Venezuela,તા.21
અમેરિકામાંથી એકબાજુ જ્યાં સતત એવા સંકેત મળી રહ્યા છે કે, ભારત પર લાદવામાં આવેલો 50% ટેરિફ ઓછો કરવામાં આવી શકે છે. ખુદ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા પણ આવા નિવેદન આપવામાં આવ્યા છે. એવામાં હવે અહેવાલોનું માનીએ તો ભારત પણ અમેરિકાને રાહત આપવાના મૂડમાં નથી. India-US Trade Deal સાથે સંબંધિત અધિકારીઓને ટાંકીને કહેવામાં આવી રહ્યું છે કે, જો અમેરિકા ટેરિફ ઘટાડે છે તો ભારત પણ તમામ પ્રોડક્ટ પર ટેરિફ ઘટાડવા માટે તૈયાર છે.
અહેવાલ અનુસાર, ભારતની લવચીક સ્થાનિક અર્થવ્યવસ્થા અને નિકાસમાં અપેક્ષાથી ઓછો ઘટાડો ભારતને અમેરિકા સાથે ચાલી રહેલા વેપાર કરારની વાટાઘાટોમાં ફાયદો કરાવી રહ્યો છે.
ઓક્ટોબરમાં અમેરિકાનો નિકાસ વાર્ષિક આધાર પર 8.6% ઘટીને 6.3 અબજ ડૉલર ગયો. પરંતુ, તે ગત સપ્ટેમ્બર મહિનાના 12 ટકા ઘટાડાની તુલનામાં ખૂબ ઓછું છે. જોકે, બંને મહિનામાં અમેરિકા દ્વારા ભારત પર લાદવામાં આવેલા 50% ટેરિફની અસર જોવા મળી.
ભારત-અમેરિકા વેપાર કરારથી પરિચિત અધિકારીઓ આશા વ્યક્ત કરી રહ્યા છે કે, અમેરિકા આખરે રશિયન ક્રૂડ ઓઇલની ખરીદી પર ભારત પર લગાવેલા 25% ટેરિફને ઓછું કરી દેશે અને કુલ મળીને 15% ટેરિફની દિશામાં આગળ વધશે. જેના બદલામાં ભારત 80%થી વધુ સામાન પર ટેરિફ ઓછો કરવા તૈયાર છે. પરંતુ, ખેતી સહિત અન્ય સંવેદનશીલ સેક્ટરનું સંરક્ષણ જાળવી રાખશે.
એપ્રિલથી ઓક્ટોબર 2025 સુધીના વ્યાપારિક આંકડાએ પણ રાહત આપી છે. એન્જિનિયરિંગ પ્રોડક્ટ, ફાર્મા, ઇલેક્ટ્રોનિક્સ અને જેમ્સ એન્ડ જ્વેલરીની મજબૂત ડિમાન્ડના કારણે અમેરિકા 52.12 અબજ ડૉલર સાથે ભારતનું ટોપ એક્સપોર્ટ ડેસ્ટિનેશન બન્યું છે. વળી, UAE, નેધરલેન્ડ અને ચીન ક્રમશઃ 22.14 અબજ ડૉલર, 11.98 અબજ ડૉલર અને 10.03 અબજ ડૉલરના નિકાસ સાથે તેની પછીના ક્રમે રહ્યું. આ દરમિયાન ચીન ભારત માટે આયાતનો સૌથી મોટો સ્ત્રોત બન્યું છે, જે મહત્ત્વપૂર્ણ ગ્લોબલ સપ્લાઇ ચેઇન પર દેશની નિરંતર નિર્ભરતા દર્શાવે છે. આ દરમિયાન, ભારતીય નિકાસકારોમાં પણ વિવિધતા આવી અને આફ્રિકન તેમજ યુરોપિયન બજારમાં તેમની પહોંચ બની છે.
એક સિનિયર અધિકારીએ અહેવાલમાં જણાવ્યું કે, હાલ અમે 50% અમેરિકન ટેરિફની સૌથી ખરાબ અસરથી બચી ગયા. જોકે, કાપડ નિકાસના ઓર્ડરમાં ઘટાડો જોવા મળ્યો છે. પરંતુ, વ્યાપક આર્થિક અસર સીમિત છે. જેનાથી ટ્રેડ વાર્તા માટે ભારતને વધુ સમજી-વિચારીને પગલું લેવાનો અવકાશ છે. ભારતે પણ સ્પષ્ટ કર્યું કે, જાપાન અને દક્ષિણ કોરિયા જેવા દેશોની જેમ ઉતાવળમાં કોઈ કરાર કરવામાં નહીં આવે.

