New Delhi,તા.21
દિલ્હીના લાલ કિલ્લા નજીક થયેલા કાર બોમ્બ વિસ્ફોટ કેસની તપાસમાં વિદેશી ષડયંત્રના પુરાવા મળ્યા છે. તપાસ એજન્સીઓએ ખુલાસો કર્યો છે કે આ બોમ્બ વિસ્ફોટના આરોપીઓને એન્ક્રિપ્ટેડ એપ્લિકેશન દ્વારા વિદેશથી સુસાઇડ બોમ્બિંગના વીડિયો મોકલવામાં આવ્યા હતા. આ વીડિયો જૈશ-એ-મોહમ્મદ સાથે સંકળાયેલા ડૉક્ટર મોડ્યુલના સભ્યો સાથે શેર કરવામાં આવી રહ્યા હતા.
અહેવાલોમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે, તપાસ એજન્સીઓ દ્વારા ધરપકડ કરાયેલા એક ડૉક્ટરની પૂછપરછ દરમિયાન સમગ્ર ષડયંત્રની પદ્ધતિનો ખુલાસો થયો છે. ધરપકડ કરાયેલા ડૉ. મુઝમ્મિલ અહેમદ ગનીએ તપાસ એજન્સીઓને જણાવ્યું હતું કે મોડ્યુલના વિદેશી હેન્ડલર્સ દ્વારા તેમને આવા ઘણાં વીડિયો મોકલવામાં આવ્યા હતા. આ વીડિયોમાં સુસાઇડ બોમ્બિંગના હેતુઓ અને આવી આતંકી પ્રવૃત્તિઓ કેવી રીતે વિકસાવવી તેની વિગતવાર માહિતી (તાલીમ) આપવામાં આવી હતી. ડૉ. મુઝમ્મિલ અને ડૉ. ઉમર ઉન નબીનું આ વીડિયો દ્વારા જ બ્રેનવોશ કરવામાં આવ્યું હતું. તપાસ એજન્સીનું માનવું છે કે,આવા વીડિયોનો ઉપયોગ વિશ્વના અન્ય આતંકી સંગઠનો દ્વારા પણ કરવામાં આવે છે.અહેવાલો અનુસાર, આ આતંકીઓ માત્ર વિદેશી નિર્દેશો પર કામ કરતા નહોતા, પરંતુ તેઓ આતંકવાદી ગતિવિધિઓ માટે પોતાનું ભંડોળ પણ એકઠું કરી રહ્યા હતા. આ આતંકીઓએ પોતે 26 લાખ રૂપિયા એકઠા કર્યાં હતા અને ચાર વાહનો ખરીદ્યા હતા. આ વીડિયો દ્વારા તાલીમ મેળવીને તેઓ પોતાના પૈસાથી બોમ્બ બનાવી રહ્યા હતા અને વિસ્ફોટકો ખરીદી રહ્યા હતા.
તપાસ એજન્સીઓ હવે આ વિદેશી હેન્ડલર્સને શોધવા માટે યુદ્ધના ધોરણે કામ કરી રહી છે. દિલ્હી કેસમાં ત્રણ હેન્ડલર્સની ઓળખ ‘હંજુલ્લાહ’, ‘નિસાર’ અને ‘ઉકાસા’ તરીકે કરવામાં આવી છે. જો કે, આ માત્ર કોડ નામો હોઈ શકે છે. ‘હંજુલ્લાહ’ નામનો ઉપયોગ કરનાર વ્યક્તિએ ડૉ. મુઝમ્મિલ અહેમદ ગનીને આશરે 40 વીડિયો મોકલ્યા હતા. તપાસ એજન્સીઓએ દિલ્હી વિસ્ફોટના સંબંધમાં અત્યાર સુધીમાં છ લોકોની ધરપકડ કરી છે અને ઘણાં અન્ય લોકોની પૂછપરછ ચાલુ છે.

