૨૭થી ૩૦ નવેમ્બરની વચ્ચે લેન્ડફોલ થાય તેવી સંભાવનાના પગલે આંધ્રના તટીય જિલ્લાઓને હાઈ એલર્ટ પર રખાયા છે
New Delhi, તા.૨૨
દેશમાં હાલ ઠંડીનો કહેર જોવા મળી રહ્યો છે. ખાસ ક રીને ઉત્તર ભારતમાં કોહરો છવાયેલો છે. દિલ્હી એનસીઆરમાં પણ હળવી ઠંડી પડવા લાગી છે. પ્રદૂષણના કારણે અહીં સમસ્યા વધી ગઈ છે.
હવામાન વિભાગના જણાવ્યાં મુજબ ૨૩ નવેમ્બર ૨૦૨૫ના રોજ પશ્ચિમ અને મધ્ય ભારતમાં આગામી ૩ દિવસમાં ન્યૂનતમ તાપમાન ૨-૩ ડિગ્રી સેલ્સિયસ વધી શકે છે. જ્યારે ઉત્તર-પશ્ચિમ ભારતમાં રાતના સમયે તાપમાનમાં ૨-૩ ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો જોવા મળી શકે છે.
હવામાન વિભાગે બંગાળની ખાડીમાં એક નવા ચક્રવાતી સર્ક્યુલેશનની સંભાવના વચ્ચે સાઉથ ઈન્ડિયામાં તોફાન અને ભારે વરસાદનું એલર્ટ જાહેર કર્યું છે. ૨૩-૨૪ નવેમ્બર ૨૦૨૫ના રોજ કેરળ સહિત આંધ્ર પ્રદેશ, અને તટીય તમિલનાડુમાં ભારે વરસાદ અંગે એલર્ટ જાહેર કરાયું છે. આ દરમિયાન ૫૫ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. એવું કહેવાય છે કે સેન્યાર સાઈક્લોનિક સર્ક્યુલેશનના પગલે ભારે તબાહી મચી શકે છે.
બંગાળની ખાડીમાં સર્જાઈ રહેલી ચક્રવાતી સિસ્ટમ ૨૪ નવેમ્બર સુધીમાં ડિપ્રેશનમાં અને પછી સેન્યાર વાવાઝોડામાં ફેરવાઈ શકે તેવી હવામાન વિભાગે શક્યતા વ્યક્ત કરી છે. ૨૭થી ૩૦ નવેમ્બરની વચ્ચે લેન્ડફોલ થાય તેવી સંભાવનાના પગલે આંધ્રના તટીય જિલ્લાઓને હાઈ એલર્ટ પર રાખવામાં આવ્યા છે. હવામાન વિભાગના જણાવ્યાં મુજબ બંગાળની ખાડીમાં શુક્રવાથી સાઈક્લોનિક સર્ક્યુલેશન સક્રિય છે જે રવિવારે લો પ્રેશરમાં અને સોમવાર સુધીમાં ડિપ્રેશનમાં ફેરવાય તેવી સંભાવના છે. ત્યારબાદ સિસ્ટમ મજબૂત થઈને સેન્યાર વાવાઝોડામાં ફેરવાઈ શકે છે. આ સિસ્ટમથી જો સૌથી વધુ જોખમ કોઈ રાજ્યોને હોય તો તે આંધ્ર પ્રદેશ અને તેલંગણાના છે.

