Mumbai,તા.25
બોલિવૂડના ‘હીમેન’ એટલે કે ધર્મેન્દ્ર આજે પંચમહાભૂતમાં વિલીન થઈ ગયા. 89 વર્ષની વયે તેમનું નિધન થતાં સમગ્ર સિનેમા જગત આઘાતમાં છે. દાયકાઓ સુધી ધર્મેન્દ્ર હિન્દી સિનેમામાં અનેક સુપરહિટ ફિલ્મો આપી હતી. તેમણે છ દાયકાથી વધુ સમય ફિલ્મોમાં કામ કર્યું. જોકે તેમની છેલ્લી ફિલ્મ જલ્દી જ સિનેમામાં રિલીઝ થશે.
છેલ્લી ફિલ્મનું પોસ્ટર રિલીઝ
અગસ્ત્ય નંદાની ફિલ્મ ‘ઈક્કીસ’માં ધર્મેન્દ્ર જોવા મળશે. આ ફિલ્મમાં તેમણે દિવંગત લેફ્ટનન્ટ અરુણ ખેત્રપાલના પિતાની ભૂમિકા ભજવી છે. આજે સવારે જ આ ફિલ્મનું વધુ એક પોસ્ટર રિલીઝ કરાયું હતું. પોસ્ટરમાં માત્ર ધર્મેન્દ્ર દેખાઈ રહ્યા છે અને તેમનો અવાજ સંભળાય છે. આ ફિલ્મ ધર્મેન્દ્રના કરિયરની છેલ્લી ફિલ્મ છે. એવામાં આજે તેમનું નિધન થતાં આ પોસ્ટર જોઈને તેમના ફેન્સ ભાવુક થઈ ગયા હતા. દિગ્ગજ અભિનેતા ધર્મેન્દ્રનું આજે 24 નવેમ્બર 2025ના રોજ 89 વર્ષની વયે નિધન થયું છે. તેઓ ભારતીય સિનેમાના હી-મેન તરીકે પ્રખ્યાત હતા. તેમના નિધનથી સિનેમા જગતમાં શોકની લહેર પ્રસરી ગઈ છે. વૃદ્ધાવસ્થાના કારણે તેઓ છેલ્લા ઘણાં સમયથી વિવિધ બીમારીથી પીડિત હતા. મુંબઈની બ્રીચ કેન્ડી હૉસ્પિટલમાં તેમની સારવાર ચાલી રહી હતી. હજુ થોડા દિવસ પહેલા જ તેમને હૉસ્પિટલમાંથી રજા અપાઈ હતી અને ઘરે તેમની સારવાર ચાલી રહી હતી.

