Rajkot. તા.24
લક્ષ્મીનગરમાં મકાનમાં દારૂ ભરી છૂટક વેંચાણ કરતાં શખ્સને ક્રાઈમ બ્રાન્ચની ટીમે દબોચી લઈ રૂ.2.69 લાખનો મુદામાલ કબ્જે કર્યો હતો. ત્રણ મહિનાથી સ્થાનીક પોલીસની રહેમરાહ નીચે બિન્દાસ બુટલેગર દારૂનું વેંચાણ કરતો હોવાનું સામે આવતાં સ્થાનિક પોલીસ સામે સવાલો ઉઠ્યા છે.
હાલ ક્રાઈમ બ્રાન્ચની ટીમે કેટલો દારૂ વેંચી નાંખ્યો તે અંગે રિમાન્ડ પર લેવાં તજવીજ હાથ ધરાઈ છે.શહેર પોલીસ કમિશ્નર બ્રજેશકુમાર ઝા, એડી. સીપી મહેન્દ્ર બગરીયા, ડિસીપી (ક્રાઇમ) જગદીશ બાંગરવા, એસીપી (કાઇમ) ભરત બસીયા દ્વારા પ્રોહીબીશન તથા જુગારનાની પ્રવૃતિ સદંતર નેસ્તનાબુદ કરવાની આપેલ સુચનાથી ક્રાઇમ બ્રાન્ચ પીઆઈ એમ.આર.ગોંડલીયા, એમ.એલ.ડામોર અને સી.એચ.જાદવના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ વી.ડી.ડોડીયા ટીમ સાથે પેટ્રોલિંગમાં હતાં.
ત્યારે સાથેના હેડ કોન્સ્ટેબલ દિપકભાઈ ચૌહાણ, રાજેશભાઇ જળુ અને કોન્સ્ટેબલ વિશાલભાઈ દવેને નાના મવા મેઈન રોડ પર લક્ષ્મીનગર શેરી નં.05 માં રહેતો અભિષેકસિંહ નરેન્દ્રસિહ રાઠોડ (ઉ.વ.42) પોતાના રહેણાંક મકાનમાં દારૂ છુપાવીને છૂટકમાં વેંચાણ કરતો હોવાની મળેલ ચોક્કસ બાતમીના આધારે સ્ટાફે દરોડો પાડી મકાનમાંથી અલગ અલગ બ્રાન્ડની મોંઘી 412 બોટલ દારૂ રૂ.2.69 લાખનો જથ્થો શોધી કાઢી મોબાઈલ સહિત રૂ.2.74 લાખનો મુદામાલ કબ્જે કરી મકાન માલિકની ધરપકડ કરી તેની પૂછતાછ આદરી હતી.
વધુમાં પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે, પકડાયેલ આરોપી જન્માષ્ટમી સમયે રાજસ્થાન ગયો ત્યારે ત્યાં અલગ અલગ સ્થળેથી દારૂનો મોટો જથ્થો ભરી ટ્રક મારફત રાજકોટ આવ્યો હતો અને છૂટકમાં વેંચાણ કરતો હતો. આરોપી મોબાઈલના પોસ્ટર લગાડવાનું કામ કરે છે. રૂ.18 હજારના પગારમાં મોજશોખ પુરા ન થતાં દારૂના ધંધામાં હાથ અજમાવ્યો. આજ સુધીમાં કેટલો દારૂ વેંચ્યો અને કોણ ગ્રાહક હતાં તે અંગે રિમાન્ડ પર લેવાં તજવીજ હાથ ધરાઈ છે.

