Jamnagar,તા.24
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના વરદ્દ હસ્તે જામનગરના ગુલાબકુંવરબા સભાગૃહ ખાતેથી જામનગર શહેર તથા જિલ્લાના રૂ।.622.52 કરોડથી વધુના કુલ 69 કામના વિવિધ વિકાસલક્ષી લોકર્પણ અને ખાતમુર્હત કરવામાં આવ્યા હતા, જે મુખ્યકામોમાં રૂ।.226.99 કરોડના ખર્ચે ફોરલેન ફ્લાય ઓવર બનાવવાનું કામ, એમ.પી. શાહ ગવર્મેન્ટ મેડિકલ કોલેજ ખાતે રૂ।.62.05 કરોડના ખર્ચે ગર્લ્સ હોસ્ટેલના કામોનો સમાવેશ થાય છે.
કાર્યક્રમની શરૂઆતમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે શીખ ગુરુ તેગ બહાદુર જયંતી નિમિત્તે તેમના બલિદાનને વંદન કર્યા હતા. તેઓએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ `સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ, સૌનો પ્રયાસ’ મંત્રને સાથે રાખી વિકાસ પ્રકલ્પો શરૂ કર્યા છે.
છેલ્લા ત્રણ દિવસમાં રાજકોટ, ભુજ અને જામનગરના મળી કુલ રૂ।. 1846 કરોડના વિકાસ કાર્યોના લોકાર્પણ કરાયા છે. જેનો લાભ ગુજરાતની જનતાને મળશે. “જે કહેવું તે કરવું” તે કાર્યમંત્ર સાથે સરકારે દરેક કાર્યોનો લાભ સામાન્ય લોકો સુધી પહોંચાડ્યો છે.
મુખ્યમંત્રી એ ઉમેર્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની આગેવાનીમાં કુદરતી આફતની સહાય હોય કે વિકાસ કાર્યોનું બજેટ, સરકારે આર્થિક તંગીનો ક્યારેય સામનો કરવો પડ્યો નથી.
સેમીક્નડક્ટર માટે દેશમાં વિવિધ ઇન્ડસ્ટ્રીઓ આવે તે માટે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ પ્રયાસો કર્યા છે, જેના ફળ ગુજરાત રાજ્યને પણ મળ્યા છે. ગ્લોબલ વોર્મિંગમાંથી બહાર નીકળવા માટે ગ્રીન કવર વધારાની જરૂરિયાત પર ભાર મુકતા મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે આ માટે “એક પેડ મા કે નામ” અભિયાન થકી વૃક્ષારોપણ કરવામાં આવી રહ્યું છે. પાણીનો બગાડ ન કરી જળ બચાવવાના વિવિધ ઉપાયો સૌરાષ્ટ્રવાસીઓ સુપેરે અમલમાં મૂકી રહ્યા છે, તે બદલ મુખ્યમંત્રીએ સમગ્ર સૌરાષ્ટ્રવાસીઓની સરાહના કરી હતી.
સરકાર કેચ ધ રેઇન અભિયાન થકી વરસાદના પાણીનો સંગ્રહ કરવા વિવિધ આયોજનો કરી રહી છે. વૃક્ષારોપણ, સ્વચ્છતા, કેચ ધ રેઇન થકી પર્યાવરણ બચાવવાના પ્રયત્નો આપણે સૌએ કરવા જોઈએ, તેવો મુખ્યમંત્રીશ્રીએ ઉપસ્થિતોને અનુરોધ કર્યો હતો. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી જામનગરમાં ગ્લોબલ સેન્ટર ફોર ટ્રેડિશનલ મેડિસિનની સ્થાપના થઈ છે.
જેના પરિણામે જામનગર માત્ર દેશના નહીં , પરંતુ વિશ્વના નકશામાં સમાવિષ્ટ થયું છે. આયુર્વેદનો અમૂલ્ય વારસો સાચવી રાખવા `વિરાસત ભી, વિકાસ ભી’ ના મંત્ર સાથે WHO સેન્ટર અને દેશી દવાઓના પ્રચારની પદ્ધતિથી જામનગર પ્રચલિત થયું છે, જે જામનગર માટે ગૌરવની વાત છે.
વિકસિત ગુજરાતનું નિર્માણ કરવા માટે આત્મનિર્ભર બની સ્વદેશી અભિયાન અપનાવવું જોઈએ, તેમ મુખ્યમંત્રીએ જણાવ્યું હતું. કેબિનેટમંત્રીશ્રી અને જામનગર જિલ્લાના પ્રભારીમંત્રી અર્જુન મોઢવાડિયાએ આ પ્રસંગે જણાવ્યું હતું કે, આ બ્રિજ એક આઇકોનિક બ્રિજ છે. બ્રિજ પરથી પસાર થતા તમામને વિકાસની અનુભૂતિ થાય છે.પ્રધાનમંત્રીના દૂરંદેશી નેતૃત્વને લીધે ગુજરાત રાજ્યનો ફરજિયાત ખર્ચ માત્ર 44 ટકા છે, જેથી વિકાસકાર્યો માટે પૂરતું ફંડ ઉપલબ્ધ થઈ શકે છે.
