Rajkot તા.25
રાજકોટ જિલ્લા કલેકટર કચેરી ખાતે કલેકટર ડો.ઓમપ્રકાશના અધ્યક્ષ સ્થાને લેન્ડગ્રેબીંગ કમિટીની મળેલ બેઠકમાં રાજકોટ શહેરના બે કેસમાં પોલીસ ફરીયાદ (એફઆઈઆર) દાખલ કરવાનો આદેશ જીલ્લા કલેકટર ડો.ઓમપ્રકાશ દ્વારા કરવામાં આવ્યો હતો.
આ બેઠકમાં 58 કેસો સુનાવણી માટે મુકવામાં આવેલ હતા. જેમાં 7 કેસમાં અરજદારોને રૂબરૂ બોલાવી સુનાવણી કરવામાં આવી હતી. જયારે 19 જેટલા કેસોમાં સમાધાન થવા પામેલ હતું. તેમજ તેમજ 36 જેટલા કેસોમાં પુરતા આધાર પુરાવાના અભાવે કે અન્ય કારણોસર પડતા મુકવામાં આવેલ હતા. જયારે અન્ય એક કેસ પેન્ડીંગ રાખવામાં આવેલ હતો.
અહીં ઉલ્લેખનીય છે કે લેન્ડગ્રેબીંગની બેઠક નવી ગાઈડલાઈન મુજબ જીલ્લા કલેકટર કચેરી ખાતે આયોજીત કરવામાં આવે છે. જેમાં લેન્ડગ્રેબીંગ કમીટીમાં સમાવેશ કરાયેલા તમામ અધિકારીઓને હાજર રહેવું ફરજીયાત બનાવેલ છે. આ ઉપરાંત લેન્ડગ્રેબીંગની અરજીઓ દાખલ કરવામાં અરજદારોને કોઈપણ જાતની મુશ્કેલી ન પડે તે માટે કલેકટર કચેરીમાં અલગથી લેન્ડગ્રેબીંગનો આ વિભાગ ધમધમતો કરાયો છે.
જેમાં અરજદારોની ઓનલાઈન અને રૂબરૂ અરજીઓ પણ સ્વીકારવામાં આવી રહી છે. લેન્ડગ્રેબીંગના મોટાભાગના કેસોમાં સમાધાન થઈ જતુ હોય માત્ર જુજ કેસોમાં જ કસૂરવારો સામે પોલીસ ફરીયાદ દાખલ કરવાનો નિર્ણય લેવામાં આવે છે. જેમાં ગઈકાલે મળેલી લેન્ડગ્રેબીંગની બેઠકમાં રાજકોટ શહેરના બે કેસમાં પોલીસ ફરીયાદ દાખલ કરવાનો નિર્ણય લેવામાં આવેલ છે.

