નશાની લતે ચડેલા પુત્રની પિતાએ રાપ ઝીંકી હત્યા કરી છે, તબેલો બનાવવા માટે પુત્ર વારંવાર માગતો હતો ૧૦ લાખ રૂપિયા
Jasdan,તા.22
જસદણ પંથકમાં સનસનાટી મચાવતી ઘટના સામે આવી હતી, જેમાં નશાની લતે ચડેલા ૨૮ વર્ષના પુત્રની તેના પિતાએ જ લોખંડની રાપ ઝીંકી નિર્મમ હત્યા કરી નાખી હતી.
પુત્રની હત્યા કર્યા બાદ પિતા સામેથી આટકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થઇ ગયા હતા. મૃતક યુવાન અવારનવાર તબેલો બનાવવા માટે પિતા પાસે ૧૦ લાખ રૂપિયાની માગણી કરી ઝઘડા કરતો હતો, જેનાથી કંટાળીને આ પગલું ભર્યું હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું હતું.
આટકોટમાં જસદણ રોડ ઉપર આવેલા પાણીના ટાંકા પાસે રહેતા ધનશ્યામ સેલીયાએ આજે સવારે તેના પુત્ર તુષાર ધનશ્યામભાઇ સેલીયા (ઉં.વ.૨૮) સાથે પૈસાની બાબતે ઝઘડો થતાં તેના માથામાં લોખંડની રાપના ઘા ઝીંકી દીધા હતા. લોહીલુહાણ હાલતમાં ઢળી પડેલા તુષારને ગંભીર હાલતમાં તાત્કાલિક રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, પરંતુ ત્યાં તબીબે તેને મૃત જાહેર કર્યો હતો. હોસ્પિટલ ચોકીએ આ અંગે આટકોટ પોલીસને જાણ કરી હતી.
બંધીઓના જણાવ્યા મુજબ, હત્યાનો ભોગ બનનાર તુષાર અગાઉ સુરત રહેતો હતો. તે નશાના રવાડે ચડી ગયો હતો અને આ લત્તને કારણે તેણે ત્યાંનું મકાન પણ વેંચી નાખ્યું હતું અને દેણામાં ડૂબી ગયો હતો. આ પછી પિતા ઘનશ્યામભાઈએ તેની નશાની લત્ત છોડાવવા માટે તેને રીહેબીટેશન સેન્ટરમાં મોકલી ત્રણ મહિના સારવાર પણ કરાવી હતી. બાદમાં તેને આટકોટ વતન લાવીને પોતાની સાથે રાખ્યો હતો. જોકે, તે હજુ પણ નશો છોડતો નહોતો.
વધુ માહિતી મુજબ, તુષાર છેલ્લા ચાર-પાંચ દિવસથી તબેલો બનાવવા માટે તેના પિતા પાસે વારંવાર ૧૦ લાખ રૂપિયાની માગણી કરી માથાકૂટ કરતો હતો. ગત રાત્રીના પણ આ બાબતે બોલાચાલી થઇ હતી અને આજે સવારે ફરીવાર પૈસાની માગણી કરતાં રોષે ભરાયેલા પિતા ધનશ્યામભાઈએ આવેશમાં આવી લોખંડની રાપના ઘા ઝીંકી દીધા, જે જીવલેણ નીવડ્યા હતા. મૃતક તુષારને સંતાનમાં એક પુત્ર છે અને તેણે પ્રેમલગ્ન કર્યા હતાં. અગાઉ પણ નશા બાબતે પિતા સાથે માથાકૂટ થતાં તે ઝેરી દવા પણ પી ગયો હતો.
પુત્રની હત્યા કર્યા બાદ પિતા ધનશ્યામ સેલીયાએ સામેથી આટકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થઈને ગુનો કબૂલી લીધો હતો. આ ચકચારી બનાવથી સમગ્ર જસદણ પંથકમાં અરેરાટી ફેલાઈ ગઈ હતી. આટકોટ પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

