Jamnagar તા.24
જામનગરમાં શરૂ સેક્શન રોડ પર રહેતા એક કન્સ્ટ્રક્શનના ધંધાર્થી ઉપર સોનાના વેચાણના 10 લાખ રૂપિયાની લેતી દેતીના મામલે હિંચકારો હુમલો કરાયાનો બનાવ પોલીસ મથકે નોંધાયો છે. જામનગર અને મેઘપર ગામના છ શખ્સોએ લોખાંડના પાઇપ, ધોકા અને છરી વડે હુમલો કરી વેપારી યુવાનને લમધારી નાખતા હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. બનાવ અંગે પોલીસને જાણ કરતાં પોલીસે છ આરોપીઓ સામે ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
આ બનાવની જાણવા મળતી વિગત અનુસાર જામનગરમાં શરૂ સેક્શન રોડ પર રહેતા અને કન્સ્ટ્રક્શનનો વ્યવસાય કરતા હરદેવસિંહ ભીખુભા ભટ્ટી (ઉ.વ.22) નામના યુવાને પોતાના ઉપર છરી, લોખંડના પાઇપ, ધોકા જેવા હથિયારો વડે હુમલો કરી ઇજા પહોંચાડવા અંગે મેઘપરમાં રહેતા પોતાના જ પિતરાઈ ભાઈ મહેન્દ્ર સિંહ કિશોરશિંહ પિંગળ તેમજ તેના પરિવારના સભ્યો અને મયુર રામાવત, ચિરાગ ભાનુશાળી, વંશરાજસિંહ રૂપસંગ પિંગળ, દુષ્યંતસિંહ ભરતસિંહ પિંગળ અને મિતરાજસિંહ રૂપસંગ પિંગળ નામના છ શખ્સો સામે ફરિયાદ નોંધાવી છે.
ફરિયાદમાં જણાવાયા અનુસાર થોડા સમય પહેલાં હરદેવસિંહ ભટ્ટીની બહેન ખુશ્બુબા ભટ્ટીએ થોડા સમય પહેલાં આરોપી મહેન્દ્રસિંહના ઘરેથી સોનાના દાગીના તથા કિંમતની મોબાઇલ ફોનની ચોરી કરી હતી. જે મામલે મહેન્દ્રસિંહના પિતા કિશોરસિંહ પિંગળે મેઘપર પોલીસ મથકમાં સોનાના દાગીનાની ચોરીની ફરિયાદ નોંધાવી હતી. પોતાના મોજશોખ પુરા કરવા ખુશ્બુબાએ આ દાગીના હરેન્દ્રસિંહ જાડેજા ને 22 લાખમાં વેચી નાખ્યા હતા.
આ પ્રકરણમાં પોલીસ ફરિયાદ થયા બાદ મેઘપર પોલીસે ખુશ્બુબા પાસેથી દસ લાખ રૂપિયા રોકડા અને બાકીના ઘરેણા કબજે કર્યા હતા, જે પરત આપવાના મામલે કોર્ટે તમામ ઘરેણા કિશોરસિંહને આપી દેવા હુકમ કર્યો હતો, જયારે દસ લાખ રૂપિયા ખુશ્બુબાને પરત કરવાનો કોર્ટે હુકમ કર્યો હતો. જે 10 લાખ રૂપિયાની લેતી દેતીના મામલે આરોપી મહેન્દ્રસિંહે કોન્ટ્રાકટર યુવાન હરદેવસિંહને તળાવની પાળે બોલાવ્યો હતો.
જ્યાં આરોપી મહેન્દ્રસિંહ તથા મયુર રામાવત, ચિરાગ ભાનુશાળી, વંશરાજસિંહ રૂપસંગ પિંગળ, દુષ્યંતસિંહ ભરતસિંહ પિંગળ અને મિતરાજસિંહ રૂપસંગ પિંગળ નામના છ શખ્સોએ યુવાનને ગાળો આપી લોખંડના પાઇપ, ધોકા તેમજ છરી વડે હુમલો કરી જાનથી મારી નાખવાની ધમકી આપી નાશી ગયાં હતાં.
ઇજાગ્રસ્ત યુવાનને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. પોલીસે વેપારી યુવાનની ફરિયાદના અધારે આરોપી છ શખ્સો સામે બીએનએસની કલમ 117(2), 118(1), 115(2), 324(4), 352, 351(3), 189(2), 190, 191(2), 191(3) તથા જી.પી. એક્ટ કલમ 135(1) મુજબ ગુન્હો નોંધી નાશી ગયેલા તમામ આરોપીઓને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.

