બંધારણની મૂળ ભાવના પર તેમણે ભાર મૂક્યો અને સ્પષ્ટ કર્યું કે વિકાસનો અર્થ ચૂંટણીઓમાં પૈસા વહેંચવો નથી
New Delhi, તા.૨૧
ારતના પૂર્વ ચૂંટણી કમિશનર અને કાયદા સચિવ જી.વી.જી. કૃષ્ણમૂર્તિની ૯૧મી જયંતિ નિમિત્તે આયોજિત એક કાર્યક્રમમાં સંબોધન કરતાં પૂર્વ કેન્દ્રીય મંત્રી અને ભાજપના વરિષ્ઠ નેતા મુરલી મનોહર જોશીએ ભેદભાવ દૂર કરવાના ઉપાય તરીકે એક સૂચન આપ્યું. તેમણે કહ્યું કે, વર્તમાન રાજ્યોમાંથી નાના રાજ્યો બનાવવા જોઈએ, જેમાં દરેક રાજ્યમાં મતવિસ્તારોની સંખ્યા અને વસ્તી લગભગ સમાન હોય.
મુરલી મનોહર જોશીએ બંધારણની મૂળ ભાવના પર ભાર મૂક્યો અને સ્પષ્ટ કર્યું કે વિકાસનો અર્થ ચૂંટણીઓમાં પૈસા વહેંચવો નથી. તેમણે જણાવ્યું કે, દેશમાં આર્થિક અસમાનતા હવે સૌથી મોટો ભેદભાવ બની ચૂકી છે અને કલ્યાણકારી(લોક કલ્યાણ) કાર્યો ચૂંટણી દરમિયાન પૈસા વહેંચીને કરી શકાતા નથી.
પૂર્વ કેન્દ્રીય મંત્રીએ જણાવ્યું કે, દરેક નાગરિકને મતદાનનો સમાન અધિકાર મળેલો છે, તેમ છતાં કર્ણાટક, બિહાર અને મહારાષ્ટ્ર જેવા રાજ્યોમાં રહેતા લોકોની આર્થિક શક્તિમાં મોટો તફાવત જોવા મળે છે. તેમણે પ્રશ્ન ઉઠાવ્યો કે, શું રણપ્રદેશ, પહાડી વિસ્તારો કે પૂર્વોત્તરમાં વસતા વ્યક્તિની આર્થિક શક્તિ કર્ણાટકમાં રહેતા વ્યક્તિ જેટલી સમાન ગણી શકાય?
મુરલી મનોહર જોશીએ વધુમાં કહ્યું કે, બંધારણ આર્થિક અને રાજકીય ન્યાયનો અધિકાર આપે છે. ડૉ. આંબેડકરનો સંદર્ભ આપીને તેમણે સ્પષ્ટ કર્યું કે જ્યાં સુધી આર્થિક ન્યાય સુનિશ્ચિત ન થાય, ત્યાં સુધી રાજકીય અધિકાર(મત આપવાનો અધિકાર)નો યોગ્ય ઉપયોગ થઈ શકતો નથી.
પૂર્વ કેન્દ્રીય મંત્રીએ ચેતવણી આપી કે, એક એવી વ્યવસ્થા શોધવી અનિવાર્ય છે જેમાં રાજકીય અને આર્થિક અધિકારોની સાથે સાથે વિકાસ પણ સમાન રીતે વહેંચાયેલો હોય. તેમણે કહ્યું કે, જો આ વ્યવસ્થા ઊભી કરવામાં નહીં આવે, તો લોકશાહી અને કલ્યાણકારી રાજ્યની ગમે તેટલી પ્રતિબદ્ધતાઓ હોવા છતાં, આપણે વાસ્તવિક લોકશાહી બની શકીશું નહીં.
તેમણે ભારપૂર્વક જણાવ્યું કે, આર્થિક સ્થિતિ અને વિકાસ વચ્ચેનો તફાવત જ મૂળભૂત ભેદભાવ છે. ચૂંટણીઓમાં પૈસા વહેંચવાથી કલ્યાણ થતું નથી. ભાજપના પૂર્વ અધ્યક્ષે બિહાર ચૂંટણીના પરિણામોને લઈને સત્તાધારી દ્ગડ્ઢછ અને વિપક્ષ વચ્ચે ચાલી રહેલા વિવાદનો આડકતરી રીતે ઉલ્લેખ કરતાં કહ્યું, આજે લોકો એવા સવાલો ઉઠાવી રહ્યા છે કે તમે ચૂંટણી પહેલાં પૈસા વહેંચ્યા. સરકાર દાવો કરે છે કે તેણે કલ્યાણના હેતુથી પૈસા વહેંચ્યા, જ્યારે વિપક્ષનો આરોપ છે કે તમે મત ખરીદવા માટે પૈસાનો ઉપયોગ કર્યો.

