Rajkot . તા.21
રાજકોટના યુવાન સાથે લગ્નના નામે રૂ.2.67 લાખની ઠગાઈ કરનાર અમદાવાદની ગેંગ સામે ફરીયાદ નોંધાઈ છે. ફેસબુકમાં આવેલ જાહેરાત પરથી કોલ કરતાં રૈયાધારનો યુવાન ફસાયો હતો. આરોપીઓએ 2.30 લાખમાં લગ્ન કરાવી દિધા અને દસ દિવસ બાદ યુવતીએ માવતર આંટો મારવા જવાનું કહીં રોકડ દાગીના લઈ જતી રહી હતી.
બનાવ અંગે રૈયાધાર બંસીધર પાર્ક શેરી નં 3 પ્રસાદ એપાર્ટમેન્ટ સામે રહેતાં વિપુલ ગોપાલભાઈ લાઠીયા (ઉ.વ.37) એ નોંધાવેલ ફરીયાદમાં આરોપી તરીકે રાજુ ઠક્કર, હસમુખ મહેતા, ચાંદની રમેશ રાઠોડ, ચાંદનીની માતા શુશીલાબેન અને રમેશ રાઠોડ (રહે. અમદાવાદ) નું નામ આપતાં યુની. પોલીસે ગુનો નોંધી તપાસ આદરી હતી.
વધુમાં ફરીયાદીએ જણાવ્યું હતું કે, તેઓ નિર્મળા રોડ ઉપર ઓમકાર ટાવર જયંતીભાઈ માવાવાળાને ત્યાં નોકરી કરે છે.
તેઓ બે ભાઈઓ છે. વર્ષ 2023 ના ડીસેમ્બર મહીનામાં ફેસબુકમાં એક ફોટો આવેલ જેમાં જાહેરાત હતી કે, જય માડી મેરેજ બ્યુરો જેમાં 21 વર્ષ થી 50 વર્ષ સુધીના અનમેરીડ તેમજ ડીવોર્સના મેરેજ માટે મળો અને તેના નંબર આપેલ હતા. જેમાં ફોન કરતાં સમેવાળાએ કહેલ કે, હું જયમાડી મેરેજ બ્યુરોમાંથી હસમુખભાઈ મહેતા બોલુ છું, તેને લગ્ન કરવા હોય તો તમારી ઓફિસ ક્યાં આવેલી છે, અને તમે કઈ રીતે લગ્ન કરાવી આપો છો પૂછતાં હસમુખભાઈએ વાત કરેલ કે, અમે નાના તેમજ સારા ઘરની છોકરીઓના લગ્ન કરાવી આપીએ છીએ.
જે બાદ તેને કોઈ રાજુભાઈ ઠક્કરને ફોન કરેલ હતો અને થોડી વાર બાદ રાજુભાઈ ઠક્કર કોઇ છોકરી તથા તેના મમ્મી પપ્પાને સાથે લઈને આવેલ અને કહેલ કે, આ મારી ભાણી છે, અને જેનું નામ ચાંદની રાઠોડ હોવાનું જણાવેલ અને ત્યારબાદ ચાંદની અનુકૂળ લાગતાં તેણી સાથે વાતચીત કરેલ હતી. એકબીજાને પસંદ આવતાં રાજુભાઈ સાથે વાત કરતાં તેમણે પંદરેક દિવસ પછી લગ્ન કરવાની વાત કરી હતી.
જેથી આ ચાંદની રાઠોડને ત્યાં જ શુકન પેટે નારીયેળ તથા રૂ. 1100 રોકડા આપેલ હતા. ત્યારે હસમુખભાઈએ અમને વાત કરેલ કે, તમારે લગ્ન પેટે છોકરીના પરીવાર ને રૂ.2.30 લાખ આપવાના થશે. જે બાદ રાજુભાઇ ઠક્કરનો ફોન આવેલ કે, ચાંદનીના મામા તમારા લગ્ન આવતી કાલે રાખેલ છે, તો તમે કાલે આવી જજો તેમ વાત કરતાં બીજા દિવસે યુવાન પરીવાર સાથે અમદાવાદ ખાતે જયમાડી મેરેજ બ્યુરો ખાતે ગયેલ હતા. ત્યાંથી સ્વામીનારાયણ એપાર્ટમેન્ટ સેલ્બી હોસ્પીટલ પાછળ ચાંદનીના ઘરે તેના માતા પિતા તથા પરિવારના સભ્યોને મળવા ગયેલા અને તે વખતે તેમના ઘરે ચાંદનીની માતા સુશિલાબેન અને તેના પિતા રમેશભાઈ રાઠોડ હાજર હતા.
