New Delhi, તા.૨૧
તામિલનાડુ વિ. રાજ્યપાલના કેસમાં રાષ્ટ્રપતિના રેફરન્સ પર સુપ્રીમે પોતાનો જ નિર્ણય બદલીને ઐતિહાસિક ચુકાદો આપ્યો છે. કોર્ટે કહ્યું છે કે, રાષ્ટ્રપતિ-રાજ્યપાલને સહી કરવા આદેશ ન આપી શકાય. ત્યારે સુપ્રીમ કોર્ટના વલણ બાદ તમિલનાડુના મુખ્યમંત્રી એમ.કે.સ્ટાલિન પ્રતિક્રિયા આપી છે. મુખ્યમંત્રી એમ.કે.સ્ટાલિને કહ્યું છે કે, ‘જ્યાં સુધી બંધારણમાં ફેરફાર કરીને રાજ્યપાલો દ્વારા બિલ મંજૂરીની સમય મર્યાદા નિશ્ચિત કરવામાં નહીં આવે, ત્યાં સુધી હું પીછેહટ નહીં કરું. અમે રાજ્યના અધિકારો અને સાચા સંઘીય માળખા માટે સંઘર્ષ ચાલુ રાખીશું. સુપ્રીમ કોર્ટે ૮ એપ્રિલ-૨૦૨૫ના રોજ ’તમિલનાડુ સરકાર વિરુદ્ધ રાજ્યપાલ’ કેસમાં જે આદેશ પસાર કર્યો છે, તેના પર ૨૦ નવેમ્બરે આપવામાં આવેલી સલાહની કોઈ અસર થશે નહીં.’
સ્ટાલિને કહ્યું કે, ‘કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે, રાજ્યમાં ચૂંટણીમાં જનતાના મત દ્વારા ચૂંટાયેલી સરકારને જ નિર્ણય લેવાનો અધિકાર હોવો જોઈએ. તેથી, રાજ્યમાં કારોબારી નિર્ણયોના બે અલગ કેન્દ્રો હોઈ શકે નહીં. રાજ્યપાલ પાસે બિલ રોકવાનો અથવા પૉકેટ વીટો કરવાનો કોઈ વિકલ્પ નથી. તેઓ કારણવગર બિલ ન અટકાવી શકે. રાજ્યપાલ પાસે એવો ચોથો વિકલ્પ પણ નથી, કે તેઓ બિલ લટકાવીને રાખે.’
રાષ્ટ્રપતિના રેફરન્સ પર સુપ્રીમ કોર્ટે પોતાનો જ નિર્ણય બદલીને ૨૦ નવેમ્બરે ઐતિહાસિક ચૂકાદો આપ્યો હતો. રાષ્ટ્રપતિ અથવા રાજ્યપાલને સંસદ અથવા વિધાનસભા દ્વારા પસાર કરાયેલા બિલોને નિશ્ચિત સમય મર્યાદામાં પસાર કરવાની ફરજ પાડી શકાય નહીં તેમ સુપ્રીમ કોર્ટે ગુરુવારે પોતાનો જ નિર્ણય બદલતા એક ઐતિહાસિક ચૂકાદામાં કહ્યું હતું. જોકે, બંધારણીય બેન્ચે કહ્યું કે રાષ્ટ્રપતિ અને રાજ્યપાલ અનિશ્ચિત સમય સુધી કોઈ બિલ પેન્ડિંગ રાખી શકે નહીં. તેમણે ભારતના સહકારી સંઘવાદમાં બિલો અંગે સંસદ અથવા વિધાનસભા સાથે સંવાદ કરવો જોઈએ. વધુમાં તેમના તરફથી કોઈ બિલ અંગે નિર્ણય લેવામાં ખૂબ જ વિલંબ થતો હોય અથવા કારણ બતાવ્યા વિના તેને રોકી રખાયું હોય તો કોર્ટ ન્યાયિક સમીક્ષા માટે મર્યાદિત દખલ કરી શકે છે.

