Rajkot તા.20
કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા ગુજરાત સહિત દેશભરમાં મતદારયાદી શુધ્ધીકરણ (એસઆઈઆર)ની કામગીરીને વેગ આપવામાં આવી રહ્યો છે જેમાં રાજકોટ જીલ્લામાં હજુ માત્ર 35 ટકા કામગીરી પૂર્ણ થયેલ છે. બીએલઓ દ્વારા ડોર ટુ ડોર મતદાર ફોર્મનું વિતરણ કરી દેવામાં આવેલ છે. તેની સાથે ભરેલા મતદાર ફોર્મનું કલેકશન પણ કરવામાં આવી રહ્યું છે.
જીલ્લા કલેકટર ડો.ઓમપ્રકાશે આ અંગે જણાવ્યું હતું કે જીલ્લામાં મતદાર યાદી સુધારણાની 35 ટકા કામગીરી પૂર્ણ કરવામાં આવી છે જેમાં જસદણ વિધાનસભા વિસ્તાર આ કામગીરીમાં રાજયમાં ટોપ ઉપર રહ્યો છે. જયારે રાજકોટ ઈસ્ટ વેસ્ટ અને સાઉથમાં હજુ માંડ 25 ટકા જેટલું એસઆઈઆરની કામગીરી પૂર્ણ થવા પામી છે.
કલેકટર ઓમપ્રકાશે મતદારો જેમ બને તેમ જલદી ભરાયેલા મતદાર ફોર્મ સમય મર્યાદામાં જમા કરાવે તેવી તેઓએ અપીલ કરી હતી. તેની સાથોસાથ તેઓએ એમ પણ જણાવ્યું હતું કે આગામી તા.4 ડીસેમ્બર સુધીની સમયમર્યાદામાં જ આ કામગીરી પૂણૅ કરવામાં આવશે. 4000 જેટલા બીએલઓ દ્વારા એસઆઈઆરની કામગીરી કરવામાં આવી રહી છે.
રાજકોટ શહેર જીલ્લાના 2256 મતદાન બુથો ઉપર બીએલઓ દ્વારા મતદાર યાદી શુધ્ધીકરણની આ ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. જેમાં આ કામગીરીમાં બેદરકારી રાખનાર બીએલઓને વિધાનસભા વિસ્તાર મુજબ નોટીસો પણ ફટકારવામાં આવી છે.
અહીં ઉલ્લેખનીય છે કે, મતદાર યાદી શુધ્ધીકરણની આ કામગીરીમાં અનેક મતદારોના નામ વર્ષ 2002ની મતદાર યાદીમાં ન મળતા હોવાની પણ ફરીયાદો ઉઠી છે. અનેક મતદારોને 2002માં તેમનું મતદાન મથક કયાં હતું તેનાથી પણ તેઓ વાકેફ ન હોય આ કામગીરી વહીવટી તંત્ર માટે પણ પડકારજનક બની છે.મતદાર યાદી શુધ્ધકરણ કાર્યક્રમ અંતર્ગત રાજકોટ શહેર જીલ્લાના તમામ 2256 મતદાન બુથો ઉપર આગામી શનિ અને રવિ એમ બે દિવસ ખાસ ઝુંબેશ ફરી આયોજીત કરવામાં આવી છે.
આ ખાસ ઝુંબેશ દરમ્યાન જીલ્લાના તમામ મતદાન બુથો ઉપર બીએલઓ બેસી મતદારોને મુંઝવતા પ્રશ્નોનું સવારના 9 વાગ્યાથી 1 વાગ્યા દરમ્યાન સમાધાન કરશે તેની સાથોસાથ મતદાર ફોર્મ ભરવામાં પણ બીએલઓ જરૂરી માર્ગદર્શન મતદારોને પૂરૂ પાડશે. આ ઝુંબેશનો વધુને વધુ મતદારોને લાભ લેવા માટે અપીલ કરવામાં આવી છે.ચૂંટણી પંચ દ્વારા મતદાર યાદી સુધારણા બાદ આખરી મતદાર યાદી તા.7 ફેબ્રુઆરીના પ્રસિધ્ધ કરવામાં આવશે. જેથી આ કામગીરીમાં બીએલઓને સહકાર આપી લોકશાહીની પ્રક્રિયાને સફળ બનાવવા માટે વહીવટી તંત્ર દ્વારા અપીલ કરવામાં આવેલ છે.
દરમ્યાન જીલ્લા કલેકટર ડો.ઓમપ્રકાશે જણાવ્યું હતું કે ગુજરાત સહિત દેશના 12 રાજયોમાં એક સાથે મતદાર યાદી સુધારણાનો આ કાર્યક્રમ ચાલી રહ્યો છે. મતદાર યાદી શુધ્ધીકરણમાં બીએલઓ એપ્લીકેશનમાં ખામી હોવાની ફરીયાદ સામે આવી છે. જેથી આ એપ્લીકેશનને દુરસ્ત કરવા માટેના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.

