Russia,તા.21
રશિયા-યુક્રેન શાંતિ સમજૂતીના મુદ્દે અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમીર ઝેલેન્સ્કીને અલ્ટીમેટમ આપ્યું છે. ટ્રમ્પે ઝેલેન્સ્કીને સ્પષ્ટપણે જણાવ્યું છે કે, જો તેઓ 27 નવેમ્બર સુધીમાં 28-સૂત્રીય શાંતિ યોજના(Peace Plan) પર હસ્તાક્ષર નહીં કરે, તો તેમને સત્તા પરથી હટાવી દેવામાં આવશે.
ટ્રમ્પે ઝેલેન્સ્કીને ધમકી પણ આપી છે કે, સત્તા પરથી હટાવ્યા બાદ તેમને તરત જ જેલમાં મોકલાશે. અમેરિકી વિદેશ વિભાગ દ્વારા ઝેલેન્સ્કીને પહોંચાડવામાં આવેલા આ સખત સંદેશમાં ભારપૂર્વક કહેવામાં આવ્યું છે કે, ‘અમે હવે કોઈપણ ભોગે યુદ્ધ રોકવા માગીએ છીએ.’
તાજેતરના દિવસોમાં યુક્રેનના રાષ્ટ્રપતિના ઘણા નજીકના લોકો પર ગંભીર ભ્રષ્ટાચારના આરોપો લાગ્યા છે. આ આરોપોમાં સામેલ બે વ્યક્તિઓ ઝેલેન્સ્કી સરકારમાં મંત્રી હતા, જેમને પદ પરથી દૂર કરવામાં આવ્યા છે. આ કેસોને કારણે હાલમાં ઝેલેન્સ્કી દબાણ હેઠળ છે, કેમ કે તેમના પર આ મંત્રીઓને લાંબા સમય સુધી છૂટોદોર આપવાનો આરોપ છે. કેબિનેટના આ બે મંત્રીઓના કૌભાંડોને કારણે ભ્રષ્ટાચારની અસર હવે સીધી ઝેલેન્સ્કી સુધી પણ પહોંચી શકે છે. અમેરિકા આ જ પરિસ્થિતિનો લાભ લેવાનો પ્રયાસ કરી રહ્યું છે.
રશિયા અને યુક્રેન વચ્ચેનું યુદ્ધ રોકવા માટે તાજેતરમાં ઝેલેન્સ્કી તૂર્કિયેની મુલાકાતે ગયા હતા અને તેઓ જલદીથી યુદ્ધ સમાપ્ત કરવા ઈચ્છે છે. તેમ છતાં, અમેરિકાએ તૈયાર કરેલા 28-પોઇન્ટના પ્રસ્તાવની કેટલીક શરતોથી યુક્રેન સહમત નથી. તેમાં સૌથી મુખ્ય શરત એ છે કે ક્રિમિયા, ડોનેત્સ્ક અને લુહાંસ્કને રશિયાના ભાગ રૂપે આંતરરાષ્ટ્રીય માન્યતા આપવી પડશે.
વળી, આ પ્રસ્તાવ મુજબ ખેરસન અને ઝાપોરોઝિયામાં જે પક્ષ જે જગ્યા પર નિયંત્રણ ધરાવે છે, તે વિસ્તાર તેનો જ હિસ્સો ગણાશે. જ્યારે રશિયા બાકીના કબજે કરેલા વિસ્તારોમાંથી પાછળ હટી જશે. જોકે, યુક્રેન કોઈપણ કિંમતે આ શહેરોને રશિયા માટે છોડવા તૈયાર નથી.રશિયા અને યુક્રેન વચ્ચેનું યુદ્ધ અટકાવવા માટે અમેરિકન સરકારે ગુપ્ત રીતે એક શાંતિ યોજના તૈયાર કરી છે. આ યોજનાના બે મુખ્ય ઉદ્દેશ્યો છે. જેમાં પ્રથમ, યુદ્ધ સમાપ્ત થયા પછી, યુક્રેનને કેટલીક શરતોને આધીન સાર્વભૌમ રાષ્ટ્ર તરીકેના તેના તમામ અધિકારો પ્રાપ્ત થશે. તેમજ બીજું એ કે આ યોજના છેલ્લાં ત્રણ દાયકાથી યુરોપ, રશિયા અને યુક્રેન વચ્ચે પ્રવર્તતા તણાવપૂર્ણ માહોલને સંપૂર્ણપણે સમાપ્ત કરવા પર કેન્દ્રિત છે.