જે બાદ મિરઝાપુર કોર્ટ પાસે દિવ્ય વસુંધરા કોમ્પલેક્સ ખાતે આવેલ મેરેજ પોઇન્ટ ખાતે લગ્ન માટેના ફેરાફેરવી લગ્નની વિધી કરી રજીસ્ટરમાં સહી કરેલ હતી. ત્યારબાદ આ હસમુખભાઈ મહેતાને અગાઉ વાત કરેલ મુજબ રોક્ડ રૂ.2.30 લાખ આપેલ હતા. ત્યાં હાજર વકીલે તમારુ મેરેજનું સર્ટી ત્રણેક મહીના પછી આવી જશે તેમ જણાવેલ હતું.
જે બાદ તેઓ પત્નિ ચાંદનીને લઈ રાજકોટ પરત આવતાં રહેલ હતાં. થોડા દિવસ બાદ ચાંદનીને સોનાની કાનની બુટી એક જોડી, ચાંદીના પગના સાંકરા, નાકનો સોનાનો દાણો લઇ આપેલ હતા.
દશેક દિવસ ઘરે રોકાયા બાદ આ ચાંદની રાઠોડે વાત કરેલ કે, રીત રિવાજ મુજબ દસ દિવસ પિયર રોકાવા જવુ પડશે. જે બાદ તેના પરીવાર જનો ચાંદનીને તેડવા માટે આવેલ હતા.
દસ દિવસ પછી આ ચાંદનીને તેડવા માટે તેમના મામા રાજુભાઈને ફોન કરતાં તેમણે જણાવેલ કે, ચાંદનીના દાદી ગુજરી ગયેલ છે. જે રાજસ્થાનમાં ઝાલોદ ગયેલી છે, સવાથી ડોઢ મહીને પરત આવશે. તે આવતાં તમને જાણ કરશું. દોઢેક મહીના પછી ફરીથી ફોન કરતાં તેમણે જણાવેલ કે, હજુ આવ્યા નથી બે ત્રણ દિવસ હજુ લાગશે. ચારેક દિવસ બાદ ફોન કરતાં તેમણે વાત કરેલ કે, આજની તારીખમાં આવી અને ચાંદનીને તેડી જાવ.
જે બાદ હસમુખભાઈને વાત કરેલ કે, મેં જે વસ્તુ આપેલ તેમજ રોકડ રકમ આપેલ છે, તે પરત આપી દીયો એટલે હું છૂટ્ટુ આપી દવ, દશેક દિવસ પછી હસમુખભાઇએ તેમની ઓફિસે અમદાવાદ બોલાવતાં ત્યાં રાજુભાઈ ઠક્કર પણ હાજર હતાં અને તેમણે રૂ. 1 લાખનો ચેક આપેલ અને કહેલ કે પંદરેક દિવસ પછી બેંકમાં નાખજો અને બાકીના પૈસા તમને ક્ટકે કટકે આપી દઈશ. પંદરેક દિવસ પછી ચેક બેંકમાં ચેક નાખેલ તો બેંકમાંથી જણાવેલ કે આ ચેકમાં ખોટી સહી છે જેથી ચેક રીટર્ન થયેલ છે.
જે બાબતે રાજુભાઇને વાત કરતાં તેમણે કહેલ કે, ચેક પરત આપી રોકડા રૂપીયા લઇ જવાનું જણાવેલ અને કહેલ કે હાલ હું બહારગામ છુ. બાદ એક મહીના પછી તેને ફોન કરતાં તેમણે ગાળો આપેલ અને કહેલ કે, તમારે જે થાય તે કરી લ્યો પૈસા નથી આપવા પોલીસ કેશ કરવો હોય તો કરી દેજો મને કોઇની બીક નથી. જેથી આરોપીઓએ રૂ.2.67 લાખના દાગીના રોકડ લઈ જઈ છેતરપીંડી આચરતાં ફરીયાદ નોંધાવી હતી.

