Surendaranagar, તા.27
ચોટીલામાં રહેતા શખ્સે વાહન લેવા માટે ખાનગી ફાઈનાન્સ કંપનીમાંથી લોન લીધી હતી. પરંતુ હપ્તા ન ભરતા રકમ ચડત થતા રૂ. 9,97,300નો ચેક આપ્યો હતો. આ ચેક રીટર્ન થતા કરાયેલા કેસમાં કોર્ટે આરોપીને 1 વર્ષની સજા અને ચેકની રકમ વળતર તરીકે ચૂકવવા હુકમ કર્યો છે.ચોટીલાના ખાંડીપ્લોટમાં આવેલ ચરમાળીયાના મંદીર પાસે રહેતા ભગવાનદાસ મૈયરામભાઈ મેસવાણીયાએ વાહન લેવા માટે શ્રી રામ ફાઈનાન્સ કંપનીમાંથી વર્ષ 2013માં લોન લીધી હતી.
જે તેઓને હપ્તે હપ્તે ચુકવવાની હતી. પરંતુ હપ્તાની અનીયમીત ચુકવણી થતા અને ચડત રકમ થઈ જતા કંપનીએ વારંવાર નાણાની માંગણી કરી હતી. જેમાં ભગવાનદાસે તા. 09-04-2018ના રોજ રૂપીયા 9,97,300નો ચેક આપ્યો હતો. આ ચેક કંપનીએ બેંકમાં ભરતા પરત ફર્યો હતો. આથી કંપની દ્વારા તા. 14-6-2018ના રોજ સુરેન્દ્રનગર એડીશનલ જયુડીશીયલ મેજીસ્ટ્રેટ ફર્સ્ટ કલાસ કોર્ટમાં કેસ દાખલ કર્યો હતો.
આ કેસ તાજેતરમાં ચાલી જતા કંપનીના કર્મી કુલદીપસિંહ ઝાલાની મૌખીક જુબાની, 9 દસ્તાવેજી પુરાવા અને કંપનીના વકીલ ડી.પી.પાઠકની દલીલોને ધ્યાને લઈ જજ પી.એમ.ઝાલાએ આરોપી ભગવાનદાસ મૈયરામભાઈ મેસવાણીયાને કસુરવાર ઠેરવી 1 વર્ષની સજા ચેકની રકમ 2 માસમાં કંપનીને વળતર તરીકે ચુકવવા હુકમ કર્યો છે. જો તેઓ આ રકમ ન ચુકવે તો વધુ 3 માસની સજા પણ સંભળાવાઈ છે. આરોપીની ગેરહાજરીમાં સજા સંભળાવી કોર્ટે કલમ-70 મુજબનું પકડ વોરંટ પણ ઈસ્યુ કર્યુ છે.

