Rajkot , તા. રપ
રાજધાની નવી દિલ્હીમાં પ્રદુષણના કારણે લોકો રસ્તા પર આવ્યા છે અને વાતાવરણ સુધારવાના પગલા લેવા સરકાર સામે મેદાનમાં પણ ઉતર્યા છે ત્યારે રાજકોટ મહાનગરમાં આટલી હદે પ્રદુષણ તો નથી, પરંતુ અર્ધો ડઝન જેટલા ચોકમાં એર કવોલીટી ઇન્ડેક્ષ જોખમી સ્તરથી ઉપર હોવાનું ચિત્ર છે.
રાજધાનીમાં પ્રદુષણ એટલી હદે વધ્યું છે કે ઘણી જગ્યાએ ઘર બહાર નીકળવાને બદલે વર્ક ફ્રોમ હોમની સુચનાઓ આપવામાં આવી રહી છે. રાજકોટમાં જે ર0 સ્થળે પર્યાવરણનું લેવલ જાણવાના સેન્સર મુકવામાં આવ્યા છે તેમાં હાલ છ જગ્યાએ એર કવોલીટી ઇન્ડેક્ષ 100ને પાર રહે છે. જે પ્રદુષણ વધુ હોવાનું તારણ છે. જોકે તે અન્ય મેટ્રો સીટી જેટલું હાઇ નથી. આમ છતાં આ વિસ્તારોમાં અન્ય વિસ્તાર કરતા ધુમાડા સહિતનું પોલ્યુશન વધુ રહે છે તે હકીકત છે.
પારેવડી ચોક અને ડિલક્ષ ચોકમાં એકયુઆઇ 103, મનપા સેન્ટ્રલ ઝોન કચેરી ઢેબર રોડ પર 122, જામટાવર ચોકમાં 115, 150 ફુટ રોડની રામાપીર ચોકડીએ 108, સોરઠીયાવાડી ચોકમાં 128, નાના મવા ચોકમાં આંક 108 પર આજે બપોરે નોંધાયો હતો.
આ આંક દરરોજ સાંજે વધતો પણ રહે છે. અન્ય ચોક જે જોખમી સ્તરથી નજીક હોય છે તેમાં પ્રદ્યુમનપાર્ક રોડ 81, અટીકા ચોક 72, ગ્રીનલેન્ડ ચોકડી 96, મોરબી રોડ 67 આંક નોંધાયો છે. જોકે ઘણી વખત રાત્રે ખુબ ટ્રાફિકવાળા રસ્તા પર આ ઇન્ડેક્ષ ઉંચો થઇ જાય છે તે પણ હકીકત છે.

