Veraval,તા.25
વેરાવળ શહેરમાં આજથી બારેક દિવસ પહેલા મહિલા ના મળેલ મૃતદેહ મામલે ચોંકાવનારા ખુલાસાઓ થયા છે. આ મહિલા ઉપરાંત ચારેક મહિના પહેલા મિત્રને પણ દવા અને ઈન્જેકશન આપી બેભાન કરી મોઢે ડુચો દઈ ઠંડા કલેજે બંને હત્યા આરોપી સિરિયલ કિલર યુવકે કરી હોવાનો ઘટસ્ફોટ પોલીસ તપાસમાં થયો છે. આ બંને હત્યા સિરિયલ કિલર પ્રેમિકા અને મોજશોખ પાછળ કરેલ ખર્ચા ના કારણે દેણું થઈ ગયેલ તેને ઉતારવા માટે લૂંટના ઈરાદે કરી હોવાની પોલીસ પુછપરછમાં આરોપી સિરિયલ કિલર એ કબુલાત આપી છે.
આ ચકચારી બનાવ અંગે પત્રકાર પરિષદમાં માહિતી આપતા જિલ્લા પોલીસવડા જયદીપસિંહ જાડેજા એ જણાવેલ કે, બારેક દિવસ પહેલા શહેરના હુડકો વિસ્તારમાં રહેતા ભાવનાબેન નો મૃતદેહ તેના બંધ ઘરમાંથી મળી આવ્યો હતો.
જેની સ્થળ તપાસમાં અનેક શંકા ઉપજાવતી વિગતો જાણવા મળી હતી. જેના આધારે સિટી પીઆઈ એચ.આર.ગોસ્વામી, પીએસઆઇ આર.આર. રાયજાદા ના નેતૃત્વમાં જુદી જુદી ટીમો બનાવી ને મેડીકલ સ્ટોર્સ, સીસીટીવી કેમેરા, કોલ ડિટેલ, ગોલ્ડ લોન આપતી સંસ્થાઓ, જ્વેલર્સ ની દુકાનો સહિત અલગ અલગ દિશામાં તપાસ હાથ ધરી હતી. જે તપાસ દરમિયાન શ્યામ ચૌહાણ નામનો યુવક શકમંદ તરીકે રડારમાં આવેલ હોવાથી તેને રાઉન્ડ અપ કરી આગવી ઢબે પુછપરછ હાથ ધરી હતી. જેમાં શ્યામ એ લૂંટના ઇરાદે બે હત્યા કરી હોવાની કબુલાત આપી હતી. જે કબુલાત મુજબ ચારેક માસ પહેલા ગત તા.21/07/2025 ના અત્રેના ડાભોર રોડ પર રહેતા મિત્ર અભિષેક ને દુ:ખાવાનું ઇન્જેક્શન આપવા ગયો હતો. ત્યારે ઘરમાં અભિષેક એકલો હોવાનો ફાયદો ઉઠાવવા પહેલા આરોપી શ્યામ એ સોડામાં રમોર્ફ ખલ ની 10 ગોળીઓ નાંખીને અભિષેકને પીવડાવી દીધી હતી. જે દવાના ઓવર ડોઝ ને લીધે અભિષેક બેભાન થઈ જતા શ્યામ એ મોઢા પર ઓશીકા વડે ડુચો દઈ હત્યા કરી નાંખી હાથમાં પહેરેલી સોનાની વીંટી તેમજ ઘરમાં રહેલ રોકડ રૂા.71 હજાર લઈ મકાનના મુખ્ય દરવાજા પર આગળીયો દઈ નાસી ગયો હતો. જ્યારે બારેક દિવસ પહેલા હુડકો સોસાયટી વિસ્તારમાં પાડોશમાં રહેતા ભાવનાબેનને થાઈરોઈડના રીપોર્ટ કરવાનો હોવાથી શ્યામ ને બોલવેલ હતો.
જેથી તા.11-11-2025 ના બપોરે ભાવનાબેન ના ઘરે જઈ રિપોર્ટ કરાવવા બ્લડ લેવાનુ જણાવી શ્યામ એ નીયોવેક એનએસીસીયાના ઓવર ડોઝ ભરેલ ઇન્જેક્શન આપી બેભાન કરી મોઢા પર ભીના નેપકીનનો ડૂમો દઈ હત્યા કરી નાંખી હતી. બાદમાં ભાવનાબેન એ પહેરેલ સોનાનો ચેઈન તથા બુટી કાઢી લઈ કોઇને જાણ ન થાય તે માટે મકાનના મુખ્ય દરવાજા પર તાળુ મારી નાસી છૂટયો હતો.
