Rajkot. તા.24
કાલાવડ રોડ પર અવધના ઢાળ પાસે રાત્રીના મારામારીના બનાવ બાદ પોલીસની પીસીઆર દોડી આવી હતી. ત્યારે વિફરેલા ટોળાએ પોલીસના વાહનને ઘેરી લઈ પથ્થરમારો કરી તોડફોડ કરી બોલતા હતા કે, આજે તો પોલીસને જવા દેવાની નથી.
ઘટનાની જાણ થતા ઘટનાસ્થળે પોલીસના ધાડા ઉતારી દેવામાં આવ્યા હતા. બનાવ અંગે યુનિવર્સિટી પોલીસ સ્ટેશનના કોન્સ્ટેબલની ફરિયાદ પરથી પોલીસે 6 શખસો સામે નામજોગ અને 15 અજાણ્યા શખસોના ટોળા સહિત 21 વિરુદ્ધ ફરજમાં રૂકાવટ સરકારી મિલકતને નુકસાન સહિતની કલમ હેઠળ ગુનો નોંધ્યો હતો. પોલીસ સાથે ઘર્ષણ કરનાર આ તમામ આરોપીઓને પોલીસે ઝડપી લઇ કાયદેસરની કાર્યવાહી કરી હતી.
બનાવ અંગે યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવનાર કોન્સ્ટેબલ ઉમેશભાઈ બાલાસરાએ નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે વસંત માજી, દિનેશ ચમાર, દીપક નાયક, ઠાકોર, નૂરફો, જલધર તથા 15 અજાણ્યા શખસો (રહે. બધા અવધનો ઢાળીયો ડેકોરાની પાછળ ઝૂંપડામાં,કાલાવડ રોડ) ના નામ આપી જણાવ્યું હતું કે, શનિવારે રાત્રીના તે આલાપ ચોક 112 ગાડીમાં ઇન્ચાર્જ તરીકે ફરજ પર હતા સાથે ડ્રાઇવર તરીકે રવિભાઈ બાલાસરા ફરજ પર હતા.
દરમિયાન રાત્રિના સવા દસ વાગ્યે માનસિંગભાઈનો કોલ આવ્યો હતો અને જણાવ્યું હતું કે, કાલાવડ રોડ પર અવધના ઢાળ ડેકોરા સ્કાય હિલ્સ પાસે મારામારીનો બનાવ બન્યો છે.
જેથી તુરંત પીસીઆર અહીં પહોંચી હતી અહીં 10 થી 15 માણસોના બે અલગ અલગ ટોળા ઝઘડો કરતા હતા. પોલીસે ઝઘડો બંધ કરાવાનું કહી કોલ કરનારને ત્યાંથી સાથે બહાર લઈ આવતા હતા.
દરમિયાન આ ટોળાએ પોલીસને ઘેરી લઈ ડ્રાઇવર સાથે ઝઘડો કરવા લાગ્યા હતા. જેથી કોન્સ્ટેબલને તુરંત ડ્રાઇવરને કહ્યું હતું કે, તું અંદર બેસીજા અને બીજી પોલીસની મદદ માટે જાણ કર. દરમિયાન 10 થી 15 શખસોના ટોળાએ પીસીઆરવાનને ઘેરી લઈ પથ્થરમારો કર્યો હતો. જેમાં પીસીઆરના જમણી સાઈડનો કાચ તૂટી ગયો હતો.
કંટ્રોલરૂમમાં જાણ કરતા તુરંત અલગ અલગ પોલીસ સ્ટેશનની પીસીઆરવાન અને ક્રાઈમ બ્રાન્ચની ટીમ સહિતનો પોલીસનો કાફલો અહીં દોડી ગયો હતો અને આ વિસ્તાર કોર્ડન કરી પોલીસ સાથે ઘર્ષણ કરનાર આ શખસોને સકંજામાં લીધા હતા.
બનાવ અંગે કોન્સ્ટેબલની ફરિયાદ પરથી યુનિવર્સિટી પોલીસે આરોપીઓ વિરુદ્ધ સરકારી મિલકતને નુકસાન પહોંચાડવા અને પોલીસની ફરજમાં રૂકાવટ કરવા સહિતની કલમો હેઠળ ગુનો નોંધી તમામ 21 આરોપીઓને ઝડપી લઇ કાયદેસરની કાર્યવાહી કરી આકરી સરભરા કરી હતી.

