Narmada,તા.24
નર્મદા જિલ્લાના તિલકવાડા રેલવે સ્ટેશન નજીક અંડરગ્રાઉન્ડ કામગીરી જમીનની અંદર રહેલા જીવંત વીજ વાયરના સંપર્કમાં આવી જતા બે શ્રમિકોના મૃત્યું નિપજ્યાં હતાં.
ઘટના અંગે પ્રાપ્ત વિગતો અનુસાર, તિલકવાડા રેલવે સ્ટેશન નજીક અંડરગ્રાઉન્ડ કાર્ય શરૂ હતું. કામ દરમિયાન અચાનક જમીનમાં રહેલા વીજ વાયરનો કરંટ લાગી જતા બંને યુવકો ત્યાંજ ઢળી પડ્યા હતા.
આ ઘટનાની જાણ થતા તાત્કાલિક તિલકવાડા પોલીસ મથકમાંથી સ્ટાફ ઘટનાસ્થળે દોડી ગયો હતો. ઉલ્લેખનીય છે કે એક મહિનામાં નર્મદા જિલ્લામાં આ બીજી ગંભીર ઘટના બની છે.
ગત 26 ઓક્ટોબરે ગડેશ્વર ખાતે નર્મદા ઘાટના નવીનીકરણ દરમ્યાન ભેખડ ધસી પડતા એકટેશ્વર ગામના ત્રણ શ્રમિકોના મોત થયા હતા. સતત બનતી આવી દુર્ઘટનાઓ વિભાગીય બેદરકારી અને સુરક્ષા આયોજન પર પ્રશ્નચિહ્ન ઉભું કરે છે.

