વૈશ્વિક અર્થતંત્ર મંદીના દબાણમાં છે ત્યારે ભારતે ચમત્કારિક આર્થિક પ્રગતિ દર્શાવી વિશ્વનું ધ્યાન પોતાની તરફ ખેંચ્યું છે. અમેરિકાથી લઈ ચીન અને યુરોપિયન યુનિયન જેવા વિકસિત દેશો મંદી અને ધીમી વૃદ્ધિ સાથે સંઘર્ષ કરી રહ્યા છે, ત્યારે ભારત સતત ઉંચા વૃદ્ધિદર સાથે સૌથી ઝડપી વિકસતી મોટી અર્થવ્યવસ્થા તરીકે ઉભર્યું છે. કોવિડ-19 પછીના પડકારજનક સમયમાં ભારતે જે વિકાસ હાંસલ કર્યો છે તે આંતરરાષ્ટ્રીય અર્થશાસ્ત્રીઓ અને રેટિંગ એજન્સીઓને પણ અચંભિત કરી રહ્યા છે.
હાર્વર્ડ યુનિવર્સિટીના જાણીતા અર્થશાસ્ત્રી જેસન ફર્મને સોશિયલ મીડિયા પર શેર કરેલા ડેટાએ આ હકીકત વધુ સ્પષ્ટ કરી છે. તેમની તરફથી રજૂ કરાયેલા આંકડાકીય ચાર્ટમાં વિશ્વની અગ્રીય અર્થવ્યવસ્થાઓની ૨૦૧૯ પૂર્વ અને ૨૦૨૫ના ત્રીજા ત્રિમાસિક સુધીની સ્થિતિની તુલના દર્શાવવામાં આવી છે. આ ચાર્ટ મુજબ ભારત એકમાત્ર એવો દેશ છે જેણે મહામારી પછી સતત મજબૂત વૃદ્ધિ જાળવી રાખીને ૨૦૨૫ના મધ્ય સુધીમાં +૫%ના દરે આગળ વધવાનો માર્ગ બનાવ્યો છે. કોવિડ કાળમાં લગભગ -૨૫% સુધી તૂટી ગયેલી ભારતીય અર્થવ્યવસ્થા ૨૦૨૨ સુધીમાં મહામારી પૂર્વની લાઇનને પાર કરી ગઈ હતી, જે ફર્મનના જણાવ્યા અનુસાર દેશની મજબૂત આર્થિક રચના અને સતત થતી સુધારાઓનું પરિણામ છે.
ફર્મનના વિશ્લેષણ પ્રમાણે અમેરિકા મહામારી પછીના પ્રોત્સાહક પગલાંઓના કારણે હવે -૨%ની આસપાસ છે, જ્યારે ચીન રિયલ એસ્ટેટ સંકટ અને લાંબા કોવિડ નિયંત્રણોથી સંકોચન -૫%નો સામનો કરી રહ્યું છે. યુક્રેન યુદ્ધથી પ્રભાવિત રશિયા થોડું સુધરીને -૩% પર છે અને યુરોપ પણ લગભગ -૩%ની ધીમી વૃદ્ધિ પર અટક્યું છે. આ તુલનાત્મક દૃશ્ય વધુ સ્પષ્ટ રીતે દર્શાવે છે કે ભારત વૈશ્વિક અર્થતંત્રમાં સૌથી તેજીથી આગળ વધી રહ્યું છે.
આ માત્ર એક અર્થશાસ્ત્રીનો મત નથી, આંતરરાષ્ટ્રીય રેટિંગ એજન્સીઓ પણ ભારતની આર્થિક સ્થિરતા અને ભવિષ્યની તાકાત પર વિશ્વાસ વ્યક્ત કરી રહી છે. ICRAનું માનવું છે કે ૨૦૨૫-૨૬ના બીજા ત્રિમાસિકમાં ભારતનો જીડીપી વૃદ્ધિ દર ૭% રહેશે. મૂડીઝે ૨૦૨૫ માટે ૭% અને ૨૦૨૬ માટે ૬.૪% વૃદ્ધિદરની આગાહી કરી છે. આ તમામ અનુમાન સૂચવે છે કે ભારતની આર્થિક યાત્રા માત્ર ટૂંકાગાળાની તેજી નથી, પરંતુ ડિજિટલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર, રોકાણ સુધારા અને સ્થિર મેક્રોઇકોનોમિક સંચાલન જેવા પાયાના પરિવર્તનોનું પરિણામ છે.

