Ahmedabad,તા.21
ગુજરાતના પોલીસ તંત્ર માટે આજે એક મહત્વપૂર્ણ રાહતભર્યો દિવસ રહ્યો, કારણ કે ગુજરાત હાઈકોર્ટએ લગભગ ત્રણ વર્ષથી અટકેલી એર્મ્ડ પોલીસ સબ-ઇન્સ્પેક્ટર (Armed PSI) અને રિઝર્વ પોલીસ સબ-ઇન્સ્પેક્ટર (RPSI) ભરતી પ્રક્રિયાને મંજૂરી આપી છે. ગુરુવારે જસ્ટિસ નિર્જર દેસાઈએ તમામ પડતર અરજીઓને ફગાવી દેતા, લાંબા સમયથી ચાલતી કાનૂની અનિશ્ચિતતાનો અંત આવ્યો છે.
આ ભરતી પ્રક્રિયા શરૂઆતમાં 2022માં સ્પેશિયલ કોમ્પેટિટિવ એક્ઝામિનેશન દ્વારા શરૂ થઈ હતી, પરંતુ દરેક તબક્કે નિષ્ફળ રહેલા ઉમેદવારો દ્વારા નવી નવી અરજીઓ થઈ હતી, જેના કારણે આખી પ્રક્રિયા અટકતી ગઈ. જાન્યુઆરી 2025માં પણ એક અલગ ચેલેન્જ હાઈકોર્ટએ ફગાવી હતી, જેમાં પોલીસના મોટર ટ્રાન્સપોર્ટ વિભાગના કેટલાક કર્મચારીઓએ આ ભરતીમાં સમાવેશ કરવાની માંગ કરી હતી.
પછી એપ્રિલ 2025માં આન્સર કી જાહેર થયા બાદ, કેટલાક ઉમેદવારોએ ફરી અરજીઓ કરીને દાવો કર્યો કે પ્રશ્નો બહારના સિલેબસના છે, ખોટા છે અથવા જવાબોમાં ગેરસુઝાવ છે. કેટલાક પિટિશનર્સે 40% ક્વોલિફાઈંગ માર્ક્સની મર્યાદા 35% સુધી લાવવાની માંગ પણ કરી.
રાજ્ય સરકાર તરફથી જણાવાયું કે તમામ વિવાદિત પ્રશ્નો વિષય નિષ્ણાતો સમક્ષ મુકવામાં આવ્યા હતા અને વિગતવાર સમજૂતીઓ આપવામાં આવી હતી. ખામીદાર માનવામાં આવેલા પ્રશ્નો પહેલેથી જ રદ કરી દેવામાં આવ્યા હતા, જેથી કોઈ ઉમેદવારને નુકસાન ન થાય. ઘણા વાંધા ખોટી સમજ, ખોટા અભિપ્રાય અથવા સિલેબસને ગેરરિતે વાંચવાના કારણે ઉઠાવવામાં આવેલ હોવાનો સરકારનો દાવો હતો.
સરકારના પ્લીડર જી. એચ. વિરકેએ કોર્ટમાં દલીલ કરી કે પિટિશનરો મૂળભૂત રીતે પોતાનો પેપર ફરીથી ચકાસાવવા માંગે છે, જે કાયદેસર શક્ય નથી. તેમણે કહ્યું કે ભરતી શરૂ થાય તે પહેલાં નક્કી કરાયેલા કટ-ઓફમાં હવે ફેરફાર કરી નિષ્ફળ ઉમેદવારોને લાભ આપી શકાતા નથી.
રેકોર્ડ મુજબ, કુલ 1199 ઉમેદવારો પરીક્ષા માટે ક્વોલિફાય થયા હતા. લાંબી કાનૂની લડાઈથી પોલીસ દળમાં પણ મતભેદ સર્જાયા હતા-એક તરફ તે ઉમેદવારો કે જેઓ પસંદગી પરીક્ષા પાર કરીને પ્રમોશનની રાહ જોઈ રહ્યા હતા અને બીજી તરફ તેઓ કે જેઓ નિષ્ફળ થયા પછી પ્રક્રિયામાં અવરોધ ઊભો કરી રહ્યા હતા.
જસ્ટિસ દેસાઈએ સ્પષ્ટ કહ્યું કે પિટિશનોમાં કોઈ વાજબી આધાર નથી અને કોર્ટએ એક્સ્પર્ટની મૂલ્યાંકન પ્રક્રિયામાં હસ્તક્ષેપ કરવો નહીં. તેથી તમામ અપીલો ફગાવી દેવામાં આવી.
રાજ્યની સુરક્ષા વ્યવસ્થાને માટે મહત્વપૂર્ણ સમય
આ ચુકાદો એવા સમયે આવ્યો છે જ્યારે ગુજરાત આંતરરાષ્ટ્રીય રમતો, વધતી શહેરી જનસંખ્યા અને આધુનિક પોલીસિંગ જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને પોતાની પોલીસ દળને વધુ મજબૂત કરવા પ્રયત્નશીલ છે. રાજ્યનું હોમ ડિપાર્ટમેન્ટ હાલ અઈં આધારિત ટ્રાફિક સિસ્ટમ્સ, સ્માર્ટ સર્વેલન્સ નેટવર્ક અને ઝડપી પ્રતિભાવ ક્ષમતાઓ જેવી આધુનિકીકરણની યોજનાઓ પર કામ કરી રહ્યું છે.
ભરતી પ્રક્રિયા હવે અવરોધ વિના આગળ વધશે
દસથી વધુ રાઉન્ડની કાનૂની લડાઈ બાદ હાઈકોર્ટના આ મહત્વના ચુકાદાથી હવે ઙજઈં અને છઙજઈંની ભરતી પ્રક્રિયા ફરી ગતિ પકડી શકશે. વર્ષો સુધી અટકેલા પ્રમોશન, પોસ્ટિંગ અને હાયરાર્કીમાં ફેરફારો હવે સરળતાથી થઈ શકશે, જે પોલીસ તંત્રમાં વહીવટી સ્થિરતા લાવશે. ગુજરાતની પોલીસ વ્યવસ્થાને મજબૂત બનાવવા માટે આ ચુકાદો એક મહત્વપૂર્ણ માઈલસ્ટોન સાબિત થવાનો છે.

