દ્રીય મંત્રી માંડવિયા, કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણી તથા પ્રદેશ પ્રમુખ જગદીશ પંચાલે તેમનું સ્વાગત કર્યું હતું. સભા સંબોધતા તેમણે કહ્યું કે, બિહારની જેમ ભાવનગરમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં સુપડા સાફ કરીશું. નવા કર્યાલયના ભવિષ્યના વિજય માટે અનેક અનેક શુભકામના આપી હતી.ત્યાર બાદ અમિત શાહે શહેરના નારી ચોકડી નજીક આવેલા નાના ખોડીયાર મંદિર નજીક જિલ્લા ભાજપનું નવનિર્મિત ભાવ કમલમ કાર્યાલયનું ઉદ્ઘાટન કર્યું હતું.
આ પ્રસંગે ભાજપ પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા, કેન્દ્રીય કેબિનેટ મંત્રી મનસુખ માંડવિયા, કેન્દ્રીય રાજ્યમંત્રી નીમુબેન બાંભણીયા, ગુજરાતના રાજ્યમંત્રી પરષોત્તમભાઈ સોલંકી, કેબિનેટ મંત્રી જીતુભાઈ વાઘાણી તથા ભાવનગર અને બોટાદ જિલ્લાના ધારાસભ્યો, પદાધિકારીઓ, સંગઠન તથા બુથ લેવલના પ્રમુખ અને કાર્યકરો મોટી સંખ્યામાં આ સમારોહમાં ઉપસ્થિત રહ્યા હતા.
પ્રદેશ ભાજપ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા સભાસ્થળે સ્ટેજ પર પહોંચતા જ શહેર ભાજપ પ્રમુખ અને હોદ્દેદારોએ પ્રદેશ અધ્યક્ષને પાઘડી પહેરાવી સ્વાગત કર્યું હતું. આ સાથે જ નવનિયુક્ત પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા મંત્રી પરસોત્તમ સોલંકીને મળવા તેમના સ્થાને ગયા હતા.
કૃષ્ણકુમારસિંહજી અને સરદારને નમન કર્યા
કેન્દ્રીય મંત્રી અમિતભાઈ શાહ ત્રણ કલાકથી વધુ મોડા આવતા કાર્યકરોની માફી માંગતા કહ્યું….મોડું થઈ એના માટે. તેઓએ ભાવનગરના મહારાજા કૃષ્ણકુમારસિંહજીને યાદ કરી જણાવ્યું હતું કે જ્યારે દેશ આઝાદ થયો ત્યારે અંગ્રેજોએ જતા જતા અંતિમ ષડયંત્ર કર્યું.
દેશને 550થી વધુ રજવાડામાં વહેંચ્યો અને એમને હતું કે, આ બધં ભેગું જ નહીં થાય એ વખતે કૃષ્ણકુમારસિંહજીનો એક પત્ર કાશ્મીરથી ક્ધયા કુમારી અને દ્વારકાથી કામખ્યા સુધી સૌ રજવાડા માટે પ્રેરણારૂપ બન્યો અને અખંડ ભારત બન્યું. જેની શરૂઆત કૃષ્ણ કુમારસિંહજીએ કરી તેને ભેગું કરવાનું કામ ગુજરાતના પનોતા પુત્ર સરદાર સાહેબે કર્યું. આ 150મું જન્મ જયંતી વર્ષ છે, હું તેમને પ્રણામ કરૂં છુ.
કેન્દ્રીય મંત્રી અમિત શાહે સંબોધન શરૂ કરતા ભારત માતા કી જય બોલાવી કહ્યું- બન્ને હાથ ઉપર ઉઠાવો અને વિજય સંકલ્પની મુઠ્ઠી ભીંચી જયશ્રી રામ નારા લગાવ્યા હતા.તેઓએ વધુમાં જણાવ્યું હતું કે ગુજરાતમાં 42 જિલ્લા કાર્યાલય બનાવવાના છે. અને 25 હતા, 8 બની ગયા છે. બાકી રહેલા જિલ્લા કાર્યાલયો નવ નિયુક્ત પ્રદેશ પ્રમુખ જગદીશભાઈ વિશ્વકર્મા પુરા કરશે તેમ જણાવ્યું હતું.
