Mumbai,તા.25
ભારતીય ક્રિકેટર સ્મૃતિ મંધાના અને મ્યુઝિક કમ્પોઝર પલાશ મુચ્છલ 23 નવેમ્બરે લગ્નના બંધનમાં બંધવવાના હતા. જોકે લગ્નના દિવસે જ પરિવારમાં ઈમજરન્સી આવતા લગ્ન મોકૂફ રાખવામાં આવ્યા હતા. મંધાનાના પિતાની તબિયત લથડતા લગ્ન મોકૂફ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. તેમના પિતાની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.
પિતાની તબિયત લથડતા સ્મૃતિ મંધાનાએ પોતાના લગ્ન અનિશ્ચિત સમય માટે મોકૂફ રાખ્યા છે અને ત્યારબાદ તેણે ચોંકાવનારો નિર્ણય લેતા સોશિયલ મીડિયા પરથી સગાઈ અને લગ્ન સમારોહ સંબંધિત તમામ પોસ્ટ્સ ડિલીટ કરી દીધી છે. સ્મૃતિના આ નિર્ણયથી સોશિયલ મીડિયા પર અનેક અટકળો શરૂ થઈ ગઈ. આ વચ્ચે હવે પલાશની બહેન અને સ્ટાર પ્લેબેક સિંગર પલક મુચ્છલે મૌન તોડ્યું છે અને લોકોને બંને પરિવારોની પ્રાઈવસીનું સન્માન કરવા અપીલ કરી છે.
પલક મુચ્છલે પોતાની ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર લખ્યું કે, ‘સ્મૃતિના પિતાના સ્વાસ્થ્ય સબંધિત કારણોસર સ્મૃતિ અને પલાશના લગ્ન મોકૂફ રાખવામાં આવ્યા છે. અમે તમને બધાને આ સંવેદનશીલ સમયમાં પરિવારોની પ્રાઈવસીનું સન્માન કરવા વિનંતી કરીએ છીએ.’સ્મૃતિ મંધાનાના મેનેજર તુહીન મિશ્રાએ જણાવ્યું હતું કે, ‘રવિવારે સવારે સ્મૃતિના પિતાને હૃદયની તકલીફ થઈ હતી, ત્યારબાદ તેમને હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા હતા. પિતાના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને સ્મૃતિએ તેઓ સંપૂર્ણ સ્વસ્થ ન થઈ જાય ત્યાં સુધી લગ્ન મોકૂફ રાખવાનો નિર્ણય કર્યો છે.’
મિશ્રાએ જણાવ્યું કે, ‘સ્મૃતિના પિતા મિસ્ટર શ્રીનિવાસ મંધાના સવારે નાસ્તો કરી રહ્યા હતા ત્યારે તેમની તબિયત ખરાબ થવા લાગી. અમે એ વિચારીને થોડીવાર રાહ જોઈ કે તેઓ જલ્દી સ્વસ્થ થઈ જશે, પરંતુ કોઈ સુધારો થયો નહીં. તેથી અમે કોઈ જોખમ ન લેવાનું નક્કી કર્યું અને એમ્બ્યુલન્સ બોલાવી. તેમને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા અને તેઓ ઓબ્ઝર્વેશનમાં છે.’

