Srinagar તા.27
લગભગ 14 હજાર ફિટની ઉંચાઈ પર આવેલ જયોલિંગ કાંગમાં આદિ કૈલાસમાં પડી રહેલી કડકડતી ઠંડીના કારણે પાર્વતી અને ગૌરી કુંડનુ પાણી જામી ગયું છે. કુંડના થીજેલા પાણી પર એક સ્થાનિક શ્રદ્ધાળુની ચહલ પહલનો એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે.
સીમાંત પિથોરાગઢ જિલ્લામાં તાપમાનમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. બુધવારે અહી અધિકતમ 23 ડિગ્રી સેલ્સીયસ તેમજ ન્યુનતમ તાપમાન 10 ડિગ્રી સેલ્સીયસ રહ્યું. આદિ કૈલાસ સ્થિત શિવ-પાર્વતી મંદિરના કપાટ ગત પાંચ નવેમ્બરે બંધ થઈ ગયા હતા.
આદિ કૈલાસ દર્શન અને ઓમ પર્વત દર્શન માટે લોકો હજુ પણ સીમાંત પહોંચી રહ્યા છે. તાપમાનમાં ઘટાડાના કારણે તેમણે પાર્વતી કુંડનું પાણી જામેલું જાણ્યું. સ્થાનિકોએ જણાવ્યું કે રાત્રે અહીનું તાપમાન માઈનસ 8થી10 ડિગ્રી સેલ્સીયસ સુધી પહોંચી રહ્યું છે.
શ્રીનગરમાં ઋતુની સૌથી ઠંડી રાત નોંધાઈઃ શ્રીનગરમાં બુધવારે ઋતુની સૌથી ઠંડી રાત નોંધાઈ હતી. અહીં તાપમાન શૂન્યથી 3.9 ડિગ્રી સેલ્સીયસ રહ્યું. અધિકારીઓએ જણાવ્યું કે ખીણમાં મોટાભાગની જગ્યાઓ તાપમાનનો પારો શૂન્યથી નીચે ચાલ્યો ગયો છે. સ્થાનિક હવામાન વિભાગના અધિકારીઓએ જણાવ્યું હતું કે શ્રીનગરમાં ગઈકાલે રાત્રે તાપમાન આ ઋતુના સામાન્યથી 4 ડિગ્રી સેલ્સીયસ ઓછું હતું.
બે ડિસેમ્બર સુધી શુષ્ક હવામાનઃ દક્ષિણ કાશ્મીરના પુલવામાં જિલ્લામાં આવેલ કોનિબલ ખીણ સૌથી ઠંડો વિસ્તાર રહ્યો જયાં તાપમાન શૂન્યથી 5.5 ડિગ્રી સેલ્સીયસ નીચે નોંધાયું હતું. અધિકારીઓએ જણાવ્યું હતું કે પહેલગામ ટુરિસ્ટ રિસોર્ટમાં ન્યુનતમ તાપમાન શૂન્યથી 4.6 ડિગ્રી સેલ્સીયસ ઓછુ નોંધાયું.
જયારે ગુલમર્ગમાં ન્યુનતમ તાપમાન શૂન્ય ડિગ્રી સેલ્સીયસ રહ્યું. હવામાન વિભાગે પુરા કાશ્મીરમાં મુખ્યત્વે શુષ્ક હવામાન રહેવાનું અનુમાન દર્શાવ્યું છે અને રાતના તાપમાનમાં વધુ ઘટાડાની સંભાવના વ્યક્ત કરી છે.
ઉતર ભારત ઠુંઠવાયુંઃ દરમિયાન વધુમાં જાણવા મળતી વિગત મુજબ દિલ્હી, ઉતરપ્રદેશ, પંજાબ, હરિયાણા, રાજસ્થાન, મધ્યપ્રદેશ અને બિહારમાં તાપમાન સતત ઘટવા માંડયું છે. હવામાન વિભાગનું કહેવું છે કે આજથી ઠંડી વધશે. સવાર-સાંજ હળવું ધુમ્મસ જોવા મળી શકે છે. દિલ્હીમાં બુધવારે સવારે તાપમાન 8 ડીગ્રી નોંધાયું હતું.
આજે નોઈડા, ગાઝીયાબાદ, ગુડગાંવ, ફરિદાબાદ, ગ્રેટર નોઈડા સહિત દિલ્હીમાં આજે પણ રાત્રે અને સાંજે ખૂબ જ ઠંડી પડશે. પહાડો પર બરફ વર્ષાના કારણે પંજાબ-હરિયાણામાં ઝડપથી તાપમાનનો પારો ગગડી રહ્યો છે.
જમ્મુ-કાશ્મીર, ઉતરાખંડ અને હિમાચલ પ્રદેશમાં સતત બરફવર્ષા ચાલુ છે, જેથી મેદાની વિસ્તારોમાં પણ ઠંડી વધુ વધશે. બરફવર્ષાના કારણે રોહતાંગનો રસ્તો બંધ કરી દીધો છે.
બીજી બાજુ જમ્મુ-કાશ્મીર, ઉતરાખંડ, હિમાચલ પ્રદેશ જેવા હિમાલયી રાજયોમાં સતત બરફવર્ષા થઈ રહી છે, આથી મેદાની વિસ્તારોમાં પણ ઠંડી વધી શકે છે. આ સાથે લદાખમાં પણ કડકડતી ઠંડીની લહેર તેજ થઈ ગઈ છે.

