New Delhi,તા.27
દિલ્હી-NCRમાં સતત વધી રહેલા પ્રદૂષણના સ્તર અંગે સુપ્રીમ કોર્ટે ગંભીર ચિંતા વ્યક્ત કરી છે. કોર્ટે જણાવ્યું કે, ‘અમારી પાસે કોઈ જાદુઈ છડી નથી, જેને ફેરવવાથી આ સમસ્યા દૂર થઈ જાય.’ કોર્ટે સ્વીકાર્યું કે, ‘દિલ્હી-NCR માટે આ ખતરનાક સમય છે અને આ મામલાનો તાત્કાલિક ઉકેલ લાવવાનો પ્રયાસ થવો જોઈએ. હવાની ગુણવત્તાની ગંભીર સમસ્યાનો તરત નીકાલ કરવા માટે નક્કર પગલાં લેવાની જરૂર છે.’ આ કેસની આગામી સુનાવણી 1 ડિસેમ્બરના રોજ નિર્ધારિત કરાઈ છે.
ચીફ જસ્ટિસ સૂર્યકાંતે આ મુદ્દે ગંભીર ચિંતા વ્યક્ત કરતાં કહ્યું કે, ‘કોઈપણ જ્યુડિશિયલ ફોરમ પાસે કઈ જાદુઈ છડી છે જેને ફેરવીને આ સમસ્યાનો અંત લાવી શકાય? મને ખબર છે કે દિલ્હી-NCR માટે આ ખતરનાક સમય છે. અમને જણાવો કે અમે શું આદેશ આપી શકીએ, જેથી લોકોને તાત્કાલિક શુદ્ધ હવા મળી શકે.’CJIએ વધુમાં કહ્યું કે, ‘પ્રદૂષણ પાછળ કોઈ એક કારણ નથી અને તેને માત્ર નિષ્ણાતો અને વૈજ્ઞાનિકો પર છોડી દેવું યોગ્ય નથી. આપણે તમામ કારણોને ઓળખવા પડશે. દરેક વિસ્તાર માટે અલગ સમાધાનની જરૂર છે. આ માટે, સરકાર દ્વારા રચાયેલી કમિટીઓ અને તેના કામકાજની પણ સમીક્ષા કરવી પડશે. સાથે જ, નિયમિત દેખરેખની પ્રક્રિયાને મજબૂત બનાવવી જરૂરી છે.’એમિકસે કોર્ટને માહિતી આપી કે કમિશન ફોર એર ક્વોલિટી મેનેજમેન્ટ(CAQM) આ મુદ્દે સતત નિર્દેશો આપી રહ્યું છે. CJI એ લાંબા ગાળાના ઉકેલ અને નિયમિત દેખરેખની જરૂરિયાત પર ભાર મૂકતા કહ્યું કે, ‘આ મામલો દર વર્ષે દિવાળી પહેલાં ઔપચારિક રીતે યાદીમાં આવે છે. શિયાળા પછી તે ગાયબ થઈ જાય છે. આપણે નિયમિતપણે દેખરેખ રાખવી પડશે.’

