તેણીએ ૧૦ લાખ રૂપિયાનું માસિક ભરણપોષણ, હોગના મુંબઈના નિવાસસ્થાન પર રોક અને તેમના ત્રણ બાળકોની કસ્ટડીની માંગ કરી છે
Mumbai,તા.૨૫
સેલિના જેટલીએ પીટર હોગને કારણે થયેલી આવકના નુકસાન માટે ૫૦ કરોડ રૂપિયાનું વળતર માંગ્યું છે. આ ઉપરાંત તેણીએ ૧૦ લાખ રૂપિયાનું માસિક ભરણપોષણ, હોગના મુંબઈના નિવાસસ્થાન પર રોક અને તેમના ત્રણ બાળકોની કસ્ટડીની માંગ કરી છે. કોર્ટે અરજીની સુનાવણી દરમિયાન પીટર હોગને નોટિસ ફટકારી છે. કાયદાકીય પેઢી કરંજવાલા એન્ડ કંપનીની એક ટીમ આ કેસમાં સેલેનાનું પ્રતિનિધિત્વ કરી રહી છે.
આરોપો અનુસાર, પીટરના ગુસ્સા અને દારૂના વ્યસનને કારણે સેલેનાને ઓસ્ટ્રિયાથી ભાગીને ભારત આવવાની ફરજ પડી હતી. હાલમાં, બાળકો ઓસ્ટ્રિયામાં પીટર સાથે છે. સેલેના અને પીટરે ૨૦૧૧ માં ઓસ્ટ્રિયામાં લગ્ન કર્યા હતા. જોડિયા પુત્રો, વિન્સ્ટન અને વિરાજનો જન્મ માર્ચ ૨૦૧૨ માં થયો હતો. સપ્ટેમ્બર ૨૦૧૭માં, જોડિયા પુત્રો, આર્થર અને શમશેરનો જન્મ થયો હતો, પરંતુ શમશેરનું જન્મના થોડા દિવસો પછી મૃત્યુ થયું હતું.
આ કેસ પણ સમાચારમાં છે કારણ કે ગયા વર્ષે સેલેનાએ પીટર માટે તેમની વર્ષગાંઠ પર ઇન્સ્ટાગ્રામ પર એક લાંબી, રોમેન્ટિક પોસ્ટ શેર કરી હતી. તેણીએ લખ્યું હતું કે પીટર ૧૪ વર્ષ પહેલાં તેને પ્રપોઝ કરવા માટે માત્ર આઠ કલાક માટે મુંબઈ કેવી રીતે આવ્યો હતો, અને તેની માતાની ભવિષ્યવાણી કેવી રીતે સાચી પડી હતી. સેલિનાએ લખ્યું, “લગ્ન નાની વસ્તુઓથી આગળ વધવું જોઈએ.” પરંતુ હવે એવું લાગે છે કે આ સંબંધ તે “નાની વસ્તુઓ” નો ભાર સહન કરી શકતો નથી.

