Rajkot. તા.24
રાજકોટમાં અંધશ્રદ્ધા પરાકાષ્ઠાએ પહોંચી હોય તેવો બનાવ સામે આવ્યો છે.ગ્રીનલેન્ડ ચોકડી પાસે પીટીસી ગ્રાઉન્ડમાં ચૌહાણ પરિવાર દ્વારા આયોજિત માતાજીના માંડવામાં પુશની બલી ચડાવવામાં આવી રહ્યાનું જીવદયા ફાઉન્ડેશનને માલુમ પડતા તેમણે પોલીસને સાથે રાખી દરોડો પાડ્યો હતો.
જોકે ગૌરક્ષકો અને પોલીસ ઘટનાસ્થળે પહોંચે આ પૂર્વે જ છ પશુઓની બલી ચડાવી દેવામાં આવી હતી. જયારે નવ પશુઓને પોલીસે બચાવી લીધા હતાં. પોલીસ પહોંચે તે પુર્વે માંડવાના આયોજકો ફરાર થઇ ગયા હતાં. આ અંગે જીવદયા ફાઉન્ડેશન દ્વારા થોરાળા પોલીસ મથકમાં ફરિયાદ નોંધવવા તજવીજ હાથ ધરી છે.
પ્રાપ્ત વિગતો મુજબ, શહેરના ગ્રીનલેન્ડ ચોકડી પાસે આવેલા પીટીસી ગ્રાઉન્ડ પાસે ચૌહાણ પરિવાર દ્વારા માતાજીના માંડવાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ માંડવામાં પશુની બલી ચડાવવામાં આવી રહ્યાનું જીવદયા ફાઉન્ડેશનના કેતન સંઘવી અને ટીમને માલુમ પડયું હતું. જેથી તેમની ટીમે તુરંત થોરાળા અને આજીડેમ પોલીસને જાણ કરી હતી. બાદમાં જીવદયાની ટીમ તથા થોરાળા અને આજીડેમ પોલીસ મથકનો સ્ટાફ અહીં પહોંચ્યો હતો.
માતાજીના માંડવામાં પોલીસ આવતા જ નાસભાગ મચી ગઇ હતી. પોલીસ પુછતાછ કરે તે પૂર્વે જ આયોજકો ભાગી ગયા હતાં. પોલીસે અહીં જોતા છ પશુઓની બલી ચડાવી દેવામાં આવી હોવાના અવશેષો મળ્યા હતાં. જયારે પોલીસ અને જીવદયાની ટીમે મળી 9 પશુઓને બચાવી લીધા હતાં. જેમને પાંજરાપોળને સોંપ્યા હતાં.
વધુમાં જાણવા મળતી વિગતો મુજબ, ગ્રીનલેન્ડ ચોકડી પાસે ચૌહાણ પરિવાર દ્વારા માતાજીના માંડવાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં આયોજક તરીકે અરવિંદ ચૌહાણ, રાહુલ ચૌહાણ અને પરબત ચૌહાણ હોવાનું માલુમ પડયું છે.
બલી આપવા માટે 15 પશુ લાવ્યા હતાં.જે પૈકી 6 પશુની બલી ચડાવી દીધી હતી. જયારે અન્ય પશુની બલી ચડાવે તે પૂર્વે જીવદયાની ટીમ અને પોલીસ આવી પહોંચી હતી. આ અંગે જીવદયાપ્રેમી દ્વારા થોરાળા પોલીસ મથકમાં ફરિયાદ નોંધવવામાં તજવીજ હાથ ધરવામાં આવી છે. નવ પશુઓને બચાવવામાં મહત્વની કામગીરી કરવામાં જીવરક્ષા ફાઉન્ડેશનનો ટીમના કેતનભાઈ સંઘવી, નિલભાઈ મહેતા, રાકેશભાઈ પટેલ, રાજભાઈ પોલ, મહાવિરભાઈ જૈન, વિશાલભાઈ ગાંધી, રેખાબેન સગારકા, મનોજભાઈ રાઠોડ, હેતલભાઈ કોઠારી,કેતનભાઈ દોષી, અને મગનભાઈ પટેલ સાથે રહ્યો હતો.

