Jasdan,તા.25
વેરાવળ-રાજકોટ ટ્રેનનું ક્રોસીંગ રીબડાના બદલે ભકિતનગર કરવા વેરાવળ-રાજકોટ અપડાઉન એસોસીએશનની રજુઆતના અનુસંધાને રાજકોટ-ભાવનગર ઉ.છ.ખ ને મંત્રી કુંવરજીભાઈ બાવળીયાએ પત્ર પાઠવી રજુઆત કરી છે.
વેરાવળ-રાજકોટ અપડાઉન કરતા એસોસિએશનના સભ્યો દ્વારા વેરાવળ, કેશોદ,જુનાગઢ, જેતપુર (નવાગઢ), વિરપુર, ગોંડલથી રાજકોટ ટ્રેનમાં નિયમીત રીતે અપડાઉન કરતાં નોકરીયાત ભાઈ/બહેનો, ધંધાર્થીઓ દ્વારા રેલ વિભાગ દ્વારા રીબડા ક્રોસીંગ માટે લેવામાં આવેલ નિર્ણયનો વિરોધ કરી નિર્ણયમાં ફેરફારો કરવા રજુઆત કરી છે.
એસોસિએશનના સભ્યો દુષ્યંત ચાવડા, પપ્પુભાઈ કારીયા, હર્ષિત મારૂ, પી.જી.જાડેજા, રમેશ પટેલ, સંજયભાઈ ઠાકર, હર્ષ કારીયા સહિતના સભ્યોની રજૂઆતને ધ્યાનમાં રાખી રાજયના કેબીનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયાએ રાજકોટ અને ભાવનગરના D.R.M મુસાફરોના હીતમાં ક્રોસીંગ સ્થળમાં વહેલી તકે ફેરફાર કરી સમસ્યાનું નિરાકરણ લાવવા પત્ર પાઠવ્યો છે.
વેરાવળ-રાજકોટ ટ્રેનમાં સેંકડો લોકો નિયમીત રીતે અપડાઉન કરે છે, ટ્રેન સવારના નવ કલાકે રાજકોટ પહોંચી જાય છે, રીબડા ખાતે 30 થી 35 મીનીટ સુધી ટ્રેન ઉભી રહેતા સરકારી, ખાનગી ઓફીસો, કારખાનામાં જતાં કારીગરો, ધંધાર્થીઓને પોતાના સ્થળે સમયસર પહોચવામાં વિલંબ થતાં આર્થિક નુકશાની સહન કરવી પડે છે.
રીબડા-રાજકોટ વચ્ચે માત્ર 12 મીનીટનો સમય લાગે છે .
જેથી ક્રોસીંગના સ્થળને બદલી ભક્તિનગર ખાતે કરવા અથવા ટ્રેન નં.59561(રાજકોટ-પોરબંદર) ટ્રેન સવારના 8.50 ના સમયે ઉપાડવામાં આવે છે જેમાં ફેરફાર કરી માત્ર 10 મીનીટ મોડી ઉપાડવામાં આવે તો પણ ક્રોસીંગના પ્રશ્ર્નોનો ઉકેલ આવી શકે તેમ છે.

