જિગરા ફિલ્મ વખતે થયેલા વિવાદ બાદ દિવ્યાએ મુકેશ ભટ્ટ સાથેનું ઓડિયો રેકોર્ડિંગ વાયરલ કર્યું હતું
Mumbai, તા.૨૨
ટી સીરિઝના માલિક ભૂષણ કુમારની પત્ની અને હિરોઈન દિવ્યા ખોસલા કુમાર તથા નિર્માતા મુકેશ ભટ્ટ વચ્ચેની એક ઓડિયો વાતચીત વાયરલ થઈ છે. તેમાં એવું તારણ મળી રહ્યું છે કે આલિયા ભટ્ટ અને કરણ જોહરે દિવ્યાને બદનામ કરવા માટે રીતસરનું નેગેટિવ પબ્લિસિટી કેમ્પેઈન ચલાવ્યું હતું.
વાસ્તવમાં આલિયા ભટ્ટે કરણ સાથે મળીને પોતાના પ્રોડક્શન હેઠળની પહેલી ફિલ્મ જિગરા બનાવી હતી. આ ફિલ્મ સદંતર ફલોપ રહી હતી. તે સમયે દિવ્યાએ એવો આરોપ મૂક્યો હતો કે જિગરાની સ્ટોરી વાસ્તવમાં તેની અને હર્ષવર્ધન રાણેની ફિલ્મ સાવીની બેઠી ઉઠાંતરી છે. તે સમયે દિવ્યા ફક્ત પબ્લિસિટી ખાતર આવા આરોપો કરી રહી હોવાની વાત ચગી હતી. એ વખતે નિર્માતા મુકેશ ભટ્ટે પણ દિવ્યા ખોટો પબ્લિસિટી સ્ટન્ટ કરી રહી હોવાનો દાવો કર્યો હતો.
હાલ જારી થયેલી ઓડિયો ટેપ મુજબ તે વખતે જ દિવ્યાએ મુકેશ ભટ્ટને ફોન કરીને કહ્યું હતું કે તેઓ તેની વિરુદ્ધ આવો અપપ્રચાર શા માટે કરી રહ્યા છે. તે વખતે મુકેશ ભટ્ટે તેને જવાબ આપ્યો હતો કે પોતે તેની વિરુદ્ધ કશું બોલ્યા નથી પરંતુ સામેની પાર્ટી ( એટલે કે આલિયા અને કરણ જોહર) તેની વિરુદ્દ સિસ્ટમેટિક નેગેટિવ પીઆર કેમ્પેઈન ચલાવી રહ્યા છે. દિવ્યાનો જન્મદિવસ હતો તે જ દિવસે તેની વિરુદ્ધ આ બધા આરોપોનો મારો ચલાવી તેને માનસિક રીતે પરેશાન કરાઈ હતી.
દરમિયાન, તાજેતરમાં ફરીથી મુકેશ ભટ્ટે કોઈ ઈન્ટરવ્યૂમાં દિવ્યા ફક્ત પ્રચાર ખાતર ગમે તેમ બોલતી હોવાનો આરોપ કર્યો હોવાનું કહેવાય છે. મુકેશ ભટ્ટે પોતાની ભત્રીજી આલિયા ભટ્ટનો બચાવ કર્યો હતો. આથી છંછેડાયેલી દિવ્યાએ તે સમયની તેમની વાતચીતની ઓડિયો ટેપ જ જાહેરમાં પ્રગટ કરી દીધી છે.