જો કે, ભાવનાબેન ની હત્યાના બનાવ માં ઘરની બહાર થી પોલીસ ને ઈન્જેકશન સહિત શંકા તરફ ઈશારો કરતી વસ્તુઓ મળતા તપાસ વેગવાન બનાવી હતી. જેમાં ચોંકાવનારી માહિતી ઓ મળવા લાગતાં એક પછી એક કડી ઓ જોડાઈ ગઈ હતી.
સિરિયલ કિલર આરોપી શ્યામ ચૌહાણ એ પ્રેમિકાને મંગળસૂત્ર લઈ દીધેલ અને મોજશોખ પાછળ અઢળક ખર્ચા ઓ કરેલ હોવાથી તેના પર દેણું થઈ ગઈ હતુ. જે દેણું ઉતારવા માટે લુંટ કરવા હત્યાનું પ્લાનિંગ કર્યુ હતું. જેમાં બંને હત્યાના બનાવ ને આપઘાતમાં ખપાવી દેવા ચતુરાઈપૂર્વક અંજામ આપ્યો હતો. બંને હત્યા કરી લુટેલ રોકડ રકમ અને સોનાના દાગીના ઉપર ગોલ્ડ લોન લઈ અમુક રકમનું દેણું ભરપાઈ કર્યુ હોવાનું તપાસમાં જાણવા મળેલ હોવાનું એસ પી જાડેજા એ જણાવેલ હતું.
આ આરોપીને પકડી પાડવા માટે પો.ઇન્સ. એચ.આર.ગોસ્વામી, પો.સબ ઇન્સ. આર.આર.રાયજાદા, પો.હેડ.કોન્સ. સુનિલભાઇ માંડણભાઇ, હિતેશસિંહ વજુભાઇ, એ.એસ.આઇ. કરણસિંહ આલીંગભાઇ, પો.કોન્સ. મહેશભાઈ અરજણભાઈ, અશોકભાઇ હમીરભાઇ, રવિભાઈ રામસીંગભાઇ, કલ્પેશ ભાઇ કાનાભાઇ, નિતીનભાઈ વાસાભાઇ, મયુરભાઇ મેરામણભાઇ, જયેશભાઇ ખીમજીભાઈ, ફુલદિપસિંહ મેરામણભાઇ, નદીમભાઇ શેર મહમદભાઇ સહિતના સ્ટાફે કામગીરી કરેલ હતી.
અને પકડાયેલ આરોપી શ્યામ નાથાભાઇ ચૌહાણ ઉ.વ.24 ધંધો-હોમકેર રહે.વેરાવળ,હુડકો સોસાયટી, માનવ રેસીડેન્સી તા.વેરાવળ જી.ગીર સોમનાથ વાળા મેડીકલ ફીલ્ડ ના જાણકાર હોય અને પોતે અલગ-અલગ હોસ્પિટલમાં નોકરી કરેલ હોય .
જેથી પોતાની નોકરી દરમ્યાન પેશન્ટ સાથે કોન્ટેક્ટ કરી લઇ પોતે હોમકેર કરતા હોય જેમાં પોતાના પેસન્ટને દવા આપવાના બહાને ઘરે આવતા-જતા હોય જેથી સબંધો બનાવી ઘરથી તથા પરિવાર થી વાકેફ થઇ અને કોઈ દર્દી પોતાના ઘરે સારવાર માટે બોલાવતા હોય ત્યારે એકલતાનો લાભ તેમજ દર્દી એ કોઈ દર દાગીના પહેરેલ હોય જે જોઇ દર્દીને કોઈ પણ દવા ના ઓવર ડોઝ આપી બેભાન કરી મોઢે મૂંગો કઇ મોત નીપજાવી લુટ કરી દરવાજા ને બહારથી બંધ કરી નાસી જઈ ગુન્હો કરવાનો મોડસ ઓપરેન્ડી ધરાવતા હોવાનું જણાવેલ છે.

