Uttarakhand,તા.24
ઉત્તરાખંડના ઋષિકેશ નજીક ટિહરી જિલ્લાના કુંજાપુરીમાં ગંભીર બસ અકસ્માત સર્જાયાની માહિતી સામે આવી છે. કુંજાપુરી મંદિર નજીક આ બસ ખીણમાં ખાબકી ગઇ હતી. જેમાં લગભગ પાંચ લોકો મૃત્યુ પામી ગયા હતા જ્યારે 20 જેટલા મુસાફરો ઈજાગ્રસ્ત થયા હતા. મૃતકોમાં ગુજરાતીઓ સામેલ હોવાની આશંકા સેવાઈ રહી છે. માહિતી અનુસાર આ નરેન્દ્રનગર પોલીસ સ્ટેશનની હદમાં આવતા કુંજાપુરી-હિંડોલાખાલ નજીક એક બસ 70 મીટર ઊંડી ખીણમાં ખાબકી ગઈ હતી. જેમાં 30 થી 35 મુસાફરો સવાર હતા. ઘટનાની જાણકારી મળતાં જ રાહત અને બચાવ કામગીરી શરૂ કરી દેવામાં આવી હતી.માહિતી અનુસાર આ બસમાં ગુજરાતના શ્રદ્ધાળુઓ સવાર હોવાના અહેવાલ છે. જેઓ કુંજાપુરી મંદિરે દર્શન કરવા પહોંચ્યા હતા. હાલમાં ઘટનાસ્થળે વહીવટી અધિકારીઓ, રેસ્ક્યુ ટીમ પહોંચી ગઈ છે અને ઈજાગ્રસ્તોને સારવાર માટે પહોંચાડવામાં આવી રહ્યા છે. પાંચ શ્રદ્ધાળુઓના મોતની પુષ્ટી થઇ ચૂકી છે. જે બસનું અકસમાત થયું છે તેનું નબંર UK14PA1769 જાણવા મળી રહ્યું છે. મૃતકોમાં ચાર મહિલા અને એક યુવકનો સમાવેશ થાય છે. ઈજાગ્રસ્તોને હાલમાં ઋષિકેશમાં આવેલી AIIMSમાં સારવાર આપવામાં આવી રહી છે.

