Ahmedabad તા.27
સર્વ શિક્ષા અભિયાનના પૂર્વ સ્ટેટ પ્રોજેકટ ઈજનેર નિયુણ ચોકસી સામે ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ હેઠળ અપ્રમાણસર મિલકતનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. જુલાઈ 2021માં રૂ. 1.21 લાખની લાંચ લેતા રંગેહાથ ઝડપાયા બાદ એસીબી દ્વારા કરાયેલી સઘન તપાસમાં ચોકસી પાસે તેમની કાયદેસરની આવક કરતાં રૂ. 3.08 કરોડ રૂપિયા વધુની બેનામી સંપત્તિ મળી આવી હતી.\
જેમાં રૂ. 2.31 કરોડ જેટલી માતબર રકમ રોકડ સ્વરૂપે હતી. આ રોકડ ગાંધીનગરની બેંકોના ત્રણ લોકરમાંથી અને તેમના ઘરેથી જપ્ત કરવામાં આવી હતી. નિયુણ ચોકસીએ 1 એપ્રિલ, 2011 થી 19 સપ્ટેમ્બર, 2021 દરમિયાન પોતાની સરકારી ફરજનો દુરુપયોગ કરીને 62.43 ટકા જેટલી અપ્રમાણસર મિલકત ભેગી કરી હોવાનું એસીબીની તપાસમાં સામે આવ્યું છે, જેના પગલે સરકારી તંત્રમાં ખળભળાટ મચી ગયો છે.

