ફિલ્મ સૈયારામાં અહાન પાંડે અને અનિત પડ્ડાની રોમેન્ટિક કેમેસ્ટ્રી લોકોએ ખૂબ જ પસંદ કરી હતી
Mumbai, તા.૨૨
અહાન પાંડે અને અનિત પડ્ડાની ફિલ્મ “સૈયારા”એ બોક્સ ઓફિસ પર જોરદાર કલેક્શન કર્યું અને દર્શકોના દિલ ઉપર રાજ પણ કર્યું. તેમની ઓનસ્ક્રીન જોડીને દર્શકોએ ખૂબ જ પસંદ કરી હતી, અને તેમની પહેલી ફિલ્મ બોક્સ ઓફિસ પર સફળ રહી હતી. આ દરમિયાન એવી અટકળો શરૂ થઈ ગઈ હતી કે, અહાન પાંડે અને અનિત પડ્ડા રિયલ લાઈફમાં ડેટિંગ કરી રહ્યા છે. કરણ જોહરે સંકેત આપ્યો હતો કે, આગામી વર્ષોમાં આ બંને બોલિવૂડના સૌથી ચર્ચિત કપલ બની શકે છે, જેનાથી અટકળોને વધુ વેગ મળ્યો હતો. પરંતુ હવે અહાન પાંડેએ બધી અફવાઓનો અંત લાવી દીધો છે.
એક ઇન્ટરવ્યુમાં અહાન પાંડેએ સંબંધોને લઈ સ્પષ્ટતા કરી હતી કે, તેની અને અનિતા પડ્ડા વચ્ચે કોઈ રોમેન્ટિક સંબંધ નથી. અનિતા મારી બેસ્ટ ફ્રેન્ડ છે. આખું ઇન્ટરનેટ વિચારે છે કે અમે સાથે છીએ, પણ અમે નથી. આ રીતે સૈયારા સ્ટાર અહાન પાંડેએ મહિનાઓથી ચાલી રહેલી અટકળોનો અંત લાવ્યો છે. તેણે વધુમાં જણાવ્યું કે, તેમની ઓન-સ્ક્રીન હોવા મળેલી કેમેસ્ટ્રી રોમાંસથી નહીં, પરંતુ એકબીજાને સારી રીતે સમજવાથી બની છે. અહાન પાંડેએ કહ્યું કે, કેમેસ્ટ્રી હંમેશા રોમેન્ટિક નથી હોતી, તે કમ્ફર્ટ, એકબીજાને સમજવાની ભાવથી બની છે. અમે એકબીજાને એવો અનુભવ કરાવ્યો છે કે, ભલે તે મારી ગર્લફ્રેન્ડ ન હોય, પરંતુ મારો અને અનિતા જેવો બોન્ડ ક્યારેય પણ નહીં મળે. અહાને એ પણ ખુલાસો કર્યો કે, બંનેનું સપનું એક સરખું હતું, જ્યારે તેઓ કો-સ્ટાર પણ નહોતા. બંનેને ફેમસ રાઇટર, પાઉલો કોએલ્હોનું એક વાક્ય ખૂબ ગમ્યું હતું કે, સપના સાકાર થવાની શક્યતા જીવનને રસપ્રદ બનાવે છે. અહાનના મતે આ વાક્ય તેમની પહેલી ફિલ્મ માટે અણધારી રીતે સાચું સાબિત થયું હતું. તેણે કહ્યું કે, અમે સાથે મળીને આ સપનું જોયું હતું, અને તે સાચું પડ્યું. અમે જે શેર કર્યું તે ખૂબ જ ખાસ છે. અહાને પોતાના રિલેશનશિપ અંગે વાત કરતા જણાવ્યું કે, તે હાલમાં સિંગલ છે. જોકે, ઘણા ચાહકો હજુ પણ માને છે કે રિયલ લાઈફમાં બંને વચ્ચે કંઈક ચાલી રહ્યું છે અને તેઓ તેમને સાથે જોવા માંગે છે, પરંતુ અહાને સ્પષ્ટ કર્યું છે કે, તેની અને અનિતા વચ્ચે એવું કંઈ નથી. અહાન પાંડે હાલમાં અલી અબ્બાસ ઝફરની આગામી એક્શન ફિલ્મ માટે તૈયારી કરી રહ્યો છે, જેમાં તે શર્વરી સાથે જોવા મળશે. આ દરમિયાન અનિત પડ્ડા હોરર કોમેડી યુનિવર્સની છઠ્ઠી ફિલ્મ શક્તિ શાલિનીમાં જોવા મળશે, જેમાં તે મુખ્ય ભૂમિકા ભજવશે. આ ફિલ્મ મેડોક ફિલ્મ્સના બેનર હેઠળ બનાવવામાં આવી રહી છે. “સૈયારા”માં તેના અભિનયથી ઇન્ડસ્ટ્રીમાં પહેલેથી જ ખૂબ ચર્ચા થઈ રહી છે.

