Guwahati,તા.૨૬
ભારતમાં ટેસ્ટ મેચ જીતવી કોઈપણ ટીમ માટે એક મોટો પડકાર ગણાય છે, પરંતુ છેલ્લા એક વર્ષમાં સ્થિતિ બદલાઈ ગઈ છે. વર્ષ ૨૦૨૪માં ન્યૂઝીલેન્ડે ભારતીય ટીમને ઘરઆંગણે ૩-૦થી ટેસ્ટ શ્રેણીમાં ક્લીન સ્વીપ કરીને સૌને ચોંકાવી દીધા હતા. હવે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયન સાઉથ આફ્રિકા પણ તે જ માર્ગ પર દેખાઈ રહી છે.
કોલકાતા ટેસ્ટ જીત્યા બાદ સાઉથ આફ્રિકાની ટીમ ગુવાહાટી ટેસ્ટમાં પણ જીતની નજીક છે. આ મેચમાં જીત સાથે જ આફ્રિકન ટીમ શ્રેણીમાં ભારતને પણ ક્લીન સ્વીપ કરી દેશે. આ બધા વચ્ચે સાઉથ આફ્રિકાના કોચ શુકરી કોનરાડનું વિવાદાસ્પદ નિવેદન સામે આવ્યું છે. આફ્રિકન કોચના આ નિવેદન પર હોબાળો મચી ગયો છે.
ગુવાહાટી ટેસ્ટના ચોથા દિવસે સાઉથ આફ્રિકાએ પોતાની બીજી ઇનિંગ્સ ૨૬૦ રન પર ડિક્લેર કરી દીધી અને ટીમ ઇન્ડિયાને ૫૪૯ રનનો વિશાળ લક્ષ્યાંક આપ્યો. આફ્રિકન ટીમે દિવસનો અડધાથી વધુ સમય બેટિંગ કરી. બીજા સેશન સુધી ટીમની લીડ ૪૮૦ રનથી પણ ઉપર પહોંચી ચૂકી હતી, જે મેચ જીતવા માટે પૂરતી માનવામાં આવતી હતી. પરંતુ સૌને આશ્ચર્યચકિત કરીને સાઉથ આફ્રિકાએ છેલ્લા સેશનમાં પણ થોડો વધુ સમય બેટિંગ કરી અને ત્યાર બાદ ઇનિંગ્સ ડિક્લેર કરી. તેવામાં, દિવસની રમત પૂરી થયા બાદ પ્રેસ કોન્ફરન્સમાં જ્યારે સાઉથ આફ્રિકાના કોચ શુકરી કોનરાડને આ નિર્ણય વિશે પૂછવામાં આવ્યું, ત્યારે તેમણે કહ્યું કે તેઓ ભારતીય ટીમને વધુમાં વધુ થકવવા માંગતા હતા. આ દરમિયાન તેમણે એક એવા શબ્દનો ઉપયોગ કર્યો, જેણે વિવાદ ઊભો કરી દીધો.
સાઉથ આફ્રિકન કોચે કહ્યું, “અમે ઇચ્છતા હતા કે ભારતીય ટીમ મેદાન પર વધુમાં વધુ સમય વિતાવે. અમે ઇચ્છતા હતા કે તેઓ ઘૂંટણિયે આવી જાય અને અમે મેચને તેમની પહોંચથી બિલકુલ દૂર કરવા માગતા હતા.” કોનરાડે આ માટે ‘ગ્રોવેલ’ શબ્દનો ઉપયોગ કરીને વિવાદને જન્મ આપ્યો છે. ‘ગ્રોવેલ’નો અર્થ થાય છે જમીન પર લેટવું અથવા ઘસડાવું. ખરેખર, આ નિવેદને ઇંગ્લેન્ડના પૂર્વ ઓલરાઉન્ડર ટોની ગ્રેગની તે વિવાદાસ્પદ ટિપ્પણીની યાદ અપાવી દીધી, જેણે ૧૯૭૬માં ઘણો હોબાળો મચાવ્યો હતો. વેસ્ટ ઈન્ડિઝ પ્રવાસ દરમિયાન ગ્રેગે કેરેબિયન ઇતિહાસ અને ત્યાંની અશ્વેત વસ્તી પર કટાક્ષ કરતા કહ્યું હતું
ગુવાહાટી ટેસ્ટમાં ટીમ ઇન્ડિયા હારની દેહલીજ પર ઊભી છે. ભારતને મેચ જીતવા માટે છેલ્લા દિવસે વધુ ૫૨૨ રન બનાવવા પડશે, જ્યારે સાઉથ આફ્રિકાને માત્ર ૮ વિકેટની જરૂર છે. પ્રથમ ઇનિંગ્સમાં ૧૮૮ રનની લીડ લીધા બાદ આફ્રિકન ટીમે બીજી ઇનિંગ્સ ૨૬૦/૫ પર ડિક્લેર કરી હતી. ચોથા દિવસના છેલ્લા સેશનમાં ભારતના બે વિકેટ પણ પડી ગયા, જેના કારણે યજમાન ટીમ સંપૂર્ણપણે બેકફૂટ પર છે. અહીંથી મેચ જીતવી લગભગ અશક્ય લાગી રહી છે. બે ટેસ્ટની શ્રેણીમાં સાઉથ આફ્રિકા પહેલેથી જ ૧-૦થી આગળ છે. હવે ટીમ ઇન્ડિયાનું લક્ષ્ય ક્લીન સ્વીપથી બચવાનું હશે.

