Perth,તા.24
આક્રમક બેટ્સમેન ટ્રેવિસ હેડે શનિવારે પર્થ (Perth)ના ઑપ્ટસ સ્ટેડિયમમાં ઇંગ્લેન્ડ સામે ઍશિઝ (Ashes) સિરીઝની પ્રથમ ટેસ્ટના બીજા દાવમાં ઓપનિંગમાં મોકલવામાં આવતાં 69 બોલમાં સેન્ચુરી ફટકારીને ઑસ્ટ્રેલિયાને બીજા જ દિવસે વિજય અપાવી દીધો ત્યાર બાદ કાર્યવાહક સુકાની સ્ટીવ સ્મિથે ટ્રેવિસ વિશે એક નિવેદન આપીને સૌને ચોંકાવી દીધા હતા.
ઍન્કરે પૂછેલા સવાલના જવાબમાં સ્મિથે કહ્યું હતું કે ‘ટ્રેવિસ હેડને હવે પછી પણ ઓપનિંગમાં જ મોકલવામાં આવશે કે કેમ એ વિશે હાલમાં નક્કી કહી ન શકાય.’
આ લો-સ્કોરિંગ ટેસ્ટમાં ઇંગ્લેન્ડના 172 રનના જવાબમાં ઑસ્ટ્રેલિયાએ 132 રન બનાવતાં ઇંગ્લેન્ડને 40 રનની સરસાઈ મળી હતી. બીજા દાવમાં ઇંગ્લેન્ડની ટીમ ફક્ત 164 રનમાં ઑલઆઉટ થઈ જતા ઑસ્ટ્રેલિયાને 205 રનનો લક્ષ્યાંક મળ્યો હતો જે એણે માત્ર બે વિકેટના ભોગે મેળવી લીધો હતો. ટ્રેવિસ હેડ નવા ઓપનર જેક વેધરાલ્ડ સાથે ઓપનિંગમાં રમ્યો હતો.

