Ahmedabad,તા.21
ચર્ચિત અને રાજકીય રંગ ધરાવતા અમિત ખૂંટ આત્મહત્યા કેસમાં આજે મહત્વપૂર્ણ વળાંક આવ્યો છે. મૃતક અમિત ખૂંટના ભાઈ મનીષ ખૂંટે બે વકીલ-સંજય પંડિત અને દિનેશ પાતર-ને આપવામાં આવેલા જામીન રદ કરવાની માંગ સાથે દાખલ કરેલી અરજી પર ગુજરાત હાઈકોર્ટએ તમામ પક્ષકારોની દલીલો પૂર્ણ થવાનાં અનુસંધાને પોતાનો નિર્ણય અનામત રાખ્યો છે. ચુકાદો આગામી દિવસોમાં જાહેર થશે.
રાજકોટ સેશન્સ કોર્ટના જામીન હુકમ સામે પડકાર
અરજદારપક્ષે રજૂઆત કરી કે ગોંડલ તાલુકા પોલીસે 7 મે 2025ના રોજ સંજય પંડિતની ધરપકડ કરી હતી, પરંતુ ફક્ત સાત જ દિવસમાં તેને જામીન મળ્યા હતા. તેના વિરોધમાં દલીલ કરતાં જણાવાયું કે તેના વિરૂદ્ધ અગાઉથી જ છ ગંભીર ગુનાઓ નોંધાયેલા છે અને તેની વકીલાતની સનદ પણ બે વખત સસ્પેન્ડ થઈ ચૂકી છે. આવી પૃષ્ઠભૂમિ ધરાવતા આરોપીને સરળતાથી જામીન ન મળવા જોઈએ, તેવી માંગણી કરવામાં આવી.
બીજા આરોપી વકીલ દિનેશ પાતર સામે પણ અરજદારપક્ષે ગંભીર આરોપ મૂક્યા હતા. તેની વિરૂદ્ધ ચાર અલગ-અલગ ઋઈંછ નોંધાયેલી છે, જેમાં જમીન ઝડપ તથા ઘરેલું હિંસા જેવા ગુનાઓનો સમાવેશ થાય છે.
અરજદારપક્ષે દાવો કર્યો કે, બંને વકીલોએ વ્યવસાયિક ઢંગથી વર્તવાનું બદલે ગુનાહિત કાવતરામાં સક્રિય સહકાર આપ્યો છે, તેથી તેમને આપવામાં આવેલા જામીન રદ કરવા જોઈએ.
કેસનો પૃષ્ઠભૂમિઃ રાજકીય-ગુનાહિત અથડામણથી આત્મહત્યા સુધી
મનીષ ખૂંટે નોંધાવેલી ફરિયાદ અનુસાર, ગત વિધાનસભા ચૂંટણી દરમિયાન રાજદીપસિંહ જાડેજા અને તેના પિતા અનિરૂદ્ધસિંહ સાથે જમીન લેવડદેવડને લઈને અમિત ખૂંટનો ઝઘડો થયો હતો. અમિતએ તે અંગે પોલીસમાં ફરિયાદ પણ કરી હતી.
વધુમાં, પૂર્વ ધારાસભ્ય પોપટભાઈ સોરઠિયાની હત્યાના કેસમાં અનિરૂદ્ધસિંહને મળેલી સજા માફી રદ કરવાની માંગ અમિત ખૂંટે રાજ્યના ગૃહવિભાગ સમક્ષ કરી હતી. અરજદારપક્ષના જણાવ્યા પ્રમાણે, આ તમામ પરિસ્થિતિથી નારાજ આરોપીઓએ અમિતને ફસાવવા સગીરા સાથેના દુષ્કર્મનો ખોટો કેસ ગોઠવી પૂર્વ તૈયાર કાવતં રચ્યું હતું. સતત માનસિક હેરાનગતીએ અમિતને આત્મહત્યા કરવા મજબૂર કર્યો હતો.
અમિતના મૃતદેહમાંથી ચાર પાનાની સુસાઈડ નોટ મળી આવી હતી, જેમાં થયેલા ત્રાસનું વર્ણન હોવાનું કહેવાય છે. ત્યારબાદ મે 2025માં ગોંડલ તાલુકા પોલીસમથકે અનિરૂદ્ધસિંહ જાડેજા, રાજદીપસિંહ જાડેજા સહિત અન્ય આરોપીઓ સામે મનીષ ખૂંટે FIR નોંધાવી હતી.
હવે હાઈકોર્ટના ચુકાદાની રાહ
હવે તમામ દલીલો પૂર્ણ થઈ ચૂકી છે. હાઈકોર્ટ હવે નક્કી કરશે કે સંજય પંડિત અને દિનેશ પાતરને તેમની ભૂતકાળની ગુનાહિત પૃષ્ઠભૂમિ, કથિત વ્યવસાયિક ગેરવર્તણુક અને અન્યો સાથે મળી રચાયેલી સડયંત્રાત્મક ભૂમિકાના આક્ષેપોને ધ્યાનમાં લઈને આપવામાં આવેલા જામીન રદ કરવા યોગ્ય છે કે નહીં.
આ નિર્ણય આત્મહત્યા કેસની આગળની તપાસ અને ટ્રાયલની દિશા પર સીધી અસર કરનાર સાબિત થવાનો છે.

