કપુરાઈ ચોકડી તથા એક્સપ્રેસ હાઈવે ટોલનાકા નજીક ચેકિંગ દરમિયાન નિયમોનું ઉલ્લખન કરતા વાહન ચાલકો સામે દંડાત્મક કાર્યવાહી કરાઈ
Vadodara,તા.22
પ્રાઇવેટ વાહનો દ્વારા ગેરકાયદે મુસાફરોનું વહન કરાતા સરકારની ટેકાની અને નિગમની આવકને નુકસાન પહોંચે છે. જેથી આરટીઓ, એસટી અને જિલ્લા ટ્રાફિક પોલીસની ટીમોએ સંયુક્ત ચેકિંગની કાર્યવાહી હાથ ધરી ૧૫૦ વાહન ચાલકો સામે કેસ કરી ૫૩ વાહનો ડિટેઇન કરી રૂ.૧.૮૭ લાખના દંડની વસુલાત કરવામાં આવી છે.
એસટી મધ્યસ્થ કચેરી સુરક્ષા ખાતાના વડા આર.ડી.ગળચરની સૂચના મુજબ મધ્યસ્થ કચેરી સુરક્ષા ખાતા અને વડોદરા વિભાગ સુરક્ષા શાખાના સ્ટાફ દ્વારા આરટીઓ વડોદરા અને જિલ્લા ટ્રાફિક પોલીસ વડોદરા સાથે સંયુક્ત ચેકિંગની કાર્યવાહી હાથ ધરી તા.૧૮ થી ૨૦ નવેમ્બર સુધીમાં પ્રાઇવેટ વાહનો દ્વારા ગેરકાયદે મુસાફરોની હેરાફેરી કરતા વાહનો સામે કાર્યવાહી કરવામાં આવી છે. આ દરમિયાન કપુરાઈ ચોકડી તથા એક્સપ્રેસ હાઈવે ટોલનાકા નજીક ચેકિંગ દરમિયાન નિયમોનું ઉલ્લખન કરતા વાહન ચાલકો સામે દંડાત્મક કાર્યવાહી કરાઈ હતી. રોડ સેફટી, પરમિટ ભંગ, ઓવરલોડ, પીયુસી, ઇન્સ્યોરન્સ અને ફિટનેસ બાબતે કાર્યવાહી કરી છે. ગઈ તા. ૧૮ થી ૨૦ નવેમ્બર સુધીમાં આરટીઓ વિભાગે ઓવરલોડ ૬, ઇન્સ્યોરન્સ ૪, પીયુસી ૩, ડ્રાઇવિંગ લાયસન્સ ૫, ફિટનેસ ૩, પાર્કિંગ ૧ અને પેસેન્જર પરવાનગી ભંગના ૧૫, કેસ કર્યા હતા. જ્યારે જિલ્લા ટ્રાફિક પોલીસ દ્વારા ૭૬ વાહનચાલકોને મેમો ફટકારી રૂ.૩૮ હજાર દંડ વસૂલ્યો હતો. જ્યારે ૫૨ વાહનો ડિટેઇન કર્યા હતા.

