Veraval તા.21
વેરાવળ સોમનાથ જોડીયા શહેરમાં લાંબા સમયથી બિસ્માર માર્ગોની મુશ્કેલીથી શહેરીજનો ત્રાસી ગયા હતા. જેના નિરાકરણ માટે નગરપાલિકા તંત્રએ કમ્મર કસીને શહેરના રોડ રસ્તા રીપેરીંગ કરવા અને નવા બનાવવાની કામગીરી પુરજોશમાં ચાલુ કરી દીધી છે. જેથી વહેલી તકે લોકોને બિસ્માર માર્ગ ની સમસ્યામાંથી રાહત મળી રહેશે તેઓ દાવો પાલિકાના શાસકો અને અધિકારીઓએ કર્યો છે.
આ અંગે નગરપાલિકા પ્રમુખ પલ્લવીબેન જાની અને બાંધકામ સમિતિના ચેરમેન દિક્ષિતા બેન અઢીયા એ જણાવેલ કે, ચાલુ વર્ષે શહેરમાં વરસાદની સીઝન દિવાળી બાદ કાર્તિકી પૂર્ણિમા સુધી ચાલુ હતી. અમોએ દશેરા આસપાસ જ જોડીયા શહેરમાં નવા રસ્તા બનાવવા અને બિસ્માર માર્ગ નું રીપેરીંગ કરવાનું આયોજન કરેલ પરંતુ સતત વરસાદ વરસી રહ્યો હોવાથી રોડ રસ્તાના કામો ચાલુ થઈ શક્યા ન હતા.
તાજેતરમાં કાર્તિકી પૂર્ણિમા બાદ વાતાવરણ ચોખ્ખું થઈ જતા રૂા.25 કરોડના ખર્ચે શહેરમાં નવા રસ્તા ઓ બનાવવા અને બિસ્માર માર્ગ રીપેરીંગ કરાવવા કરેલ આયોજનનું અમલીકરણ હાથ ધર્યુ છે.
જેમાં વિશેષ રૂા.13 કરોડના ખર્ચે શહેરના પ્રવેશદ્વાર નમસ્તેથી બજાજ શોરૂમ સુધી આઈકોનીક ફોરલેન રોડ બનાવવામાં આવી રહ્યો છે. આ ઉપરાંત 14 કીમીના શહેરની ગલી, શેરીઓના સીસી, પેવર બ્લોક, ડામરના નવા રસ્તા ઓ બનશે. શહેરમાં રસ્તા રીપેરીંગ અને નવા બનાવવાની કામગીરી પુરજોશમાં ચાલી રહી છે. તેનું દરરોજ નિરીક્ષણ પણ કરી રહ્યા છે.