અણધાર્યા ખર્ચને પણ પહોંચી વળાય તેવી ઉત્તમ બજેટ વ્યવસ્થા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના મુખ્યમંત્રી તરીકેના શાસનકાળ સમયે સુનિશ્ચિત કરી હતી, જેને મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ પૂરી કાર્યદક્ષતાથી નિભાવી અને જાળવી રહ્યા છે.
મુખ્યમંત્રીએ વિકાસના તમામ પ્રોજેક્ટસને કોઈપણ પ્રકારની નાણાકીય અગવડ વગર આગળ વધારી રહ્યા છે. સાંસદ પૂનમબેન માડમે પ્રાસંગિક ઉદબોધનમાં જણાવ્યું હતું કે, જામનગર માટે આ ઐતિહાસિક અને ગૌરવપૂર્ણ ક્ષણ છે.
સૌરાષ્ટ્રના ગર્વ સમાન આ બ્રિજ ટીયર 3 સિટીમાં ભાગ્યે જ ક્યાંય જોવા મળે તેવો છે, જેનાથી રાજકોટ અને દ્વારકાના મુસાફરોની ટ્રાફિક સુગમતામાં વધારો થશે. શહેર સાથે ગ્રામ્ય વિસ્તારમાં પણ માળખાકીય સુવિધાઓ આપવાના પ્રધાનમંત્રીના સંકલ્પને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સુપેરે આગળ વધારી રહ્યાં છે. શહેરની વિકાસની ગતિને પ્રતિબિંબિત કરતો આ બ્રિજ જામનગરના ઇઝ ઓફ લિવિંગમાં એક નવું સીમાચિન્હ સ્થાપિત કરશે.
આ બ્રિજથી જામનગર માળખાકીય સુવિધાઓની દ્રષ્ટિએ સૌરાષ્ટ ક્ષેત્રે અગ્રેસર બન્યું છે. સામાજિક સમરસતા અને પ્રગતિને અપનાવી જાતિવાદને જાકારો આપવા બદલ જામનગરવાસીઓની સાંસદશ્રીએ સરાહના કરી હતી.
કાર્યક્રમનો આરંભ મુખ્યમંત્રી તેમજ મહાનુભાવોના હસ્તે દીપ પ્રાગટ્ય દ્વારા કરવામાં આવ્યો હતો. મહાનગરપાલિકા, સ્થાનિક વહીવટી તંત્ર, પદાધિકારીઓ વગેરેએ વિવિધ સ્મૃતિ ભેટ આપીને તેમજ હાલારી પાઘડી પહેરાવીને મુખ્યમંત્રનું ઉષ્માસભર સ્વાગત કર્યું હતું.
જામનગર મહાનગરપાલિકા અને જિલ્લા વહીવટીતંત્રના સ્વર્ણીમ જયંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના, અમૃત 2.0 યોજના, આરોગ્ય વિભાગ, માર્ગ અને મકાન વિભાગ, સિંચાઈ વિભાગ તેમજ વિવિધ ઘટકોની જુદી જુદી ગ્રાન્ટ હેઠળ નિર્માણ પામેલા રૂ।. 622 કરોડથી વધુના લોકાર્પણ તથા ખાતમુહૂર્ત પ્રસંગે રજૂ થયેલી જામનગરની વિકાસગાથા તેમજ લોકાર્પણ અને ખાતમુહૂર્ત થયેલ પ્રકલ્પોને લગતી ડોક્યુમેન્ટ્રી ફિલ્મ ઉપસ્થિત સૌએ નિહાળી હતી.
કાર્યક્રમમાં મેયર વિનોદભાઈ ખીમસુર્યાએ મહેમાનોનું શાબ્દિક સ્વાગત કર્યું હતું. તથા રાજ્યકક્ષાના મંત્રીશ્રીમતી રીવાબા જાડેજા, જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી મેયબેન ગરચર, ધારાસભ્યો સર્વે દિવ્યેશભાઈ અકબરી, મેઘજીભાઈ ચાવડા, અગ્રણી બીનાબેન કોઠારી, કલેકટર કેતન ઠક્કર, મ્યુ.કમિશનર ડી.એન.મોદી, જિલ્લા વિકાસ અધિકારી અંકિત પન્નુ, જિલ્લા પોલીસ વડા ડો. રવિ મોહન સૈની, ડેપ્યુટી મેયર ક્રિષ્નાબેન સોઢા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન નિલેશ કગથરા, શાસક પક્ષના નેતાી આશિષ જોષી, દંડક કેતન નાખવા, મહામંત્રીઓ, અગ્રણીઓ, વિવિધ વિભાગોના અધિકારીઓ, વિદ્યાર્થીઓ સહિત બહોળી સંખ્યામાં આમંત્રિત મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા.