ભાવનગરમાં આધુનિક કાર્યાલય બનાવા માટે કાર્યકરોને અભિનંદન પાઠવું છું. બધી જ પાર્ટીઓ નેતા આધારિત હતી અને આપણી પાર્ટી કાર્યકર્તા આધારિત પાર્ટી બની છે.
કાર્યક્રમ નિર્ધારીત સમય કરતા ખૂબ જ મોડો શરૂ થવા છતાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ બેસી રહ્યા હતા. સર્વોત્તમ ડેરી સાથે જોડાયેલા બહેનો બેડા સાથે મોટી સંખ્યામાં આવ્યા હતા જ્યારે ભાઈઓ ભગવા સાફામાં આવ્યા હતા. કાર્યક્રમની શરૂઆત પહેલા જાણીતા કલાકારોએ ડાયરાની રમઝટ બોલાવી હતી.
♠ ભાવનગરમાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિતભાઈ શાહ આવે તે પહેલા કેન્દ્રીય મંત્રી ડો. મનસુખભાઈ માંડવીયાએ એના લાંબા પ્રવચનમાં કેન્દ્ર સરકારની સિદ્ધિઓ વર્ણવી હતી.
♠ રાજ્યના મંત્રી પરષોત્તમભાઈ સોલંકી એ કાયમી મંત્રી છે તેમ જણાવી તબિયત સારી ન હોવા છતાં તેઓ કાર્યક્રમમાં આવ્યા હતા તેમ મંત્રી ડો. મનસુખભાઈએ જણાવ્યું હતું.
♠ કેબિનેટ મંત્રી જીતુભાઈ વાઘાણીએ ભાવનગર એ ભાજપનો ગઢ છે. તેમ કહી પ્રદેશ ભાજપ પ્રમુખને ભાવનગરની ચિંતા કરતા નહીં તેમ કહ્યું હતું.
♠ કેન્દ્રીય મંત્રી અમિતભાઈ શાહ એ કહ્યું હતું કે ભાવનગર નો વિકાસ થયો છે. ભાવનગરના રસ્તા અને સ્વચ્છતા તેઓ પ્રભાવિત થયા હતા અને મહાનગરપાલિકાને અભિનંદન આપ્યા હતા. જોકે સભામાં ઉપસ્થિત લોકોમાં ભાવનગરમાં અન્ય વિસ્તારોમાં ખાડા અને રસ્તા અંગે ચર્ચા કરી મંત્રી એના રૂટ સિવાયના વિસ્તારની મુલાકાત લેતો ખબર પડે જ તેવી વાતો કરતા હતા.
♠ સભા સ્થળે વ્યવસ્થામાં કેટલી ખામીઓ દેખાતી હતી. ભાવી વીઆઈપી બેઠક વ્યવસ્થામાં પણ પાણીની વ્યવસ્થા ન હોય ત્રણ કલાકથી વધુ સમય થી બેઠેલા આગેવાનો પણ તરસ્યા રહ્યા હતા. ડાયરા ના કલાકારોને પણ ગાદલા વ્યવસ્થા ન થઈ હોય જીતુભાઈએ કલાકારોની માફી માંગી હતી.
♠ સભામાં સંખ્યા ભેગી કરવા શહેરના વિવિધ વોર્ડમાંથી બસ દ્વારા કાર્યકરોને સભા સ્થળે લાવવામાં આવ્યા હતા.
♠ કાર્યક્રમમાં વિવિધ સંસ્થાઓ, વિવિધ જ્ઞાતિના આગેવાનો દ્વારા પ્રદેશ પ્રમુખનું સન્માન કરવાનું હતું પરંતુ કાર્યક્રમ મોડો થતાં તેઓ સન્માન કરી શક્યા ન હતા.
♠ કેન્દ્રીય મંત્રી સભાસ્થળે આવ્યા ત્યારે રસ્તાઓ બંધ થતા ટ્રાફિક જામ થઈ ગયો હતો.

