Mumbai,તા.24
સાઉથ આફ્રિકા સામેની ત્રણ મેચની વનડે સીરિઝ માટે ભારતીય ટીમની જાહેરાત કરવામાં આવી છે. જેમાં કેએલ રાહુલને ટીમની કમાન સોંપવામાં આવી છે. જેમાં ઋષભ પંત અને રવિન્દ્ર જાડેજાની વનડે ટીમમાં વાપસી થઈ છે, જ્યારે યશસ્વી જયસ્વાલ અને રુતુરાજ ગાયકવાડને તક આપવામાં આવી છે. જોકે, દમદાર પ્રદર્શન કરવા છતાં કેટલાક ખેલાડીઓ વિશ્વાસ જીતવામાં નિષ્ફળ રહ્યા છે અને તેમનું સિલેક્શન થયું નથી. ચાલો તમને આવા ખેલાડીઓ વિશે જણાવીએ.
મોહમ્મદ શમીની ફરી એકવાર સિલેક્ટર્સ દ્વારા અવગણના કરવામાં આવી છે. શમીએ તાજેતરમાં રણજી ટ્રોફીમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું. તેમ છતાં પણ શમી સિલેક્ટર્સનો વિશ્વાસ પાછો મેળવવામાં નિષ્ફળ રહ્યો છે. શમીએ છેલ્લે 9 માર્ચે ચેમ્પિયન્સ ટ્રોફીમાં ODI રમી હતી.
ટીમ ઈન્ડિયા માટે તમામ ફોર્મેટમાં બેટ અને બોલ બંનેથી શાનદાર પ્રદર્શન કરનાર અક્ષર પટેલને સાઉથ આફ્રિકા સામેની ODI સીરિઝ માટે પસંદ કરાયેલી ટીમમાં સામેલ કરવામાં આવ્યો નથી.
ચાર વનડેમાં 10 વિકેટ લેનાર વરુણ ચક્રવર્તીને પણ 15 સભ્યોની ટીમમાં સામેલ કરવામાં આવ્યો ન હતો. વરુણે તાજેતરના સમયમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું. તેની સ્પિન બોલિંગ બેટ્સમેન અઘરી સાબિત થઈ છે. ભારતની પરિસ્થિતિઓમાં વરુણ સાઉથ આફ્રિકાના બેટ્સમેન માટે કાળ સમાન સાબિત થઈ શકે છે.જસપ્રીત બુમરાહને સાઉથ આફ્રિકા સામેની વનડે સીરિઝ માટે આરામ આપવામાં આવ્યો છે. જોકે, બુમરાહની ગેરહાજરી છતાં મોહમ્મદ સિરાજને તક આપવામાં આવી નથી. સિરાજને જ્યારે પણ તક આપવામાં આવી છે, ત્યારે તેણે ટીમ ઈન્ડિયા માટે સારું પ્રદર્શન કર્યું છે. તેમ છતાં તે સાઉથ આફ્રિકા સામેની વનડે સીરિઝમાં રમતા જોવા મળશે નહીં.

